ઝીરોની વેલ્યુ હજુ અકબંધ જ રહી હોવાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતના 100 હોનહાર બાળકોએ પૂરું પાડ્યું છે. આ બાળકોએ ઝીરો માર્ક મેળવીને પણ માસ પ્રમોશનની મહેરબાનીથી પાસ થઈને દેખાડી દીધુ છે. આ બાળકોને ધો. 9 અને 10ની શાળા પરીક્ષાઓના આધારે મળેલા માર્કમાં ઝીરો કેમ મળ્યો તે વિચારીને સૌ કોઈ અચંબામાં મૂકાઈ ગયા છે. કોરોના મહામારીમાં જો કોઈને જીવનભરનો ફાયદો થયો હોય તો તે ગુજરાતમાં ધો. 10ના બોર્ડના એ 100 વિદ્યાર્થીઓ છે જેમણે એક પણ વિષયમાં કોઈ જ માર્ક મેળવ્યા વગર પર બોર્ડ પાસ કરી લીધું છે. મંગળવારે રાત્રે બહાર પડેલા ધો. 10ના પરિણામમાં મહામારીના કારણે ધો. 10માં આપવામાં આવેલા માસ પ્રમોશનમાં 100 વિદ્યાર્થીઓને બોર્ડે 198 ગ્રેસ માર્ક આપી પાસ કર્યા છે.
ધો.10 બોર્ડના 100 છાત્રો ઝીરો માર્ક મેળવ્યા હોવા છતાં માસ પ્રમોશનની મહેરબાનીથી પાસ થઈ ગયા
હવે જો ગણતરી બેસાડીએ તો ધો. 10માં બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓને પોતાના 6 વિષયમાં 33 માર્ક લેવાના હોય છે. તેવામાં જ્યારે જો બોર્ડે આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપ્યા છે તો તેનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓએ શું ખરેખર 6માંથી એક પણ વિષયમાં પોતાની જાતે એક પણ માર્ક મેળવ્યો નથી? ખરેખર આંચકા જેવી વાત છે. ભૂતકાળમાં ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ચઢાઉ પાસ કરવા માટે ટોટલ 24 ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે. જો કે આ માટે શરત હતી કે વિદ્યાર્થીએ ઓછામાં ઓછા 40 ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ. તેમજ બે જ વિષયમાં મળીને કુલ 24 માર્ક બોર્ડ આપવામાં આવતા હતા. જોકે આ વર્ષની વાત અલગ છે.
આ વર્ષે બોર્ડે ધોરણ 10નું પરિણામ મહામારીને ધ્યાને રાખીને મેરિટ આધારીત બનાવ્યું છે. જેમાં પરિણામ નક્કી કરવા માટે વિદ્યાર્થીઓના ધો. 9ના પરિણામ આધારે 40 ટકા, ધો. 10ની યુનિટ પરિક્ષાઓના આધારે 40 ટકા અને આંતરિક મુલ્યાંકનના 20 ટકાના આધારે માર્ક આપવામાં આવ્યા છે.
હવે અહીં મોટી રહસ્યની વાત એ છે કે આ આધારે તો પેલા 100 વિદ્યાર્થીઓએ એવું તો કેટલું ખરાબ પ્રદર્શન કર્યું હશે કે ધોરણ 9નું પરિણામ અને ધોરણ 10ની યુનિટ પરીક્ષાઓના પરિણામના આધારે પણ તેમને કોઈ ગુણ મળ્યા નથી અને જેના કારણે બોર્ડે તેમને તમામ 6 વિષયામાં ગ્રેસ માર્ક આપવા પડ્યા છે.
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓને 198 ગ્રેસ માર્ક આપવાનો અર્થ થાય છે કે તેમણે ધોરણ 9ની પરીક્ષા અને ધોરણ 10ની યુનિટ પરીક્ષાઓમાં એક પણ વિષયમાં એક માર્ક મેળવ્યો નથી. જોકે આ ન બની શકે તેવી વાત છે કારણ કે સાવ ઠોઠમાં ઠોઠ છોકરાને પણ પરીક્ષામાં 4-5 માર્ક તો આવી જ જતા હોય છે. જોકે આ કિસ્સામાં બીજી એક શક્યતા હોઈ શકે છે કે વિદ્યાર્થીઓએ ફક્ત સ્કૂલમાં દાખલો લીધો હોય અને તેઓ ક્યારેય સ્કૂલમાં ગયા જ ન હોય.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં આ વર્ષે ધો. 10ના કુલ વિદ્યાર્થીઓ પૈકી 45000 વિદ્યાર્થીઓને 60થી 100 જેટલા ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે 1.6 લાખ જેટલા વિદ્યાર્થીઓને 60 માર્ક સુધી ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનને લઈને કુલ મળીને 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓને પાસ કરવા માટે ગ્રેસ માર્ક આપવામાં આવ્યા છે.
ઝીરો મેળવનાર હોનહાર બાળકો પાસ તો થઈ જશે પણ તેઓનું ભવિષ્ય શું?
શિક્ષણવિદોમાં પણ સવાલ ઉઠ્યો છે કે ઝીરો મેળવનાર હોનહાર બાળકો પાસ તો થઈ ગયા છે. પણ હવે તેઓના ભવિષ્યનું શુ ? આ વખતે તો માસ પ્રમોશને તેઓને ધો. 11માં પ્રવેશ અપાવી દીધો છે. હવે તેઓનું શુ થશે ? ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગના માસ પ્રમોશનના નિર્ણયથી સર્જાયેલી આ પરિસ્થિતિ ગંભીર બની છે. જેની સીધી અસર બાળકોના કૌશલ્ય ઉપર પડવાની છે. જો આવું જ રહ્યું તો બાળકોની કારકિર્દી પણ ખતમ થતા વાર નહિ લાગે.