ડરો મત, સાવચેતી જરૂરી
કોરોનાનો કહેર ફરી દેશ પર ફરી વળતો હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. ભારતમાં કોરોનાના નવા કેસો વધીને 1,134 થાય છે. એક્ટિવ કેસો, વધીને 7026 થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પાંચ વધુ મૃત્યુ નોંધાતાં કોવિડને લીધે થયેલા મૃત્યુનો આંક 5,30,813 પહોંચ્યો છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. આ યાદીમાં ચિંતાજનક બાબત તે દર્શાવવામાં આવી છે કે હજી સુધી સાપ્તાહિક પોઝિટિવિટી કેસોની ટકાવારી 0.98 હતી, તે પણ વધીને આજે પોઝિટીવીટી કેસોની ટકાવારી 1.09 પહોંચી છે. આ દરમિયાન કોરોનાને કારણે પાંચ લોકોના મોત પણ થયા છે. દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
કોરોનાના કેસમાં ઉછાળાને પગલે મોદીએ બોલાવી તાકીદની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી. જેમાં આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સરકારને સૌથી વધુ ચિંતા તે છે કે કોવિડ 19નો નવો વેરિયન્ટ એક્સ-બી-બી 1.16, ઉપર હજી કાબુ મેળવી શકાતો નથી. આ વેરિયન્ટ તથા એક અન્ય વેરિયન્ટ શ્વાસ દ્વારા પણ ઝડપભેર પ્રસરી રહે છે. તેથી સરકારે જનસામાન્યને ભીડવાળી જગ્યાએથી દૂર રહેવા અને માસ્ક બરોબર પહેરવા જણાવી દીધું છે. આ ઉપરાંત એન્ટી બાયોટિક સ્ટેરોઇડનો તબીબી સલાહ સિવાય આડેધડ ઉપયોગ નહીં કરવા જનસામાન્યને તાકીદ કરી છે.
ગુજરાતમાં નવા 247 કેસ, એક્ટિવ કેસ 1064એ પહોંચ્યા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 247 કોરોનાના કેસ નોંધાયા છે. જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા ઘણા મહિનાઓ બાદ 1064એ પહોંચી છે. છેલ્લા 24 કલાકના કેસની સ્થિતિ જોઈએ તો અમદાવાદ શહેરમાં 124, અમરેલીમાં 19, મોરબીમાં 17, સુરત શહેરમાં 17, રાજકોટ શહેરમાં 16, મહેસાણામાં 12, વડોદરા શહેરમાં 9, રાજકોટ ગ્રામ્યમાં 8 અને સુરત ગ્રામ્યમાં 6 કેસો નોંધાયા છે.