કોરોના કાળમાં ટેક્ષી ઉદ્યોગને મોટુ નુકશાન થયું છે અને ધંધા પણ મંદ છે. એટલે કોમર્શીયલ વેહિકલનો ટેક્ષ માર કરવા અને માફ કરી ન શકાય તો જૂના દરે જ ટેક્ષ લેવા અને એના માટે પણ ભરવા સમય આપવાની રાજકોટ ટેક્ષી ટ્રાવેલ્સ એસો.એ માગણી કરી છે.
રાજકોટ ટેક્ષી ટ્રાવેલ્સ એસોસીએશનના હોદ્દેદારો પ્રમુખ જયદીપસિંહ રાણા, અગ્રણી જયપાલસિંહ જાડેજા, અંકુરભાઈ આચાર્ય, રવિભાઈ નિમાવત વગેરેએ રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી લાઠીયાને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, હાલના મહામારીના સમયમાં કોવિડ-19ના સમયમાં અમારા ધંધા રોજગાર પુરા ચાલતા નથી. અમારી આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે. ટેક્ષ પણ ભરી શક્ાય એવી અમારી હાલત રહી નથી. હાલના કોરોના સમયમાં અમારા ધંધાને માઠી અસર થઈ હોવા છતાં અમે બાંધવોના ખભે ખભા મિલાવી આર્થિક શારીરિક શ્રમ કરી રહ્યાં છીએ. અમારી સ્થિતિ વધુ ખરાબ બને એ પહેલા અમારી વાત સાંભળી આપને ન્યાય આપવા અને અમારા હિતમાં નિર્ણય લેવા અને રજૂઆત કરીએ છીએ.
આવેદનમાં જણાવ્યું છે કે, કોરોના સમયમાં કોમર્શીયલ વાહનોનો ટેક્ષ માફ કરવામાં આવે એવી અમારી સરકારને વિનંતી છે.
કોમર્શીયલ વાહનોનો ટેક્ષ માફ કરી શકાય તેમ ન હોય તો ટેક્ષમાં વધારો કરવાના બદલે જૂના દર મુજબ ટેક્ષ લેવામાં આવે અને એને ભરવા માટે પણ સમય અપાય અને કટકે કટકે ભરી આપવા વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બાબતે આગામી સપ્તાહ અમારે એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરવા જનાર હોવાનું પણ ટેક્ષી ટ્રાવેલ્સ એસો.ના હોદ્દેદારોએ જણાવ્યું હતું. અત્રે એ યાદ આપીએ કે અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત અને ભરૂચ જિલ્લાના એસોસિએશનનો આવી રજૂઆત કરી ચૂક્યા છે. હવે રાજકોટે પણ તેમાં સુરત પુરાવ્યો છે અને આ અંગે વહેલી તકે નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.