કોરોના મહામારીને કારણે એકસમયે મેડિકલ સ્ટોર અને દવાખાનાઓ માં કતારો જોવા મળતી હતી. પરંતુ દિન પ્રતિદિન આ કતારો ધીમે ધીમે ઓછી થવા લાગી. ઉલ્લેખનીય બાબત છે કે આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલ પણ ખાલીખમ જોવા મળી રહી હતી. હાલ જે રીતે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે બજારોમાં ભીડભાડ જોવા મળી હતી પરંતુ મોટાભાગની ભીડ પાન – ફાકી – બીડી – સિગરેટ જેવા પદાર્થોની ખરીદી માટે જોવા મળી હતી. આશરે ૫૫ દિવસથી જ્યારે લોકડાઉન અમલી હતી, કેફી પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેના પરિણામે કાળાબજારી પણ શરૂ થઈ હતી. લોકો ત્રણ થી ચાર ગણા કિંમત ચૂકવી પાન – માવા – બીડી – સિગરેટની ખરીદી માટે મજબૂર બન્યા હતા ત્યારે છૂટછાટ મળતા વહેલી સવારથી બંધાણીઓની લાંબી કતારો જોવા મળી હતી.

છૂટછાટના પ્રથમ દિવસે રાજકોટની મુખ્ય બજારો જેવી કે સદર બજાર, પ્રહલાદ પ્લોટ, કરણપરા ચોક ખાતે બંધાણીઓ તેમજ પાનના ગલ્લાધારકોની લાંબી કતારો જોવા મળી હતી. દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું હતું કે બંધાણીઓની ધીરજ જાણે ખૂટી હોય. તેની સાથે સાથે પાનના ગલ્લાધારકો કે જેઓ છૂટક વેંચાણ સાથે સંકળાયેલા છે તેઓ પણ સોપારી – તમાકુ – પાન – બીડીની ખરીદી માટે ઉમટ્યા હતા જેના પરિણામે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. લોકોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જોખમાયું હતું જેના પગલે પોલીસકર્મીઓની ટીમ દોડી ગઈ હતી તેમજ તમામ દુકાનો ખાતે વ્યવસ ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. આ સમયે પાનના ગલ્લાઓ ખાતે વહેલી સવારે બંધાણીઓની કતાર લાગતા ગણતરીની કલાકોમાં સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો અને દુકાનો ખાલીખમ જોવા મળી હતી. જેના પરિણામે ફરીવાર દુકાનોમાં લોક ડાઉન જેવી પરિસ્થિતી ઉભી થઈ હતી.

આ વિશે રાજકોટના કરણપરા વિસ્તારમાં જથ્થાબંધ વેચાણ સાથે સંકળાયેલા જે. ટી. એન્ડ કંપનીના માલિક દીપકભાઈ વરિયાએ જણાવ્યું હતું કે હાલ જે રીતે છુટછાટ આપવામાં આવી છે તેના પરિણામે છૂટક વેચાણ સાથે સંકળાયેલા વેપારીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. બધા ખરીદી માટે તળાપડી કરી રહ્યા છે ત્યારે અમે સૌને અપીલ કરી રહ્યા છીએ કે કોઈ પણ ઉતાવળ કરવાની જરૂરિયાત નથી, સૌ કોઈને માલ મળી રહેશે તેમજ ડિસ્ટ્રીબ્યુટર સ્તરે પણ અમારી વાત થઈ છે જ્યાંથી પણ સહયોગ મળી રહ્યો છે. ડિસ્ટ્રીબ્યુટરોએ પણ કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરિવહન શરૂ થઈ ચુક્યો છે જેના પરિણામે માલનો જથ્થો ઉપલબ્ધ થઈ શકશે. ફક્ત વેપારીઓના સહયોગની જરૂરિયાત છે કેમકે જે રીતે લોકો ઉમટી રહ્યા છે તેના કારણે ભીડ ભાડ જોવા મળે છે તો સૌ સમય લઈને આવે તો સૌને માલ મળી રહે.

આ વિશે છૂટક વેચાણ સાથે સંકળાયેલા જલિયાણ એજન્સીના માલિકે જણાવ્યું હતું કે અમે સવારના ૮ વાગ્યાના અહીં માલ લેવા માટે આવી પહોંચ્યા છીએ, કતારમાં ઉભા રહીને અમે અમારો વારો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે વહેલી સવારથી બંધાણીઓ અમને ફોન લરી રહ્યા છે હાલ સુધીમાં આશરે ૨૦૦ જેટલા ફોન આવી ચુક્યા છે અને તમામનો એક જ સવાલ છે કે દુકાન ક્યારે ખુલશે જેનો જવાબ હાલ મારી પાસે પણ નથી. તેમજ આ સમયમાં અમને એ ડર પણ સતાવી રહ્યો છે કે જો માલ પૂર્ણ થઈ જશે તો ફરીવાર અમારે લોક ડાઉનની પરિસ્થિતીનો જ સામનો કરવો પડશે.

vlcsnap 2020 05 19 13h36m02s687

આ વિશે સદર બજાર ખાતે મણીલાલ ભાણજી નામની પેઢી ધરાવતા વેપારી નિખીલભાઈ ચગે જણાવ્યું હતું કે, હાલ જે રીતે છુટછાટ આપવામાં આવી છે ત્યારે બંધાણીઓ અને પાન-માવાના છુટક વેપારીઓની લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી રહી છે. લોકો ખરીદી માટે તલપાપડ થઈ રહ્યાં છે. ત્યારે અમે સૌને સોશિયલ ડિસ્ટન્સ જાળવી કતારમાં ઉભા રહેવા જણાવીએ છીએ પરંતુ પરિસ્થિતિ કાબુમાં નહીં આવતા અંતે પ્ર.નગર પોલીસ મથકની ટીમ અહીં આવી પહોંચી હતી અને થોડા સમય માટે અમને દુકાન બંધ કરી દેવા સુચના આપી હતી. હાલના સમયમાં અમારી પાસે જે સ્ટોક ઉપલબ્ધ છે તે આશરે ૪ થી ૫ દિવસ ચાલે તેવું છે. પરંતુ ચિંતાનો કોઈ વિષય નથી કેમ કે, ડિસ્ટ્રીબ્યુટરો પાસે હાલ માલ ઉપલબ્ધ છે. ફકત હાજર ધોરણે પેમેન્ટ કરાવી અમારે માલ લેવાનો છે. ફકત સૌ વેપારી તેમજ બંધાણીઓને અમે અપીલ કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે સૌને માલ મળી રહેશે.

આ મુદ્દે સદર બજાર ખાતે મેસર્સ કેશવલાલ નામની પેઢી ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, લોકોમાં ધીરજ ખુટી છે. ખાસ કરીને બંધાણીઓ ખંત ગુમાવી બેઠા છે. ત્યારે પ્રથમ દિવસે લોકો ખુબ મોટી સંખ્યામાં કેફી પદાર્થોની ખરીદી માટે ઉમટી પડ્યા છે. જેના કારણે અવાર-નવાર અમારે વેંચાણ બંધ કરી દેવું પડે છે. તેમજ પોલીસ તંત્રનો પણ સહયોગ લેવો પડે છે. હાલ દુકાન ખાતે સ્ટોક ઉપલબ્ધ છે પરંતુ અમે સૌને મર્યાદિત માત્રામાં જ માલ આપી રહ્યાં છીએ જેથી સૌ કોઈને પ્રમાણમાં માલ મળી રહે અને કોઈને પણ હાલાકી ન ભોગવવી પડે. હાલ ડિસ્ટ્રીબ્યુટર લેવલથી અમને કોઈપણ પ્રકારની સુચના કે, સહયોગ મળ્યો નથી. જેથી કહી ન શકાય કે, આગામી સમયમાં ફરીવાર દુકાનો બંધ થશે કે કેમ અને જો ફરીવાર દુકાનો બંધ થશે તો બંધાણીઓની સ્થિતિ કફોડી બનશે.

આ વિશે મહિલા ચોક ખાતે પ્રિયા પાન નામની દુકાન ધરાવતા કિશોરભાઈ જલુએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસ છે. ત્યારે વહેલી સવારથી જ બંધાણીઓ પાન-માવા-બીડી-સિગરેટ સહિતની ચિજવસ્તુઓ માટે ઉમટી પડતા ગણતરીની કલાકોમાં જ સંપૂર્ણ સ્ટોક પૂર્ણ થયો છે. જેથી હાલ કોઈપણ જાતની કેફી પદાર્થો અમારી પાસે ઉપલબ્ધ નથી. પ્રથમ દિવસ હોવાથી હાલ અમે દુકાનની સાફ-સફાઈ કરી રહ્યાં છીએ. તેમજ બજારની પરિસ્થિતિને ધ્યાને લઈ જ્યારે ખરીદી માટે લોકોની કતારો ઓછી થાય ત્યારે માલની ખરીદી કરવા જઈશું અને ત્યારબાદ જ અમારી દુકાન ધમધમતી થશે.

છુટક વેંચાણ સાથે સંકળાયેલા ન્યુ અમોલા પાનના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, અમારી દુકાન સદર બજાર ખાતે આવેલી છે કે જ્યાં આગળ જ હોલસેલના વેપારીઓ તેમજ સેલ્સ એજન્સીઓ આવેલ છે પરંતુ ખુબ મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઉમટી પડતા હજુ સુધી અમે ખરીદી માટે ગયા નથી. દુકાનમાં જે કોઈ સ્ટોક ઉપલબ્ધ છે તેનું વેંચાણ શરૂ કર્યું છે. બંધાણીઓ દુકાન ખાતે આવી પાન-બીડી-માવા-સીગરેટ સહિતની માંગણીઓ કરે છે. પરંતુ જે માલ દુકાન ખાતે ઉપલબ્ધ છે ફક્ત તેનું જ વેંચાણ અમે કરી રહ્યાં છીએ. તેમજ પાનના શોખીનો ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે પરંતુ હાલ બજારમાં પાન આવ્યા નથી જેના કારણે પાનના શોખીનોએ માવાથી કામ ચલાવવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિવહનને છુટછાટ આપી દેવામાં આવી છે. તે પરથી કહી શકાય કે, ટૂંક સમયમાં રાજકોટની બજારોમાં પાન મળતા થશે પરંતુ કેટલો સમય લાગશે તે વિશે કંઈ સ્પષ્ટ કહી શકાય તેવું નથી. જેથી કહી શકાય કે હજુ પણ પાનના શોખીનોએ રાહ જોવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.