હાલ એક તરફ કોરોના ધમાસાણ મચાવી રહ્યો છે. તો બીજી તરફ ઉતરાખંડનાં હરિદ્વારમાં વિશ્ર્વભરમા પ્રચલિત કુંભમેળો ચાલી રહ્યો છે. ભારતની આગવી સાંસ્કૃતિક શૈલી અને પરંપરાનું વિશેષ ઉદાહરણ રજૂ કરતો આ કુંભનો મેળો દર બાર વર્ષે યોજાય છે. જેમાં કરોડો શ્રધ્ધાળુઓ ઉમટે છે. પરંતુ હાલ કોરોનાને કારણે ‘વાયરસ વિસ્ફોટ’નો મોટો ખતરો ઉભો થયો છે. મહાકુંભમાં કોરોના પ્રવેશથી રોકવા કેન્દ્ર સરકારે ઉતરાખંડ સરકારને સતર્ક કરી છે. મોદી સરકારે ચિંતિત થઈ રાવત સરકારને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે, ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવાય તેમજ હાલ જેટલી ટેસ્ટિંગની ક્ષમતા છે. એના કરતા ચાર ગણી વધુ બનાવવા આદેશ કરાયા છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત અને કર્ણાટક સહિત 9 રાજયોમાં કેસ વધી રહ્યા છે. આ રાજયોમાંથી આવતા યાત્રીઓ પણ વિશેષ નજર રાખવા નિર્દેશ અપાયા છે. હાલ, ઉતરાખંડનાં દરરોજ સરેરાશ 10 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે.જેમાં કુંભના કારણે એકાએક વધારો થાય એવી દહેશત છે. આ બાબતે કેન્દ્રએ ખાસ ધ્યાન દોરી વધુ સાવચેત રહેવા રાજય સરકારને આદેશ જારી કર્યા છે. કુંભમાં સામેલ થવા આવતા જે શ્રધ્ધાળુઓ પોઝીટીવ જણાય એ તમામને તુરંત આયસોલેટ કરવા જણાવાયું છે. આ માટે 1500 કોવિડ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના રીપોર્ટ માટે ઉતરાખંડમાં સાત ખાનગી કંપનીની પણ મદદ લેવાઈ રહી છે.