૫ જૂને પર્યાવરણ દિવસની ઉજવણી
ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં થીમ રહેશે ‘ટાઈમ ફોર નેચર’
પર્યાવરણનું કલ્યાણ એ જ ભારતીય સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત: વી.ડી.બાલા
૫ મી જૂન ૧૯૭૪ થી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી શરૂ કરવામાં આવી. આ ઉજવણી શરુ થયાને ૨૦૨૦ માં ૪૬ વર્ષ પૂર્ણ થશે. આ વર્ષની ઉજવણીની થીમ છે “ટાઈમ ફોર નેચર અર્થાત પ્રકૃતિ માટે સમય ફાળવીએ.
ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં માનવજાત સમક્ષ ઉભી થયેલી કોવિડ-૧૯ ની મહામારીના કારણે સમગ્ર વિશ્વ સમક્ષ અનેક આશ્ચર્યજનક ઘટનાઓનું સુખદ સર્જન થયું છે. થોડા સમય પહેલા પ્રદૂષણથી પીડાતા માનવીઓની પીડા આજે કોરોનાના કારણે ઉભી થયેલી લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે મહદ અંશે ઓછી થઈ છે. પર્યાવરણમાં આમ અચાનક આવેલો આ બદલાવ આપણા સૌ માટે સુખદ આંચકારૂપ છે. પૃથ્વી ઉપર ઘટતી જતી વૃક્ષોની સંખ્યાની સાથે જળ અને વાયુ પ્રદુષણમાં છેલ્લા કેટલાક દાયકામાં થયેલો નોંધપાત્ર વધારો એ આપણા પર્યાવરણ માટે ખતરારૂપ બની રહયો છે. જેના કારણે આજે આપણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહયાં છીએ. તેવા સમયે સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વર્ષે કરવામાં આવતી પર્યાવરણ દિવસની ઉજવણી વિશે જાણીએ.
પ્રાચીન ભારતમાં પ્રકૃતિનું સંરક્ષણ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યું હોવાનું તેના શિલાલેખો પરથી જાણવા મળે છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં – વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે. પણ આ ઉજવણીના બીજ આધુનિક વિશ્વમાં ૧૯૭૨માં પ્રસ્થાપિત થયા. યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ પર્યાવરણીય સમસ્યાઓ પર પહેલી મોટી પરિષદ, સ્ટોકહોમ (સ્વિડન)માં ૫-૧૬ જૂન દરમિયાન યોજાઈ હતી. તેનું મુખ્ય લક્ષ્ય પર્યાવરણને સાચવવા અને તેની સામે ઊભા થનાર પડકારને કેવી રીતે દૂર કરવા તેના પર એક સામાન્ય દૃષ્ટિકોણ બનાવવાનું હતું, ત્યારબાદ વર્ષ ૧૯૭૩માં ૧૫ ડિસેમ્બરના રોજ જનરલ એસેમ્બ્લીએ ઠરાવ કરીને ૫ મી જૂનને વૈશ્વિક પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. ૧૫ ડિસેમ્બરના રોજ, જનરલ એસેમ્બ્લીએ અન્ય ઠરાવ દ્વારા પર્યાવરણીય મુદ્દાઓ પર વિશિષ્ટ કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એજન્સીની રચના પણ કરી. જે હાલ વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. આ એજન્સીના માર્ગદર્શન નીચે સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ૧૯૭૪ થી શરૂ કરવામાં આવી.
આ તો થઈ તેની ઉજવણીની વાત. પણ હાલના સંજોગોમાં આપણી આસપાસના પર્યાવરણનો અર્થ સમજવો પણ અતિ આવશ્યક છે. પર્યાવરણનો સામાન્ય અર્થ પૃથ્વીની આસપાસનું આવરણ એવો થાય છે. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને પર્યાવરણ કહેવામાં આવે છે. એ દ્વષ્ટિએ માનવીની આજુબાજુ રહેલાં સઘળાં પ્રાકૃતિક તત્વોના સમૂહનો સમાવેશ પર્યાવરણમાં થાય છે.
ઔદ્યોગિક વિકાસને પગલે માનવીએ પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક, આયોજનબદ્ધ ઉપયોગ કરવાને બદલે તેનો ઈચ્છા અનુસાર બેફામ દૂરપયોગ કર્યો, પરિણામે પૃથ્વીના વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં અનિચ્છનીય વધારો થયો. જેને કારણે માનવી સહિત પશુ-પક્ષી, વનસ્પતિ અને પ્રાકૃતિક સંપદાઓ પર વિપરીત પરિણામો મળ્યા. પર્યાવરણ પ્રેમીઓએ પૃથ્વીના પર્યાવરણને દૂષિત થતું રોકવા અનેક કાર્યક્રમો આપ્યા. પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ પણ વધી. છતાં વાસ્તવિકતા એ રહી છે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું. જો કે હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીનો એક લાભ વૈશ્વિક પર્યાવરણને પણ થયો છે. જેમાં લોકડાઉનની સ્થિતિએ અગત્યનો ભાગ ભજવ્યો.
લોકડાઉનના પરિણામે આપણને શું શું જોવા મળ્યું છે એ કહેવું હોય તો એમ કહી શકાય કે, શહેરોની પ્રદુષિત હવા શુધ્ધ થઈ, આપણા આસપાસની વાત કરીએ તો વન્યપ્રાણીઓ ખુલ્લામાં જોવા મળ્યા. તો પંજાબના જલંધરથી હિમાલયની પર્વતમાળાના દર્શન થયા. હિમાલયની ગોદમાં ફક્ત ૨૦૦ કિલોમીટર દૂર હોવા છતાં અહીંના રહેવાસીઓ છેલ્લા ત્રીસેક વર્ષથી હિમાલયની ધોળાધર રેન્જ જોઇ શકતા નહોતા વિચાર કરો, એક આખી પેઢી નીકળી ગઇ ત્યાં સુધી કોઇ આ પર્વતમાળાને જોઇ શકતું નહોતું અને આજે લોકો સ્પષ્ટ દેખાતી આ પહાડીના ફોટોગ્રાફ્સ શેર કરી રહયા છે, કસ્તૂરી જેવી સુગંધની નૈસર્ગીક ભેટ ધરાવતાં નાજૂક નમણાં મલબાર વણીયર નામનાં પ્રાણીઓ કેરળનાં ગામોની શેરીઓમાં વિહાર કરતા દ્રશ્યમાન થયા, દેશનાં સમુદ્રતટે ફ્લેમિંગો પક્ષી ગીતગુંજન કરી રહ્યા હતા અને દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં જે પહેલા ક્યારેય જોવા નહોતી મળતી તે ડોલ્ફિન ત્યાં આવીને ઉછળકૂદ કરતી આપણે જોઈ શક્યા. અરે.. પ્રદુષણ ઓછું થવાને કારણે ઓઝોનના સ્તરનું ગાબડું આપમેળે પૂરાઈ ગયું. આ અને આવી તો કેટલીય ઘટનાઓ લોકડાઉન દરમિયાન જોવા મળી છે. પણ આ લોકડાઉન હવે અનલોક થયું છે.
કોવિડ-૧૯ ને કારણે જીવનમાં કદી ન કલ્પેલી સામાજિક આર્થિક પરિસ્થિતિ આપણે અનુભવી છે, ત્યારે પ્રકૃત્તિ પ્રત્યેના પ્રેમને અને તેની સાથેના આપણાં સંબંધોને પુન: મજબૂત કરવાના આ મહામૂલા અવસરને આપણે કાયમ માટે ટકાવી રાખીને પર્યાવરણના જતનની સાથે આપણી આવનારી પેઢીને સ્વચ્છ સુંદર પર્યાવરણની ભેટ આપીએ. અત્યારે તો આપણે કોરોનાથી બચવા માસ્ક પહેરીએ છીએ પણ જો પર્યાવરણની યોગ્ય રીતે જાળવણી નહીં કરીએ તો એ દિવસ દૂર નથી જ્યારે પ્રદુષણથી બચવા આપણે માસ્ક પહેરવા પડશે. તો ચાલો આ વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણની જાળવણી માટે સમય ફાળવવા અને એક છોડ રોપી તેના જતન થકી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પબધ્ધ બનીએ.
અબતકને વિગતો આપતા નવરંગ નેચર કલબનાં પ્રમુખ વી.ડી.બાલાએ કહ્યું હતું કે, ૫ જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પર્યાવરણ એ એક દિવસની બાબત નથી, તે સતત જાગૃત રહી પર્યાવરણને કાયમી ધોરણે સાચવવાની બાબત છે, ખરેખર તો ભારતની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી કરવી એ ગૌરવ લેવાની બાબત નથી, કારણકે ભારત એ ઋષિ સંસ્કૃતિનો દેશ છે, ઋષિ મુનિઓએ જંગલોમાં રહી કુદરતની તમામ પ્રક્રિયાઓની કાળજી લેવાય તે રીતે સંસ્કૃતિ વિકસાવી હતી. આપણા ધાર્મિક કે સામાજિક પ્રસંગોની ઉજવણીમાં પર્યાવરણ જાળવણીની વાતને સતત ટેકો મળે તેવું આયોજન હજારો વર્ષથી પૂર્વજોએ કરેલ છે. વૃક્ષ, પાણી, પક્ષી, પ્રાણી, નદી, પર્વતોએ કુદરતનાં વિવિધ જીવોની પુજા કરવામાં આવે છે.
પર્યાવરણ પંચમહાભૂત એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલું છે, ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચમહાભૂત એ ઈશ્ર્વરનો અંસ છે એટલે કે, પર્યાવરણ, પંચમહાભૂત, ઈશ્ર્વર, પર્યાવરણનું જતન એ ઈશ્ર્વરની ભકિત બરાબર છે. પર્યાવરણ એ બહુ વિશાળ ક્ષેત્ર છે, જેમાં કુદરત નિર્મિત જીવોનું કલ્યાણ થાય તેવી રીતે માણસે જીવવાનું છે. માણસ સિવાયના બીજા જીવો કુદરતી રીતે જીવે છે, એટલે તેનાથી પર્યાવરણને કશું નુકસાન થતું નથી. પૃથ્વી એ બધા જ જીવોનું ઘર છે, ઘર સલામત અને સુરક્ષિત રહેવું જોઈએ. પૃથ્વી હરી ભરી રહેશે તો જ બધા જીવો શાંતિથી જીવી શકશે. હયાત મીઠા પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય અને વપરાશ કરેલ પાણી ફરીથી વાપરી શકાય તે બાબત પર વધુ ધ્યાન આપવાની જર છે. ઉપરાંત વર્શાદનું પાણી ધરતીમાં ઉતારીએ. માણસ જેટલું પાણી વાપરે તેટલું વર્ષાદી પાણી ધરતી માં તેને ઉતરવું જોઈએ.
પૃથ્વી અને પાણીની મદદથી કુદરતના આયોજન મુજબ વૃક્ષોનું સર્જન થયેલ છે. વૃક્ષોએ સજીવોનું જીવન છે તેના દ્વારા જીવન રક્ષક પ્રાણવાયું (ઓકિસજન) મળે છે. માનવી પોતાના જીવન દરમિયાન ૧૦ વૃક્ષોનું પ્રાણવાયું વાપરે છે, તેથી દરેક માણસે ઓછામાં ઓછા ૧૦ ઝાડ વાવી ઉછેરવા જોઈએ. જેની પાસે પોતાની જમીન છે, તે ત્યાં ઝાડ વાવે અને જેની પાસે પોતાની જમીન નથી તે ગામડામાં સગા, વાલા, મિત્રો કે અજાણ્યા લોકોને કલમી ફળાઉ ઝાડ ભેટ આપી વૃક્ષો વાવવાની ઝુંબેશ ઉપાડી શકે. પોષણ કડીના ભાગપે પર્યાવરણમાં તમામ જીવોની જરીયાત હોઈ છે, આપણે માત્ર આપણને કેટલા જીવો ઉપયોગી છે તેના આધારે વર્તન વ્યવહાર કરીએ છીએ, કુદરતમાં કીડીથી લઈ હાથી સુધીના જીવોની જરીયાત છે અને નાનામાં નાની બાબતોની કુદરતે કાળજી લઈ વ્યવસ્થા ગોઠવી છે. ભારતીય સંસ્કૃતિનો પાયાનો સિદ્ધાંત છે કે મારી આજુબાજુના જીવોનું પ્રથમ કલ્યાણ થાય પછી મારું કલ્યાણ થાય.