નવા સ્ટ્રેઈનની તિવ્રતા અને લક્ષણો વધુ ઘાતક, ગીચ વસતી જ નહીં પાંખી વસાહતોમાં પણ સ્પ્રેડીંગ રેશિયો વધુ
ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહી છે. કાચીંડાથી પણ વધુ ઝડપથી રંગ બદલતી આ મહામારીની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ રહી છે. દેશમાં ફરીથી નવા કેસોની સંખ્યામાં બે ગણો અને ગુજરાતમાં 5 ગણો વધારો નોંધાતા કોરોના વોરીયર્સ માટે આ બીમારીને કાબુમાં લેવા માટે પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે સમગ્ર દેશમાં 68020 નવા કેસોનો ઉમેરો થયો હતો જે ગયા મહિનાના ઓકટોબર મહિનાથી સૌથી વધુ છે. સમગ્ર દેશમાં હવે કોરોનાના દર્દીની સંખ્યાનો આંક 1.20 કરોડને પાર કરી ગયો છે. રોજના નવા કેસોના વધારામાં હવે ગીચ વસ્તી અને પાંખી વસ્તીમાં વિસંગતતા જોવા મળી રહી છે. દેશના 10 રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. પહેલી અને બીજી લહેર વચ્ચે પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અત્યારે બીજી લહેરમાં સૌથી વધુ અને ઝડપથી કેસ નોંધાવાનું શરૂ થયું છે.
‘અબતક’એ અગાઉ કરેલી આગાહી મુજબ એપ્રીલ મહિનો કોરોના ફેલાવા માટે વધુ ઘાતક થશે. 32 દિવસના પ્રથમ વાયરામાં 18 હજારથી 50 હજાર સુધી નવા કેસ નોંધાયા હતા. જ્યારે બીજા વાયરામાં 17 દિવસમાં જ નવા કેસનો આંકડો માર્ચ મહિનામાં 18377 થી 50,518 સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 31 દિવસમાં નવા કેસોની સંખ્યા પ્રતિદિનના ઉછાળામાં પહેલા વાયરામાં 11000 થી 21900 સુધી પહોંચવાની સામે બીજા વાયરામાં નવા કેસોની સંખ્યામાં 21 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 24 દિવસમાં દૈનિક નવા કેસોની સંખ્યા 850 થી 2100 અને બીજા વાયરામાં પરિસ્થિતિ તદન વિપરીત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ પ્રથમ છ દિવસમાં 5 ગણો નવા કેસોનો ઉછાળો નોંધાયો છે. પશ્ર્ચિમ રાજ્યોમાં પણ નવા કેસોની સંખ્યા બેકાબુ બની રહી છે. નવા સ્ટ્રેઈનમાં મુંબઈની ગીચ વસ્તીથી નાસીકની પાંખી વસ્તીમાં વધુ કેસો નોંધાયા છે. જે નવા કેસની લાક્ષણીકતા દેખાય છે. પંજાબમાં પણ એક દિવસમાં 2661 કેસો નોંધાયા હતા. આ જ રીતે અન્ય રાજ્યોમાં છત્તીસગઢ, હરિયાણા, દિલ્હીમાં પણ તિવ્રતા વધી છે. નવા સક્રિય કેસોની સંખ્યા રવિવારે 5 લાખનો આંકડો વટાવી ચૂક્યો છે જે આ મહામારીની ઘાતકતાનો નિર્દેશ આપે છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢમાં દેશના કુલ સક્રિય કેસોમાં 80.17 ટકા કેસો નોંધાયા છે. કોરોનાની આ નવી લહેર પ્રતિબંધીત નિયમોની અણદેખી તહેવારોની મોસમ અને 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસીત પ્રદેશની ચૂંટણીને કારણે હોવાનું માનવામાં આવે છે. આકરા લોકડાઉનમાંથી શરૂ કરવામાં આવેલી છુટછાટને પગલે દેશમાં ફરીથી કોરોનાના નવા કેસો વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશના કુલ દર્દીઓમાં 80 ટકાથી વધુ 5 રાજ્યોમાં નોંધાયું છે. કોરોનાના દર્દીઓના મૃત્યુમાં 45 વર્ષથી વધુના વધારે મૃત્યુ નોંધાયા છે. વહીવટી તંત્રના દાવા મુજબ અત્યાર સુધી 6 કરોડ ડોઝથી 9 કરોડ જેટલા લોકોને રસીથી સુરક્ષીત કરી લેવામાં આવ્યા છે. રસીકરણ અને પ્રતિબંધના આ દોરમાં પણ કોરોનાના નવા સ્ટ્રેઈનની ઘાતકતા વધુ ચિતા પ્રસરાવી છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો કોરોનાને કાબુમાં લેવાની તમામ પ્રવૃતિઓ જો કારગત નહીં નિવડે તો દેશ સામે આવનાર દિવસોમાં મોટો ખતરો હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.
કોરોનાના નવા વાયરા વચ્ચે મધ્યપ્રદેશના બારવાણી અને મહારાષ્ટ્રની સરહદો પર ચેકિંગની સુવિધાઓ વધુ તેજ કરવામાં આવી છે. દેશના કુલ નવા ઉમેરાયેલા દર્દીના મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ અને છત્તીસગઢમાં મળી કુલ 84 ટકા જેટલા દર્દી નોંધાયા છે. નાસીકમાં મુંબઈ કરતા વધુ ઝડપથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. નાસીકના સ્થાનિક વહીવટી તંત્રએ લોકડાઉનના નિયમ ભંગ અને જો 1 કલાક વધુ બહાર નીકળ્યા તો 500 રૂપિયાનો દંડ ભરવો પડે છે. કેનેડાની ડગ કમીટીએ એસ્ટ્રાજેનેકા રસી 55 વર્ષથી નીચેના દર્દીને આપવાની ભલામણ કરી છે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પં.બંગાળમાં નવા 639 કેસ અને વધુ એક મોત નોંધાયું હતું.
રાજ્યમાં કોરોના ફાટીને ધુમાડે: નવા કેસના ઉમેરામાં રોકેટગતિએ ઉછાળો, કુલ આંક 3 લાખને પાર
કોરોનાનો નવો વાયરો ગુજરાતમાં પણ ફૂંફાડા મારી રહ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વધુ 2252 દર્દીનો ઉમેરો થયો છે અને કુલ દર્દીની સંખ્યા 3.03 લાખે પહોંચી છે. કોરોનાનો મૃત્યુઆંક 4500 એ પહોંચ્યો છે. 24 કલાકમાં થયેલા 3 મૃત્યુમાં અમદાવાદ, સુરતમાં 3-3 અને રાજકોટ અને પંચમહાલમાં 1-1 મૃત્યુ નિપજયા હતા. ગુજરાતમાં નવા કેસોની સ્થિતિ જોવા જઈએ તો સુરતમાં 677, અમદાવાદમ, 712, રાજકોટમાં 242, વડોદરામાં 236 દર્દી નોંધાયા છે ત્યારે કુલ 1731 દર્દીઓને સાજા કરીને રજા આપવામાં આવી હતી. સાજા થયેલા દર્દીની સંખ્યામાં 2.86 લાખે પહોંચી છે. ગુજરાતમાં હાલમાં 12041 અક્ટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. હોળીના તહેવારોને લઈ ગુજરાતમાં એક દિવસની રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં 51 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનની સ્થિતિ સત્તાપલ્ટો કરાવી નાખશે?
એનસીપીની વધુ એકવાર ભાજપ સાથે ગઠબંધન સરકાર બનાવવા કવાયત
સમગ્ર દેશમાં કોરોનાના નવા વાયરાને પગલે ગભરાહટનું વાતાવરણ ફેલાયું છે ત્યારે મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધુ ગંભીર માનવામાં આવે છે. મહામારીની આ આફતનું વાયરસ મહારાષ્ટ્રના રાજકારણને પણ ચેપી બનાવે તેવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વહીવટી તંત્રને બીજા લોકડાઉનનો રોડ મેપ તૈયાર કરવાની સુચના આપી દીધી છે, તેની સામે શિવ સેનાના સહયોગી એનસીપી સાથે મતભેદ ઉભા થયાના નિર્દેેશો મળી રહ્યાં છે. એનસીબી વિરુધ્ધ ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. કોરોના લોકડાઉનને મુદ્દે શિવ સેના અને એનસીપીના રાજકીય ગઠબંધનમાં ઉભા ફાડીયા સર્જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે.
અત્યારે રાજ્યમાં પ્રતિ દિવસના 40,000 નવા કેસનો ઉમેરો અને મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 12000 નવા કેસનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈ રાજકીય મુદ્દો બની રહ્યો છે ત્યારે એનસીપીના પ્રવકતા નવાબ મલીકે લોકડાઉન સામે અણગમો વ્યકત કરી લોકોની રોજગારી લોકોની હાડમારી માટે લોકડાઉન અંગે નારાજગી વ્યકત કરી હતી. જો કે શિવ સેનાએ એનસીપીના આ મૌખીક વિરોધ ધ્યાનમાં લીધુ નથી અને લોકડાઉનના નિર્ણય ઉપર અટલ રહ્યાં છે. બીજી તરફ લોકડાઉનને લઈને એનસીપીના નેતા શરદ પવાર અને અમિત શાહ વચ્ચે મીટીંગોનો દોર જોડાણને લઈને મહારાષ્ટ્રમાં લોકડાઉન મુદ્દે ભાજપ સાથે એનસીપીના જોડાણની શકયતા તેજ બની છે. મહારાષ્ટ્રમાં એક તરફ સક્રિય કેસની સંખ્યા વધી રહી છે. સરકાર માટે કોરોના કાબુમાં લેવા માટે આકરા નિયમોની આવશ્યકતા ઉભી થઈ છે તેવા સંજોગોમાં લોકડાઉનને લઈ શિવસેનાના સહયોગી એનસીપીએ જ નારાજગી વ્યકત કરી છે અને એનસીપી અને ભાજપના નેતાઓ વચ્ચેની મૈત્રી વધુ મજબૂત બની રહી છે ત્યારે લોકડાઉન મહારાષ્ટ્રમાં સત્તાપલ્ટાનું નિમીત બનશે તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે.
રસીની રસ્સાખેંચ વચ્ચે ચાઈનીઝ રસી તકલાદી નિવડી
ચીનની રસી લીધા પછી પાક. વડાપ્રધાન બાદ રાષ્ટ્રપતિને પણ કોરોના આભડી ગયો
રસીની રસ્સાખેંચમાં વિશ્ર્વભરની કંપનીઓ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. ભારતની બન્ને રસીઓ અડધાથી વધુ વિશ્ર્વમાં સફળ રીતે આપવામાં આવી છે ત્યારે ચીનની રસી તકલાદી પુરવાર થઈ છે. પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ ડો.આરીફ અલ્વીને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને તેના પત્ની સમીના અલ્વીએ ચીનની સાયના ફારમની રસી લીધી હતી. આ અગાઉ ઈમરાન ખાને પણ રસી લીધા બાદ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ મેળવ્યો હતો. પાકિસ્તાનનાં ચીનની રસીનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. બન્ને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ચીનની રસીનો ડોઝ લીધાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ઈમરાન ખાન અને ત્યારબાદ રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે સમાચાર માધ્યમોને આરોગ્ય મંત્રાલયે એવી જાહેરાત કરી હતી કે, રસીની અસર થોડો સમય બાદ થતી હોય છે અને આ વિન્ડો પીરીયડ દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવવાની શકયતા રહે છે. પાકિસ્તાનના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ ડો.આરીફ અલ્વી અને પત્ની સમીના અલ્વીએ ચીનની રસી લીધા બાદ કોરોના પોઝિટિવ આવતા આંરરાષ્ટ્રીયમાં ચાલતી રસીની રસ્સાખેંચમાં ચીનની રસી તકલાદી સાબીત થઈ છે.