પોઝિટિવ કેસની સંખ્યા વધતાની સાથે જ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય પોઝિટિવ દર્દીનાં સંપર્કમાં આવેલા લોકો રામભરોસે: મૃતકનાં નામ અને આંક બાદ પોઝિટિવ દર્દીઓનાં ફકત આંકડા જાહેર: ૪૨ પોઝિટિવ, ૧૩નાં મોત
કોરોનાની મહામારી વધતાની સાથે જ આરોગ્ય તંત્ર દ્વારા પોઝીટીવ આવેલા દર્દીઓના નામની યાદી આપવાનું બંધ કરી દેતા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકો રામ ભરોસે જેવી પરિસ્થિતિ સર્જાય છે. આજરોજ તંત્ર દ્વારા માત્ર ૪૨ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે સાથે પોઝીટીવ દર્દીઓનાં સરનામા અને નામ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આજરોજ આવેલા ૪૨ પોઝીટીવ કેસ સાથે રાજકોટ શહેરનો કુલ આંક ૧૦૦૦ને નજીક પહોંચી રહ્યોે છે. થોડા દિવસ પહેલા જ રાજયનાં આરોગ્ય જયંતિ રવિ રાજકોટની મુલાકાતે આવ્યા બાદ કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીઓનાં નામ અને આંક બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આજરોજથી જાહેર થયેલી યાદીમાં માત્ર પોઝીટીવ કેસની સંખ્યાનો જ ઉલ્લેખ કરતા સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા અથવા પોતાને કવોરન્ટાઈન કરવા મામલે કઈ રીતે કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. રાજકોટમાં આજરોજ જુદી-જુદી હોસ્પિટલોમાં ૧૩ જેટલા દર્દીઓનાં કોરોનાની સારવારમાં મોત નિપજયા છે.
રાજકોટમાં દિવસેને દિવસે કોરોનાની પરિસ્થિતિ વકરતી જાય છે ત્યારે અત્યાર સુધી તંત્ર દ્વારા શહેરમાં આવતા કોરોના પોઝીટીવ દર્દીઓનાં નામ, ઉંમર અને સરનામું જાહેર કરવામાં આવતું હતું જેથી કરીને કોઈપણ પોઝીટીવ આવેલા દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકો પોતાની સાવચેતી સ્વપે કવોરન્ટાઈન અથવા હોમ કવોરન્ટાઈન થઈ રીપોર્ટ કરાવવાની પઘ્ધતિ પણ અનુસરતા હતા પરંતુ આજરોજથી તંત્ર દ્વારા ફકત પોઝીટીવ આંકડો જ જાહેર કરવાનું નકકી કરવામાં આવ્યું છે ત્યારે કોઈપણ કોરોનાગ્રસ્ત દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાની સાવચેતી અને આરોગ્ય હવે રામભરોસે રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં આવેલા ૪૨ પોઝીટીવ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી રહ્યો છે અને રાજકોટની જુદી-જુદી હોસ્પિટલમાં ૧૩ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મોત નિપજયા હતા.
કોરોનાગ્રસ્ત દર્દીઓનાં માત્ર આંકડાની જાહેરાત કરવામાં આવતા લોકોમાં ભારે સવાલ ઉઠી રહ્યા છે જેના બચાવ સ્વપે તંત્ર દ્વારા કોરોના પોઝીટીવ આવતા દર્દીઓએ લેખિતમાં રજુઆત કરી પોતાને પડતી હાલાકી અંગે તંત્રને જાણ કરતા આ પઘ્ધતિ અપનાવવાનું જણાવ્યું હતું પરંતુ જો કોરોનાગ્રસ્ત દર્દીઓનાં સંપર્કમાં આવેલા લોકો સામેથી રજુ નહીં થાય તો તંત્ર દ્વારા આગળ જતા કેવી રીતે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું છે.
રાજકોટમાં ૧૩ દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયા
ગઈકાલ રાતથી લઈ આજે બપોર સુધી શહેરની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં ૧૩ દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે જેમાં રાજકોટનાં ગુલસન પાર્કમાં રહેતા શાહબુદીન હબીબભાઈ હાલાણી (ઉ.વ.૬૦), રૈયા રોડ ડ્રીમ સીટી પાસે રહેતા મુકેશભાઈ શાંતીલાલ છત્રાલા (ઉ.વ.૬૦) ભગવતીપરામાં રહેતો અક્ષય મવર (ઉ.વ.૧૯) અને રાજકોટ તાલુકામાં રહેતા ભીમજીભાઈ બોઘાભાઈ સાવલીયા (ઉ.વ.૮૦) શંકાસ્પદ હાલતમાં કોરોનાની સારવાર માટે આવ્યા અને મોત નિપજયાનું જાણવા મળ્યું છે. જયારે અન્ય શહેરોનાં પણ રાજકોટ હોસ્પિટલમાં સારવાર લેતા કચ્છનાં નાનુબેન જગદીશભાઈ ચૌધરી (ઉ.વ.૨૫), વેરાવળ સોમનાથનાં રંગીતાબેન રાજેશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૮), વાંકાનેરનાં ઈકબાલભાઈ ગુલામહુસેન રસુલ (ઉ.વ.૫૪), જામકંડોરણાનાં મનસુખભાઈ ભગવાનજીભાઈ સરવૈયા (ઉ.વ.૬૦), સુરેન્દ્રનગરનાં સ્મતાશા બફાટીશા દિવાન (ઉ.વ.૬૩), વાંકાનેરનાં વલ્લભભાઈ ચનાભાઈ દાફડા (ઉ.વ.૭૩) અને ધોરાજી-પીપળીયાનાં હુસેનભાઈ કેશરભાઈ સીડા (ઉ.વ.૭૮), ગોંડલનાં અનીલાબેન જગદીશભાઈ કાકરીયા (ઉ.વ.૫૭), વઢવાણનાં હસમુખભાઈ લક્ષ્મીચંદભાઈ (ઉ.વ.૬૩) આજરોજ કોરોના સામેની જંગ હારી જતા તેઓનાં મોત નિપજયા છે.