આજ સવારે હરિદ્વારથી રાજકોટ પહોંચેલી ટ્રેનમાં આવેલ મુસાફરોનું સ્ક્રીનીંગ કરાયું: 145માંથી 13 લોકો કોરોના સંક્રમિત
કોરોનાની વધતી જતી ગતિએ ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ વિશ્વના સૌથી મોટા અને અતિપ્રાચીન ગણાતા એવા કુંભમાં કોરોના ઘૂસતા મોટી દહેશત ઉભી થઈ છે. ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે એવામાં કુંભથી
પરત ફરેલા 49 ગુજરાતીઓ કોરોના પોઝિટીવ નોંધાયા છે. રિપોર્ટ કરાવતા છેલ્લા 2 દિવસમાં 49 મુસાફરો કોરોનાગ્રસ્ત નોંધાયા છે. ત્યારે આજરોજ સવારે હરિદ્વાર કુંભમેળામાંથી રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ઓખા-દહેરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી આ કુંભ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા તમામ મુસાફરોના રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય શાખાની ટીમ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. 145 પેસેન્જરનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું જેમાંથી 13 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે.પોઝીટીવ આવેલા તમામ લોકોને હોમકોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કુંભમેળામાં સામેલ થયેલા તમામ લોકોએ રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા ફરજિયાત રિપોર્ટ કરાવવો પડશે તેમ સરકારે નિર્ણય લીધો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ એક નિવેદનમાં જણાવ્યું કે , શનિવાર અને રવિવારે શહેરના સાબરમતી રેલ્વે સ્ટેશન પર 533 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 49 વ્યક્તિઓ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. તમામ ચેપગ્રસ્ત લોકોને શહેરના કોવિડ કેર સેન્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે. રવિવારે સ્ટેશન પર પરીક્ષણ કરાયેલા કુલ 220માંથી 15 લોકો પોઝિટીવ આવ્યા હતા.