સોમવાર સુધીમાં ભારત ટોપ-૩ કોરોનાગ્રસ્ત દેશોમાં સામેલ થઈ જશે: વધતા જતા કેસ ચિંતાનો વિષય: વિશ્વમાં કુલ ૧.૨૦ કરોડથી વધુ સંક્રમીત
કોરોના વાયરસની મહામારી સતત તિવ્ર બનતી જાય છે. એકાએક દરરોજ ૨૩૫૦૦ કેસ નોંધાવા લાગતા મામલો સંગીન બન્યો છે. અલબત એકવાત રાહત આપે તેવી એ છે કે, રિકવરી રેટ પણ વધીને ૬૦ ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા ૨ દિવસથી જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે જે જોતા આગામી સોમવાર સુધીમાં વિશ્ર્વના ટોચના કોરોનાગ્રસ્ત દેશોમાં ભારત સામેલ થઈ જાય તેવી શકયતા છે. વર્તમાન સમયે વિશ્વમાં કોરોનાના કુલ ૧.૨૦ કરોડથી પણ વધુ સંક્રમીત દર્દીઓ છે.
કોવિડ-૧૯ કોરોના મહામારીનું સંક્રમણનાં પ્રકોપ દેશભરમાં અવિરત જારી છે. એક જ દિવસમાં નવા કેસ નોંધાવવાનો બીજો વિક્રમ નોંધાયો હતો. એક જ દિવસમાં દેશમાં ૨૩,૫૦૦ કોવિડ-૧૯નાં નવા દર્દીઓનો ઉમેરો થયો છે. આ પહેલા ગુરુવારે ૨૨૦૦૦ નવા કેસો ઉમેરાયા હતા. બે દિવસમાં જ ભારતમાં કોરોનાના નવા દર્દીઓનો આંક ૪૫,૫૦૦ને વટાવી ગયો હતો. શુક્રવારે ૪૪૬ મૃત્યુ સાથે કોરોના વાયરસનાં ખપ્પરમાં હોમાઈ ગયેલાઓનો મૃત્યુઆંક ૧૮,૬૬૨એ પહોંચ્યો હતો. ભારતમાં સરકારી આંકડા મુજબ દેશમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યાનો આંક બે દિવસ પહેલા જ ૬ લાખને વટાવી ગયો હતો. કોવિડ-૧૯ના કુલ દર્દીઓની સંખ્યા ૬,૪૯,૭૦૮ને પહોંચી છે જોકે દર્દીઓનો સાજા થવાની ટકાવારી પણ ૬૦ ટકાથી ઉપર થવા પામી છે. કુલ ૩.૯૫ લાખ દર્દીઓને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા હતા.
શુક્રવારે ભારતમાં ૨૩,૫૦૦ નવા સંક્રમિત દર્દીઓ ઉમેરાયા હતા. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા ૬૩૬૪ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા અને અન્ય સાત એક જ દિવસમાં નવા દર્દીઓના ઉમેરાવાળા રાજયોમાં તેલંગણામાં ૧૮૯૨, કર્ણાટકમાં ૧૬૯૪, ઉતરપ્રદેશમાં ૯૭૨, ગુજરાતમાં ૬૮૭, કર્ણાટકમાં ૧૬૯૪, ઉતરપ્રદેશમાં ૯૭૨, ગુજરાતમાં ૬૮૭, બંગાળમાં ૬૬૯, ઓરિસ્સામાં ૫૬૧, કેરલમાં ૨૧૧ નવા દર્દીઓ નોંધાયા હતા. જયારે તામિલનાડુ બીજુ એવું રાજય બન્યું છે કે જયાં દર્દીઓની સંખ્યા ૧ લાખ સુધી પહોંચી છે. શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ તામિલનાડુમાં ૪૩૨૯ દર્દીઓ નોંધાયા હતા જયારે દિલ્હીમાં ૨૫૨૦ દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યાનો આંક ૯૪,૬૦૦એ પહોંચ્યો હતો. દેશમાં દક્ષિણ રાજયોમાં સંયુકત રીતે ૯૦૦૦ નવા કેસો નોંધાયા હતા. ૮૯૮૭નો આંક છેલ્લા કેટલાક દિવસ પૂર્વે નોંધાયો હતો. ભારતમાં વર્તમાન સમયે કોરોના મહામારીએ લીધેલો ભરડો ખૂબ ગંભીર બાબત બની ગઇ છે. આવી જ રીતે જો સતત કેસ વધશે તો ગણતરીના દિવસોમાં જ ભારત પ્રથમ હરોળના દેશોમાં આવી જશે.
મહારાષ્ટ્રમાં ૧.૯૩ લાખ, તમિનાડુમાં ૧ લાખથી વધુ, દિલ્હીમાં ૯૪,૬૯૫ કોરોનાના કેસ
મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોનાના કેસ ૧ લાખને પાર થયા છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. દિલ્હીમાં ૯૪ હજાર ૬૯૫ જેટલા કેસ નોંધાયા છે. દેશના અન્ય રાજ્ય જેવા કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.
દેશમાં કોરોનાના ૬.૪૯ લાખ કેસ
અનલોક-૨નું શરૂઆતની સાથે જ દેશમાં વધુને વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીયે તો, દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૬ લાખ ૪૯ હજારને પાર થઈ ગઈ છે.
એક દિવસમાં ૨૩,૫૦૦ કેસ
દેશમાં ૨૨ હજાર ૭૨૧ જેટલા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૮ હજાર ૬૬૯ જેટલા લોકોના મોત કોરોનાથી થયા. મહારાષ્ટ્રમાં ૧ લાખ ૯૩ હજાર જેટલા કેસ નોંધાયા છે. તો ૮ હજાર ૩૭૬ જેટલા લોકોના મોત થયા છે.
અમેરિકામાં એક દિવસમાં ૫૩ હજાર કેસ નોંધાયા
એક દિવસમાં આશરે ૫૩ હજારથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. તો ૧.૩૨ લાખ લોકોના મોત કોરોનાથી થયા છે.
બ્રાઝિલમાં ૧૫.૪૩ લાખ કેસ
અમેરિકા બાદ બ્રાઝિલ સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ છે. અહી ૧૫ લાખ ૪૩ હજાર જેટલા કેસ અને ૬૩ હજાર જેટલા લોકોના મોત થયા છે.
રશિયામાં ૬.૬૭ લાખ કેસ
રશિયામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહી ૬ લાખ ૬૭ હજાર કેસ અને ૯ હજાર ૮૫૯ જેટલા લોકોના મોત થયા છે. આ સિવાય દુનિયાના અન્ય દેશમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારત, સ્પેન, પેરુ અને યુકેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.