561 લોકો આવ્યા: રિસ્કી કન્ટ્રીમાંથી આવેલા 109 પૈકી 90 લોકોનો રિપોર્ટ નેગેટિવ

 

અબતક-રાજકોટ

ગઇકાલે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ રાજકોટમાં નોંધાયા છે. શહેરમાં એક જ દિવસમાં કોરોનાના નવા 12 કેસો નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે. ઓસ્ટ્રેલીયાથી આવેલી 34 વર્ષીય યુવતી કોરોના સંક્રમીત થવા પામી છે. તમામ 12 દર્દીઓના લોહીના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા છે. દરમિયાન છેલ્લાં 20 દિવસમાં વિદેશથી 561 નાગરિકો રાજકોટમાં આવ્યા છે. જે પૈકી રિસ્કી ક્ધટ્રીથી આવેલા 109 લોકો પૈકી 90 દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

તમામ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલાયા: 20 દિવસમાં વિદેશથી રાજકોટમાં

રાજ્યમાં ગઇકાલે કોરોનાના કુલ 60 કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટ અને વડોદરામાં 12-12 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, કચ્છ જિલ્લામાં 7 કેસ, સુરત કોર્પોરેશનમાં 5 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ, નવસારી જિલ્લામાં 3 કેસ, વડોદરા જિલ્લો અને વલસાડ જિલ્લામાં બે-બે કેસ ભરૂચમાં એક કેસ, ભાવનગર કોર્પોરેશનમાં એક કેસ, જૂનાગઢ, મહેસાણા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે. ગઇકાલે કુલ 58 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે નવસારીમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 581 પહોંચી છે.

રાજકોટમાં ગઇકાલે કોરોનાના નવા 12 કેસો મળી આવતા શહેરભરમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યુ છે. ગઇકાલે ત્રણ શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. કાલે સાંજે શહેરના વોર્ડ નં.7માં પંચવટી મેઇન રોડ પર 74 વર્ષીય પુરૂષ અને 83 વર્ષીય મહિલા, વોર્ડ નં.10માં સરદાર નગર મેઇન રોડ પર 29 વર્ષીય યુવાન, વોર્ડ નં.11માં બાલમુકુંદ સોસાયટીમાં 64 વર્ષીય મહિલા, વોર્ડ નં.3માં જંક્શન પ્લોટમાં 62 વર્ષીય મહિલા, વોર્ડ નં.10માં સિલ્વર એવન્યુમાં 55 વર્ષીય મહિલા, વોર્ડ નં.8માં શાંતિ નિકેતન સોસાયટીમાં 32 વર્ષીય મહિલા, વોર્ડ નં.2માં રૈયા રોડ પર 54 વર્ષીય મહિલા અને 26 વર્ષનો યુવાન, વોર્ડ નં.3માં જંક્શન પ્લોટ વિસ્તારમાં 62 વર્ષીય પુરૂષ અને વોર્ડ નં.9માં ગંગોત્રી પાર્કમાં 50 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમીત થયા છે. જે પૈકી ચાર દર્દીઓ ઓસ્ટ્રેલીયા, સાસણગીર અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

રાજકોટમાં ગત 26મી નવેમ્બરથી આજ સુધીમાં કુલ 561 નાગરિકો આવ્યા છે. જે પૈકી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની રિસ્ક ધરાવતા દેશોમાંથી 109 નાગરિકો રાજકોટમાં આવ્યા છે. જે પૈકી 90ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે દરેક પોઝીટીવ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.