કોરોના કાળની મહામારીની અસર બેન્કોના કાર્યરત સ્ટાફ પર પણ પડતી રહે છે અને તેઓમાં પણ સંક્રમણ થતું હોય છે. તેની કાળજી લેવી ખુબ જ જરૂરી રહેલ છે અને સંક્રમિત સ્ટાફને રજા આપી ઘરેથી કે હોસ્પીટલમાં દાખલ કરી સેવા કરવી માનવતાનું કાર્ય રહેલ છે. સાથો સાથ બેન્કના કાર્યને પણ અસર ન થાય અથવા તો ઓછી થાય તે પણ જોવાથી બેન્કના ગ્રાહકોને ઓછામાં ઓછી અગવડતા ઉભી થાય અને જરૂરી સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી રહેલ છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝે રજુઆત કરી છે.
બેન્કોની નાની બ્રાંચોમાં સ્ટાફની સંખ્યા મર્યાદિત હોય ત્યાં થોડા સ્ટાફ સંક્રમિત થતા ભયભીત બની સંપૂર્ણ બેન્કનું કાર્ય બંધ કરી દેવામાં આવતું હોય છે. જેથી તે શાખાના ગ્રાહકોને ખુબ જ મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. તેમજ મોટી શાખાઓમાં જયાં વધારે પ્રમાણમાં સ્ટાફ કાર્યરત રહેતો હોય છે ત્યાં નાની સંખ્યામાં સંક્રમણ થાય તો પણ ભયભીત બની શાખાના કાર્યને બંધ કરી દેવામાં આવતું હોય છે. જેથી વેપાર ઉધોગના બેન્ક કાર્યમાં ખુબ જ રૂકાવટ આવતી હોવાથી અર્થતંત્રને અસરકર્તા બની રહે છે અને કેટલાક સંજોગોમાં ખાસ કરીને વિદેશ વ્યાપાર સાથે કાર્યરત બ્રાંચોમાં ફોરેન એકસચેન્જ ડિપાર્ટમેન્ટ બંધ કરવામાં આવતા વેપાર ઉધોગના વિદેશ સાથેના વ્યવહારો અટકી જતા વિદેશી મુદ્રાના ભાવમાં થતા ફેરફારો કે વિદેશી બેન્કો સાથેના વ્યવહારોમાં મોડુ થવાના કારણે વેપારીઓના નાણા રોકાઈ જવાની દહેશત ઉભી થાય છે અને વેપારીઓને ખોટી રીતે મોટી નાણાકીય નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. આવા સંજોગોમાં બેન્કોના સ્ટાફના સંક્રમણને માનવતાની દ્રષ્ટીએ પણ વિચારી મદદરૂપ થવું જરૂરી રહેલ છે. તેમજ બેન્કો દ્વારા ગ્રાહકોના થતા આર્થિક વ્યવહારો પણ બરાબર જળવાય રહે તે રીતે બેન્કોના સ્ટાફમાં સંક્રમણને કારણે સંપૂર્ણ બેન્ક કાર્ય સ્થગિત ન કરતા તે અંગેના વ્યાજબી માર્ગદર્શક પગલા સુચવવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા સુચન કરતા જણાવેલ છે કે, બેન્કોની નાની શાખા કે જેમાં 20 કરતા ઓછા સ્ટાફની નિમણુક હોય તેવી શાખામાં 50 ટકાની વધારે સ્ટાફ જયારે સંક્રમીત થાય અને આવી શાખામાં કાર્યભાર વધારે રહે તેવા સંજોગોમાં તે શાખાના વહીવટકર્તા દ્વારા શાખાના કાર્યને આંશીક રીતે સ્થગીત કરવાનો નિર્ણય લઈ શકાય. તેમજ 20થી વધારેના સ્ટાફવાળી મોટી શાખામાં 30 ટકાથી વધુ સ્ટાફ સંક્રમિત થાય ત્યારે જ આવી શાખાના અમુક કાર્ય પર આંશિક રોક લગાવી સંપૂર્ણ બંધ નહીં કરતા આંશિક રીતે ચાલુ રાખવા ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મુજબ નિર્ણય લેવા યોગ્ય સુચનાઓ આપવી જોઈએ. જેથી બેન્કોના ગ્રાહકોને કે વેપાર ઉધોગને આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવાનું ન રહે અને દેશના અર્થતંત્રને ઓછામાં ઓછી જફા ભોગવવાની થાય તેવા સુચનો રીઝર્વ બેન્કના ગર્વનર સમક્ષ તેમજ નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા ઈ-મેઈલના માધ્યમથી રજુ કરવામાં આવેલ છે. જેની નકલ ઈન્ડીયન બેન્કર્સ એસોસીએશનના એકઝીકયુટીવ સેક્રેટરી તથા ભારતના વડાપ્રધાનની કચેરી સમક્ષ રજુ કરવામાં આવેલ છે અને આશા વ્યકત કરવામાં આવેલ છે કે, આ બાબતે તાત્કાલિક અસરથી પગલા લઈ બેન્કોના ઉપરી અધિકારીઓને યોગ્ય સુચના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે તેવી આશા વ્યકત કરેલ.