સવારે ૯થી ૧૨ વાગ્યા સુધી દવાનું વિતરણ કરાશે
કોરોના વાયરસના ચેપથી બચવા માટે હાલ મહાપાલિકા દ્વારા અલગ અલગ લોકજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આગામી બુધવારથી કોર્પોરેશન દ્વારા રાજકોટ હોમિયોપેથીક કોલેજના સહયોગથી તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રો પર સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હાલ મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. વિશ્ર્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના ચેપથી શહેરીજનોને બચાવવા માટે મહાપાલિકા દ્વારા રાજકોટ હોમિયોપેથીક કોલેજના સહયોગથી તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રો પર નિ:શૂલ્ક દવા વિતરણ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. બુધવારથી સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન આરોગ્ય કેન્દ્રો પરથી કોરોના વાયરસની હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.