રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ખાતે રણજી ફાઇનલમાં ક્રિકેટ પ્રેમીઓને ગ્રાઉન્ડ પર ન આવવા તાકીદ તમામ રમતો માટે ગ્રાઉન્ડમાં ખેલ રસીકોને પ્રવેશ ન આપવા સૂચિત કર્યા
હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસે તેની માજા મૂકી છે. ત્યારે કોરાનાના પગલે સમગ્ર ક્ષેત્ર તેના ઓછાયા હેઠળ આવી ગયું છે. રમત ગમત ક્ષેત્ર પણ વાયરસથી બાકાત રહ્યું નથી. ત્યારે હાલ રાજકોટનાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો. દ્વારા જે રણજી ફાઇનલ મેચ રમાઇ રહ્યો છે તેમાં કોઇપણ પ્રેક્ષકને ગ્રાઉન્ડમાં લાવવામાં નહી આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. બીજી તરફ માત્ર ક્રિકેટ જ નહિ, પરંતુ તમામ રમતો માટે ગ્રાઉન્ડ ઉપર કોઇ રમત પ્રેમી પ્રેક્ષકને હાજરી ન આપવા સૂચિત કરવામાં આવ્યા છે.
ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે જે ત્રણ વન-ડે મેચની સીરીઝ ચાલુ છે. તેમાં પ્રથમ વન-ડે ધર્મશાળા ખાતે બોલ નાખ્યા વગર રદ થયો હતો ત્યારે બાકી રહેતા બે વન-ડે કે જે લખનઉ અને કલકતા ખાતે રમાશે તેમાં પ્રેક્ષકોને હાજર ન રહેવા જણાવવામાં આવ્યું છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે લખનઉ અને કોલકાતામાં રમાનારી અંતિમ બે વન-ડે ક્રિકેટ મેચ કોરોના વાયરસના કારણે ખાલી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. લખનઉમાં ૧૫ માર્ચે જ્યારે કોલકાતામાં ૧૮ માર્ચે મેચ રમાવાની છે. સિરીઝના પ્રથમ મેચ ગુરૂવારે વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવી. ધરમશાલામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે જો કોઈ ટુર્નામેન્ટને રદ્દ કરી શકાય તેમ ન હોય તો મોટી સંખ્યામાં પ્રેક્ષકો વગર તેનું આયોજન કરવું જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું છે કે બીસીસીઆઈને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તરફથી નોટિફિકેશન મળ્યું છે. જો તેઓ પ્રેક્ષકો વગર મેચ રમાડવાનું કહેતા હોય તો અમારે તેમની વાત માનવી પડશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના ખતરાને જોતા રાજ્ય સરકાર રાજ્યમાં આઈપીએલના આયોજનને લઈને ચિંતિત લાગી રહી છે. બુધવારે રાજ્ય સરકાર કેબિનેટે આ મામલે બેઠક યોજી હતી અને બેઠક બાદ રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં આઈપીએલને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લેવો પડી શકે છે.
તેમણે કહ્યું હતું કે, સરકાર પાસે બે જ વિકલ્પ છે- આઈપીએલની મેચો રદ્દ કરવામાં આવે અથવા તો તેને ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવે. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે આઈપીએલની મેચો ફક્ત ટીવી પર જ જોઈ શકાશે.
ગુરૂવારે વિદેશ મંત્રાલયે કોરોના વાયરસના ખતરાને જોતા આઈપીએલ ન રમાડવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે અંતિમ નિર્ણય તો આયોજકોએ જ લેવાનો છે. તેઓ આઈપીએલ-૨૦૨૦નું આયોજન કરવા ઈચ્છે છે કે નહીં. પરંતુ અમારી સલાહ છે કે આ લીગને આ વર્ષે રમાડવી જોઈએ નહીં.