કોરોનાના દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ તો ઓર્ડરમાં હાજર સિક્યુરિટી ગાર્ડ સહિતના સ્ટાફ સામે ફરજમાં બેદરકારીનો ગુનો કેમ ન નોંધાયો ? લોકોમાં અનેક જાતના તર્ક-વિતર્ક
વૈશ્વિક મહામારી કોરોનાના કેસોની સંખ્યા કચ્છ જિલ્લામાં સતત ઉંચકાતી જઈ રહી છે. ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવનારા લોકો પણ હવે સંક્રમીત બની રહ્યા છે. કોવિડ-૧૯ના કેસોમાં આવી રહેલા ઉછાળાથી આરોગ્ય તંત્ર ચીંતીત બન્યું છે તે વચ્ચે સવારના સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી અચાનક નાસી ગયો હતો જેના લીધે હોસ્પિટલના જવાબદારો સહિત જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ પોલીસ કર્મચારીઓમાં આખી રાત દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના અધિકારી-કર્મચારી તેમજ સિક્યુરિટીની ગંભીર બેદરકારી પણ સામી આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી રાત્રિના સમયે પી.આઇ વસાવાએ અંજાર પોલીસનો સંપર્ક કરી હકીકતની જાણ કરી હતી અને અંતે આ દર્દી અંજાર રેલવે સ્ટેશનેથી મળી આવતા જવાબદારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગેની વિગતો મુજબ અંજારના મફતનગરમાં રહેતા સિતારામ કુનવર (ઉ.વ. ૪૮)ને ગત ર૮મીના ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તકેદારીના ભાગરૂપે તેનું સેમ્પલ લઈ દર્દીને ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ગઈકાલે આ દર્દીનો રિપોર્ટ આવે તે પૂર્વે જ હોસ્પિટલમાંથી પલાયન થઈ ગયો હતો. દર્દી ભાગી જતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી . ફરાર થઇ ગયેલા દર્દીને શોધવા માટે આરોગ્ય વિભાગના જવાબદારો રીતસરના ઊંધા માથે પટકાયા હતાં. આ બાજુ ભાગી ગયેલા કોરોના પોઝિટિવ દર્દીનો એક વીડિયો પણ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં તે હોસ્પિટલના ગેટ સામેથી જ બસમાં ચડતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ગત સાંજે આવેલ લેબ રિપોર્ટમાં દર્દીનું સેમ્પલ પોઝિટિવ આવતા તેની શોધખોળ વધુ વેગવંતી બનાવાઈ હતી. રાત્રિ દરમિયાન ભારે શોધખોળ બાદ અંતે આજે સવારે આ દર્દી અંજાર રેલવે સ્ટેશનેથી મળી આવતા જવાબદારોએ રાહતનો શ્વાસ લીધો હતો જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગેલો સિતારામ કુનવર નામનો દર્દી અંજાર રેલવે સ્ટેશને હોવાની માહિતી સવારે આરોગ્ય તંત્રની ટીમ ત્યાં ધસી ગઈ હતી. દર્દીને ૧૦૮ મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં પરત પહોંચાડવામાં આવ્યો હતો. બીજી તરફ આ અત્યંત ગંભીર બનાવને પગલે દર્શન અરવિંદભાઈ પટેલ (ચીફ સંક્રમણ વિભાગ) દ્વારા સિતારામ કુનવર વિરૂદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પીએસઆઈ વી.આર. ઉલ્વા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.