રાજકોટ જિલ્લામાં વધુ ૧૧૫ પોઝિટિવ કેસ, ૧૨ના કોરોનાએ ભોગ લીધા
સૌરાષ્ટ્રમાં એક તરફ મેઘરાજા ધમાકેદાર વરસી રહ્યા છે. તો બીજી તરફ કોરોના પણ લોકોમાં સતત ફેલાતો જણાઈ રહયલ છે. ગઈ કાલે સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લામાં વધુ ૩૪૮ પોઝિટિવ કેસ અને ૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજકોટમાં પણ કોરોના બેફામ ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં જિલ્લામાં વધુ ૧૧૫ પોઝિટિવ કેસ અને ૧૨ દર્દીઓના મોત નિપજ્યા છે. અગાઉ રાજકોટમાં કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના નામ આપવા પર પણ રોપ લગાવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં એક તરફ વરસાદ તો બીજી તરફ કોરોના મંડાણ માંડીને બેઠા છે. ગઈ કાલે રાજકોટ જિલ્લામાં વધુ ૧૧૫ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. શહેરની સાથે સાથે ગોંડલમાં પણ કોરોના બેકાબુ બન્યો છે. દિન પ્રતિદિન કોરોના કેસ ઝડપથી વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.
એક તરફ કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોના વાયરસ લોકોનો ભોગ લેવામાં પણ થંભી રહ્યો નથી. એક દિવસમાં રાજકોટની જુદી જુદી કોવિડ કેર સેન્ટરમાં વધુ ૧૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ૭ અને ખાનગી હોસ્પિટલમાં ૫ દર્દીઓના વાયરસે ભોગ લીધા છે.
જ્યારે જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાથી વધુ બે દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં ૧૨ અને ગ્રામ્યમાં ૧૫ મળી કુલ ૨૭ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ગઈ કાલે ૨૭ કોરોના પોઝિટિવ કેસ અને માંગરોળ અને કેશોદના એક એક દર્દીઓના મોત નિપજ્યા છે.
જામનગર જિલ્લામાં ગઈ કાલે વધુ ૮૫ લોકો કોરોના સંક્રમણમાં સપડાયા છે. અને ૫ દર્દીઓ કલરોના વાયરસ સામે હારી જતા તેમના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. ભાવનગર જિલ્લામાં વધુ ૪૧ પોઝિટિવ કેસ જ્યારે અમરેલીમાં ૩૦, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮ અને મોરબી જિલ્લામાં વધુ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.