કુંભમેળામાંથી ગુજરાત પરત ફરી રહેલા તમામ યાત્રીઓના કોરોના ટેસ્ટ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે જામનગર માં આજે કુભમેળામાંથી પરત ફરેલા યાત્રિકોના ટેસ્ટ કરવામા આવતા 5 યાત્રિકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે તમામને હાલ હોમ ક્વોરંટાઈન કરવામા આવ્યા છે.હરિદ્વારથી જામનગર આજે ઉત્તરાંચલ એક્સપ્રેસ આવી પહોંચી હતી. જેમાં કુંભમેળામાં ગયેલા કુલ 85 યાત્રિકો જામનગર પરત ફરતા તમામના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાં કુલ 5 યાત્રિકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જામનગર આવેલા યાત્રિકોના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી અલિયાબાડા પીએચસી સેન્ટરના હેલ્થ ઓફિસર રાહુલ પટેલ, રીટાબેન ગૌસ્વામી અને ટીએમપીએસ વરૂભાઇ દ્વારા 33 યાત્રિકોના એન્ટીજન અને 32 યાત્રિકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે પૈકીના 5 યાત્રિકોના એન્ટીજન ટેસ્ટ કોવિડ પોઝિટીવ આવતા તેઓને હોમકવોરન્ટાઇન કરાયા હતા.
શહેરમાં 279, ગ્રામ્ય વિસ્તારમાં 110 કેસ સારવારમાં 47 દર્દીઓએ દમ તોડયો
જામનગર શહેર-જિલ્લામાં 5 લાખથી વધુ સેમ્પલ લેવાયા
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આજે 389 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો આંકડો છે.
તો કોવિડની સારવાર દરમિયાન 47 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર જિલ્લામાં આજે 389 કેસ નોંધાયા છે તેમાં 279 કેસ શહેરી વિસ્તારમાં અને 110 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 232 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 47 દર્દીઓના મોત નિપજ્યા હતા.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 2 લાખ 90 હજાર 695 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 29 હજાર 539 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે.