દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે ફરી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના થાણેમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. થાણેના 16 હોટસ્પોટ વિસ્તારોને 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ વાયરસ ફરી એકવાર 2020ની જેમ રાજ્યમાં તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં નવા એક્ટિવ કોરોના કેસની સંખ્યામાં 89 ટકાનો વધારો થયો છે. તેથી હવે મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની તૈયારીઓ વધારી દેવામાં આવી છે અને કોરોનાના કેસને કારણે ફરી એક વાર મહારાષ્ટ્રના ધણા શહેરોમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે.
મુંબઈના થાણેમાં 16 હોટસ્પોટ્સ પર 13 માર્ચથી 31 માર્ચની વચ્ચે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. થાણે મ્યુનિસિપલ કમિશનર વિપિન શર્મા દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારોમાં કોરોના કેસોમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા પ્રશાસન તરફથી અપાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન પહેલાની જેમ જ લાગુ રહેશે. થાણેમાં કોવિડ-19ના 780 નવા કેસોને કારણે સંક્રમીત લોકોની સંખ્યા વધીને 2,69,845 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું હતું કે સંક્રમણને કારણે વધુ ત્રણ લોકોનાં મોત સાથે જિલ્લામાં મૃત્યુની સંખ્યા વધીને 6,302 થઈ ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે જિલ્લામાં કોવિડ -19 ને કારણે મૃત્યુ દર 2.34 ટકા છે.
મુંબઈમાં સક્રિય કેસ વધીને 89 ટકા થયા છે
કોરોનાના દૈનિક કેસોમાં થયેલા વધારા વચ્ચે, મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા પાછલા મહિનાની તુલનામાં લગભગ 89% જેટલો વધારો થયો છે. અંધેરી (પશ્ચિમ), ચેમ્બુર, ગોવંડી સહિત આઠ ,સિવિક વોર્ડમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. મુંબઈમાં 7 માર્ચે કોરોનાના 1360 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 1020 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 6 માર્ચે, મુંબઇના સક્રિય કેસની સંખ્યા 10,398 થઈ ગઈ, જે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં માત્ર 5,500 હતી. મુંબઈમાં કોરોના કુલ કેસ વધીને 3,34,583 થઈ ગયા છે.