ચીનના વુહાનમાંથી શરૂ થયેલા કોવિડ-૧૯ વાયરસ જન્ય કોરોના હવે વિશ્ર્વ માટે એક નવા પડકાર તરીકે સામે આવી રહ્યું છે. રશિયાએ કોરોનાને કાબુમાં લેવા માટે સ્પુટનીક-વી રસી તૈયાર કર્યાનો દાવો અને તેને સમગ્ર વિશ્ર્વના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે ત્યારે કોરોના હજુ કાબુમાં આવે તેવા કોઈ સંકેતો દેખાતા નથી. કોરોનાની તાસીર રંગબદલતા એવા કાચીંડા જેવી દેખાઈ રહી છે કે, સમય સંજોગો, હવામાન, પર્યાવરણ અને તેની સ્થિતિ અનુસાર રંગ બદલીને પોતાની ગેરહાજરીનો ભ્રમ ઉભો કરે છે પરંતુ વાસ્તવમાં તે વધુ આક્રમકતા માટે તૈયાર હોય છે. કોરોનાના પ્રારંભીક કાળમાં એવું કહેવાતું હતું કે, આ વાયરસજન્ય રોગ ઉનાળામાં વાતાવરણ ગરમ થતાં કાબુમાં આવી જશે પરંતુ તેવું થયું નહીં. પ્રારંભીક તબક્કાના આ વાયરાએ ઉનાળામાં વધુ આક્રમકતાથી માનવજાતને ભીંસમાં લીધી. હવે કોરોનાની વિદાય થઈ રહી હોય તેવા સંજોગો ઉભા થયા છે. સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે અને રિકવરી રેટ વધતો જાય છે. સાથે સાથે મૃત્યુદર પણ કાબુમાં આવતો દેખાય છે પરંતુ કોરોનાને નજીકથી અવલોકન કરતા જીવવિજ્ઞાનીઓનું એવું દ્રઢપણે માનવું છે કે, આ વાયરસ જલ્દીથી માનવ સમાજનો પીછો છોડે તેમ નથી.
કોરોનાની તાસીર અને તેની લાક્ષણીકતાના રૂપ વારંવાર બદલતા જાય છે. કોરોનાના સંક્રમણની લાક્ષણીકતા અને રોગના લક્ષણો કેવા હોય તેમાં પણ સમય, સ્થિતિ અને સંજોગો અનુસાર ફેરફાર થતો જાય છે. કોરોના થાય તે દર્દીને તાવ આવે, ન પણ આવે, કોરોનાના લક્ષણો અને સંક્રમિત થવાની સ્થિતિમાં વારંવાર બદલાવ આવે છે. સંક્રમિત દર્દીઓને ઓળખવામાં કોઈ એક માપદંડ નિશ્ર્ચિત નથી. નવા નવા લક્ષણો સાથે કોરોનાનું આક્રમણ ચાલુ રહે છે. અત્યારે એક તરફ કોરોનાની વિદાય દેખાય છે ત્યારે બીજી તરફ શિયાળાના આ માહોલમાં કોરોનાનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી ભીતિએ વિશ્ર્વના અનેક દેશોએ લોકડાઉનની શ્રૃંખલા શરૂ થઈ હતી તેમ બીજા તબક્કાના લોકડાઉનની શરૂઆત કરી દીધા છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોએ લોકડાઉન માટેની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે શિયાળાના સમયમાં આ રોગચાળો વધુ વકરે તે નિશ્ર્ચિત સમકક્ષ મનાઈ રહ્યું છે.
નિષ્ણાંતોનું એવું માનવું છે કે, કોવિડ-૧૯ની રસી સ્પુટનીક-વી તૈયાર થઈ છે પરંતુ હજુ આવતા ઘણો લાંબો સમય નીકળી જશે. વળી તેની વિતરણ વ્યવસ્થાની ખામી પણ આ રસી લેબોરેટરીથી દર્દી સુધી પહોંચાડવા લાંબી કવાયત કરવી પડશે. અનેક અવરોધ-પડકારો દેખાઈ રહ્યાં છે. એવું પણ માનવામાં આવે છે કે કોરોનાની અત્યાર સુધીની લાક્ષણીકતા અને તાસીર જોતા શકય છે કે, સ્પુટનીક-વી સામે પણ પ્રતિકારત્મકતા કેળવીને રસી સામે પણ પ્રતિકાર કરવાની ક્ષમતા વિકસાવી લેતો આ વાયરસથી બચવું મુશ્કેલ થઈ પડશે. કોરોનાના વિદાયના આ માહોલમાં હવે જરા પણ ગફલત પોસાય તેમ નથી. આ રોગચાળા સામે સાવચેતીની આવશ્યકતા દેખાય છે.