અગાઉના વર્ષ કરતા ધો.10માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાનો અંદાજ
ધોરણ 11માં પ્રવેશ લેનાર વિદ્યાર્થી ધો.12માં પણ આગળ અભ્યાસ કરશે જેથી ખાનગી સ્કૂલો બે વર્ષની ફી વસૂલી શકશે
કોરોનાના કારણે ધો.10માં માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયના કારણે નવા શૈક્ષણિક વર્ષમાં ધો.11માં પ્રવેશ માટે મોટી સમસ્યા સર્જાય તેવી શક્યતાઓ છે. માસ પ્રમોશને વિદ્યાર્થીઓને તો બખ્ખા કરી જ દિધા છે ત્યારે હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ નવા વર્ષમાં એડમિશન લેવા માટે પણ પડાપડી થશે. જો કે આ માટે સ્કૂલોએ વર્ગ પણ વધારવા પડશે. જો કે વર્ગો વધારવાની મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોય ચાલુ વર્ષે નવા વર્ગોની મંજૂરી સરકાર આપશે કે કેમ તેના પર પણ સવાલ ઉભા છે. જો કે માસ પ્રમોશનને લઈ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે એટલે સ્કૂલોને હવે છૂટથી ફી પણ વસુલશે.
ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના અંદાજ મુજબ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ગત વર્ષની સરખામણીમાં ઉત્તીર્ણ થયા છે. આ વિદ્યાર્થીઓમાંથી 60થી 70 ટકા વિદ્યાર્થીઓ ધો.11 સામાન્ય પ્રવાહ અથવા વિગ્યાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઉત્સુક હશે. આમ છતાં રાજ્યમાં ધોરણ-11ના વર્ગોની મોટી સંખ્યામાં જરૂર પડશે. હવે બીજી બાજુ કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે તે સ્કૂલોની મૂંઝવણ વધારશે કે બખ્ખા કરી દેશે? તે જોવું રહ્યું.
શિક્ષણ બોર્ડ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ધોરણ-11ના ખાનગી શાળામાં નવા વર્ગો શરૂ કરવા અંગેની અરજીઓ કરવા માટે 31 જુલાઈ સુધીની મુદ્દત આપવામાં આવી છે. જાહેરાતમાં વર્ગ વધારા માટે રૂ. 15 હજારની ફી ભરવાની પણ જોગવાઈ કરાઇ છે. રાજ્યમાં 2021-22માં ધોરણ-11ના અને 2022-23માં ધોરણ-12ના વર્ગો વધશે તેમાં કોઈ શંકા નથી.જોકે, આ સ્થિતિ બે વર્ષ પુરતી જ રહેવાની છે. જેથી હવે વર્ગો વધારવાની મંજૂરી કે પછી જે વર્ગો હાલમાં ચાલે છે તેમાં વિદ્યાર્થીઓની ઇન્ટેકમાં વધારો કરી દેવામાં આવે. જો આ મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તો , સ્કૂલોને બખ્ખા બોલી જશે કેમ કે સ્કૂલો વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી શકશે.
હાલમાં ધોરણ-10માં માસ પ્રમોશનના લીધે ધોરણ-11માં વધારાના વર્ગોની જરૂરીયાત ઉભી થઈ છે. આ જ સ્થિતિ આગામી વર્ષે ધોરણ-12ના વર્ગો માટે થશે. જોકે, ત્યારબાદ આ વર્ગો બંધ કરવા પડશે તેવી સ્થિતિ સર્જાવવાની શક્યતા હોવાથી રજિસ્ટ્રેશનની ફીમાં ઘટાડો કરવા માંગણી કરવામાં આવી છે. ફી ઘટાડો કરવામાં આવે તો ગ્રાન્ટેડ સ્કૂલો પણ ધોરણ-11ના વર્ગો શરૂ કરી શકશે તેમ સંચાલક મંડળ દ્વારા જણાવાયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને માર્ચ-2021ની પરીક્ષામાં રજિસ્ટર થયેલા ધોરણ-10ના નિયમિત 8.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે પ્રતિવર્ષ 60 ટકા આસપાસ પરિણામની ગણતરી કરવામાં આવે તો અંદાજે પાંચથી સાડા પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા પાસ કરતા હોય છે. આ વર્ષે લગભગ 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. જેમાંથી સરેરાશ 70 ટકા જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-11માં પ્રવેશ મેળવવા માંગતા હોય છે.