ચારેય મહાનગરોમાં કોરોના વિસ્ફોટ : અમદાવાદમાં 606, સુરતમાં 563, વડોદરામાં 209 અને રાજકોટમાં 164 કેસ
ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2220 કેસો નોંધાયા છે અને 1988 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે. જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો આજે કુલ 1,93,968 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને હરાવીને સાજા થવાનો દર 94.51 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 288565 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા કુલ 12263 છે જેમાંથી 147 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 12116 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 10 દર્દીઓના મોત થયા છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મોત પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4510 પર પહોંચ્યો છે.
જો ગુજરાતના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોની સ્થિતિ જાણીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 606, અમદાવાદ ગ્રામયમાં 7, સુરત શહેરમાં 563, સુરત ગ્રામયમાં 81, વડોદરા શહેરમાં 209, વડોદરા ગ્રામ્યમાં 48, રાજકોટ શહેરમાં 164, રાજકોટ ગ્રામ્યમાં 43 નવા દર્દીઓ નોંધાયા છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસોની સ્થિતિ પર નજર નાખીએ તો છેલ્લા 24 કલાકમાં ભાવનગરમાં 38, જામનગરમાં 27, ગાંધીનગરમાં 26, મહેસાણામાં 26, નર્મદામાં 37 કેસો નોંધાયા છે.
રાજકોટમાં આજથી સરકારી કર્મચારીઓને વેકસીન અપાશે
રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ત્યારે આજથી રાજકોટમાં તમામ સરકારી કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે. રાજકોટની તમામ સરકારી કચેરીના કર્મચારીઓ કે જે કામ કરી રહ્યા છે તેને આજે કોરોનાના કવચથી સુરક્ષિત કરવામાં આવશે.