વધતા જતા હાર્ટ એટેકના બનાવોથી આરોગ્ય મંત્રાલય ચિંતિત: બે માસમાં તપાસ પૂર્ણ કરી લેવાશે

હાલ હાર્ટ એટેકના બનાવોમાં સીધો જ ઉછાળો જોવા મળી રહ્યો છે. યુવાનો રમત ગમત દરમિયાન ઢળી પડે છે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચે એટલે ત્યાં મૃત જાહેર કરવામાં આવે છે. કોઈ જ બીમારી ન ધરાવતા હોય અને તંદુરસ્ત દેખાતા હોય તેવા લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે શું હાર્ટ એટેકને કોરોના સાથે કોઈ લેવા દેવા છે કે કેમ? તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે.

શ્વસનતંત્ર ઉપરાંત, કોરોના હૃદયને પણ અસર કરી શકે છે. હાર્ટ એટેકના સંબંધમાં યુવાનોમાં તાજેતરના કેટલાંક મૃત્યુ અંગે પ્રતિક્રિયા આપતા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે ઘણા યુવા કલાકારો, રમતવીરોને જોયા છે… તેઓ તેમના પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામ્યાં છે. ત્યારે ખરેખર હાર્ટ એટેકને કોરોના સાથે સંબંધ છે કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

માંડવિયાએ કહ્યું કે, આરોગ્ય મંત્રાલય કોવિડ-19 સાથેની કોઈપણ સંભવિત લિંકની તપાસ કરી રહ્યું છે. સરકારે કોવિડ સાથેના યુવાનોમાં હાર્ટ એટેકની તાજેતરની ગતિ વચ્ચેની કડી શોધવા માટે સંશોધન શરૂ કર્યું છે, અને પરિણામો બે-ત્રણ મહિનામાં અપેક્ષિત છે.

જોન્સ હોપક્ધિસ મેડિસિન અનુસાર, કોવિડ-19 ઘણા પરિબળોને કારણે હૃદયની પેશીઓને અસ્થાયી અથવા કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

કોરોના વાયરસ હૃદયના સ્નાયુ પેશીઓને સીધો ચેપ લગાવી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. તે નસો અને ધમનીઓની આંતરિક સપાટીને અસર કરી શકે છે, જે રક્ત વાહિનીઓમાં બળતરા તરફ દોરી શકે છે. જે હૃદયને નુકસાન પહોંચાડી શકે છે અને લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે, જે હૃદયમાં લોહીના પ્રવાહ સાથે ચેડા કરી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.

કોરોના વાયરસને કારણે થતી બળતરા ફેફસામાં હવાની કોથળીઓમાં પ્રવાહી ભરવાનું કારણ બની શકે છે.  આ લોહીના પ્રવાહમાં ઓક્સિજનના પ્રવાહને પ્રતિબંધિત કરે છે. હૃદયને આખા શરીરમાં લોહી પંપ કરવા માટે સખત મહેનત કરવા માટે દબાણ કરવામાં આવે છે, જે ખાસ કરીને જેઓ પહેલાથી હ્રદય રોગ ધરાવતા હોય તેમના માટે ખતરનાક બની શકે છે. વધુ પડતું કામ અથવા અપર્યાપ્ત ઓક્સિજન હૃદયમાં કોષોના મૃત્યુ અને પેશીઓને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.

હાલ આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કે, શું કોરોનાએ લોકોના હૃદયને નબળા પાડી દીધા છે કે કેમ? જે રીતે જોન્સ હોપક્ધિસ મેડિસિન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાને લીધે હૃદય રોગના હુમલા વધ્યા છે ત્યારે હવે ભારત આ દિશામાં તપાસ કરીને અંદાજિત બે કે ત્રણ માસમાં રિપોર્ટ જહેત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.