માણસ હરિફાઈની રેસમાંથી મુક્ત બન્યો : વ્યક્તિ સામાજીક ખર્ચના બાહ્ય ભારણને લીધે તણાવ વચ્ચે જીવે છેે
મિત્રો વર્તમાન સમયમાં કોરોના રોગની આફત સામે સમગ્ર વિશ્વ ઝઝુમી રહ્યું છે. આ કોરોનાથી અનેક પ્રકારની નુકશાનીઓ આપ સૌના ધ્યાનમાં છે જ પરંતુ હું આપના ધ્યાન ઉપર એ મુકવા માંગુ છું કે આ આફતમાંથી શું મેળવી શકીએ?
કોરોના વાયરસના કારણે વિશ્વનાં તમામ લોકો કોરેન્ટાઈન થઈ ગયા. તમામ ધંધા-ઉદ્યોગો થંભી જવાથી પર્યાવરણ શુધ્ધ થયું, નદીઓના પાણી શુધ્ધ થયા, લોકોમાં બીમારીઓ ઘટી અને પ્રફુલીતતા આવી. માનવીને તેની જીવન યાત્રામાં પ્રથમવાર આવા શુધ્ધ વાતાવરણનાં દર્શન થયા. વર્ષોથી બિન જરૂરી માન્યતાઓ જેવી કે અવસાન પાછળ કારજ, બેસણું અને અન્ય વિવિધ બીન જરૂરી વિધીઓ તેમજ ખોટી અંધશ્રધ્ધા ઘર કરી ગઈ હતી તેને છોડવા માટે કોરોનાએ આપણને તક પ્રાપ્ત કરાવી છે. કોરોનામાં મર્યાદિત વ્યક્તિઓ વચ્ચે લગ્ન થયા અને સંગીત સંધ્યા તેમજ રીસેશનનાં કાર્યક્રમની જરૂરીયાત જ ન પડી. સીમંતવિધિ પણ ઘરના લોકો વચ્ચે જ પુર્ણ થઈ. લાડવા લઇને જવાના પ્રસંગની જરૂરીયાત જ ન પડી. મૃત્યુ પાછળ બેસણાની જરૂરીયાત જ ન પડી અને લોકોએ ટેલિફોનીક વ્હોટસએપ બેસણુ અપનાવ્યું. તેથી આવા ઘર કરી ગયેલા રીતિ-રિવાજો અને તેના આયોજન પાછળનાં ખર્ચ ન થવાથી માણસ તણાવ મુકત બન્યો.
કોરોના વાયરસથી લોકડાઉન દરમિયાન તમામ વર્ગનાં લોકો ઘરમાં જ હતા. કોઇને નોકરીની ચિંતા તો કોઇને ધંધાની ચિંતા પરંતુ તમામ લોકોને મુશ્કેલી હોવાથી માણસ હરિફાઈની રેસમાંથી મુકત બન્યો. આવા હરીફાઈરૂપી તણાવમાંથી મુકત બનેલા માણસને શુધ્ધ વાતાવરણમાં જીવના જીવવાની તક મળી તેથી રોજીંદી બિમારીઓ ઘટી.
પાછલા બે હજાર વર્ષના ઇતિહાસમાં અનેક બિમારીઓ આવી છે અને તેમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ થયા છે. ૧૧૦ વર્ષ પહેલા આપણા દેશમાં મર્કિ નામની એક મોટી બિમારી આવી. હતી. હજારો વર્ષોથી ચાલી આવતી ભારતીય પરંપરા મુજબ આપણા દેશના વડવાઓ નમસ્તે કહેતા, લોકો સ્નાન કરવાનું પસંદ કરતા, હાથ મોં ધોઈને જ ભોજન કરતા, ભોજનમાં ઔષધીઓનો ઉપયોગ કરતા, ભોજનનો ખોટો બગાડ અને ગંદકી ન થાય તેનું ધ્યાન રાખતા, ટોઇલેટ માટે પાણીનો ઉપયોગ કરતા. આજે વર્તમાન સમયમાં આખી દુનિયા કોરોનાનાં બેકટેરીયાથી બચવા માટે ભારતની આપણી જુની બધી જ પરંપરા અપનાવવા લાગ્યા છે.
વિશ્વ આખુ કોરોનાથી બચવા માટે ભારતની જુની બધી જ પરંપરા અપનાવે છે. આપણે આપણી જુની પરંપરાની કદર કરતા નથી. વર્તમાન અને આવનારી પેઢીને તંદુરસ્ત અને સક્ષમ બનાવવી હોય તો તણાવ મુકત સમાજનું નિર્માણ કરવું પડશે. તણાવ મુકત સમાજ માટે કોરોના રોગ દરમ્યાન લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું છે. આપણા પૂર્વજોમાં રીવાજ હતો કે પહેલા બાળકના જન્મ વખતે પિયરમાં ગયેલી વહુને સસરા પક્ષમાંથી બે વ્યકિતઓ ૨૦ કિલો લાડવા લઇને જતા. જેથી બાળકને જન્મ આપનારી માતાને પોષ્ટીક ખોરાક મળતો અને સસરા પક્ષનો ભાવા પહોચતો. આજે કોરોના દરમ્યાન આવું જ થયું છે. તણાવ મુકત સમાજ માટે આવી માન્યતાઓ દૂર કરવી પડશે. જેમ કે ૨૦૦૦ લોકોને લાડવાના પ્રસંગમાં ભેગા કરવા, લગ્નમાં રીસેપ્શન અને સંગીત સંધ્યા, સીમંતવિધિ, છઠ્ઠી, લાડવા, બર્થ ડે, બાબરી, જનોઇ, સગાઈ, લગ્ન નીમીતે ત્રણ કાર્યક્રમ, લગ્ન દિવસની ઉજવણી, અવસાન પાછળ પાંચ કાર્યક્રમો આમ માણસ જન્મ અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં સોળ થી વધુ કાર્યક્રમો આવે છે. આ તમામ કાર્યક્રમો સમયની અને ખર્ચની દ્રષ્ટીએ તણાવ પેદા કરે છે. આજે દુનિયામાં વ્યવસાયની દ્રષ્ટીએ એક દેશથી બીજા દેશ વચ્ચે સીમાડા રહયા નથી. એવા સમયે આપણા દેશના યુવાનો યુરોપ, અમેરિકા અને જાપાન જેવા દેશમાં અભ્યાસ કરવા જાય છે. તો ત્યાં જુએ છે કે, આપણા દેશની જેમ અહીંયા આવા સોળ પ્રકારના રીવાજો આવતા જ નથી. તો આપણી આવનારી પેઢી દુનિયા સાથે વ્યવસાયિક દ્રષ્ટિએ સરખામણી કરી શકે અને સક્ષમ બની શકે તેના માટે આવા સામાજીક રીતિ-રિવાજોના ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે.
વર્તમાન અને આવનારી પેઢીને તણાવમુકત અને સક્ષમ બનાવવા માટે આ લોકડાઉન દરમ્યાનની આપણી રીતિ-રિવાજોની સુધારાવાદી કાર્ય પધ્ધતિ બહુ ઉપયોગી બની શકે તેમ છે. એવું કહેવાય છે કે, ભુતાન દેશના લોકો પ્રકુલીત છે. અમોએ ભુતાનના પ્રવાસ દરમ્યાન તેની પ્રફુલીતતાને સમજવાનો પ્રયત્ન કર્યો. તો જાણવા મળ્યું કે ત્યાં છોકરી અને છોકરો અને એક બીજાને પસંદ કરતા હોય છે અને તેઓ માતા-પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુકે છે. તેમના આર્શીવાદ સાથે સરકારી દફતરમાં જઈ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવે છે અને લગ્ન પાછળ એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરતા. આવી જ રીતે યુરોપ, અમેરીકા અને જાપાન જેવા દેશોમાં પણ લગ્ન ૨૫ લાકોની વચ્ચે જ થાય છે. બર્થ ડે ઉજવણી પાંચ મિત્રોની વચ્ચે જ થાય છે. ત્યાંના લોકોને સામાજીક પ્રસંગોનું ભારણ જ નથી. તેથી તેઓ પ્રફુલીત રહે છે. અને તેઓ પ્રફુલીત હોવાથી તેઓના ભાગમાં આવતુ કામ કવોલીટી સાથે પુર્ણ કરી શકે છે. પછી તે વૈજ્ઞાનિક હોય, ઓફિસર હોય કે બિઝનેસમેન હોય. પોતાના ભાગે આવતું કામ તેઓ નિષ્ઠા સાથે કરે છે. તે લોકોએ બનાવેલ પ્રોડકટની વિશ્વમાં વેલ્યુ હોય છે.
આપણા દેશમાં તમામ લોકો સામાજીક ખર્ચના બાહ્ય ભારણ હોવાથી તણાવ વચ્ચે જીવે છે. તેથી નોકરી વ્યવસાયમાં પરિણામલક્ષી કાર્ય કરી શકતા નથી. વિદેશો માં કોઈ એક પ્રોડકટ બનાવવા માટે સતત ૧૦ વ્યકિતઓની હાજરી જરૂરી હોય છે અને દરેક વ્યકિત હાજર રહેવાથી જ કવોલીટી મળી શકે છે. જયારે આપણા દેશમાં ૧૦ વ્યકિતઓ માંથી ત્રણની ગેરહાજરી હોય છે તેથી કવોલીટી પ્રોડકટ તૈયાર થતી નથી. આ ગેરહાજર વ્યકિતને કારણ પુછવામાં આવે તો તેનો જવાબ એવો હોય છે કે, દાડો, બેસણુ, લગ્ન, ધાર્મિક કાર્યક્રમ વગેરે પ્રસંગોનાં કારણ હોય છે. આવા બાહ્ય ભારણના લીધે તે પોતાની જવાબદારી નિભાવી શકતો નથી. વિદેશોમાં મૃત્યુ થાય તો તેમનું અગ્નિ સંસ્કાર રવિવારના દિવસે જ હોય છે અને તેના પરિવારના લોકો જ વિધીમાં હોય છે. આપણા દેશના યુવાનોને સક્ષમ બનાવવા માટે બાહ્ય ભારણમાંથી મુકિત અપાવશું તો જ કવોલીટી સાથે કાર્ય કરી શકશે.
આપણા દેશમાં ૫૦ વર્ષ પહેલા બે ગાડામાં ૨૦ લોકો જાન લઈને જતા પાછલા ૪૦-૫૦ વર્ષમાં જે લોકોએ ધંધાકિય પ્રગતી કરી તેઓએ વ્યવસાયના વિકાસની સાથે સાથે બીન જરૂરી રીતિ-રિવાજોનો પણ વિકાસ કર્યો. તેઓને કોઈ કહે કે, આ રીતિ-રિવાજોને મોટા નહી કરવા જોઈએ ખર્ચ ઘટાડવા જોઈએ, પ્રસંગોમાં ખર્ચ નહીવત કરો અને તમે હોસ્પિટલ, સ્કુલ કે કોલેજ નું નિર્માણ કરો. ત્યારે સાધન સંપન સુખી માણસોનો જવાબ એવો હોય છે કે, અમે અમારા સંતાનોના લગ્ન વૈભવી કરીએ છીએ. એવી જ રીતે અમો સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલ જેવા વગેરે સામાજીક કાર્યમાં પણ ખર્ચ કરીએ છીએ. એનો જવાબ પણ સાચો છે કે તેઓ સામાજીક કાર્યમાં પણ એટલી રૂચિ રાખે છે. નામાંકિત પરિવારો લગ્ન જેવા અન્ય પ્રસંગોમાં જે ખર્ચ કરે તેની અસર ઓછી આવકવાળા પરિવારો ઉપર પડે છે. જેમ ફિલ્મના હિરો-હિરોઇન જે કપડા પહેરે અને લોકો તેનું અનુકરણ કરવા લાગે છે તેમ સાધન સંપન લોકો જે કરે તેનું અનુકરણ ઓછી આવક ધરાવતા લોકો પણ કરવા લાગે છે. કોઈ ઘરે ૧૦ લોકોનું પરિવાર હોય અને વ્યવહાર કરતી વ્યકિત પ્રસંગો પાછળ ખર્ચા નહી કરવાના પક્ષમાં હોય પણ ઘરના અન્ય સદસ્યો મોટો પ્રસંગ કરવાનો પ્રસ્તાવ રાખતા હોય છે. તેની આવક ઓછી હોવા છતા દેખા દેખીથી સામાજીક પ્રસંગો પાછળ ખર્ચ વધી જાય છે. તેથી સાધન સંપન સુખી લોકોએ પણ સમજવાની જરૂર છે.
પાછલા ૪૦ વર્ષમાં સાધન સંપન સુખી લોકોએ સમાજમાં પોતાની વિશેષતા બતાવવા માટે સામાજીક પ્રસંગો બહુ મોટા કરી નાખ્યા અને તેની સમાજ ઉપર બહુ જબરી અસર પડી. સમાજનો તણાવ ઘટાડવા માટે સાધન સંપન સુખી લોકોએ પોતાના સંતાનોના લગ્ન પ્રસંગો સામાન્ય રીતે કરે અને પોતાની ધંધાકિય કંપનીની સ્થાપના દિવસ ૫-૧૦ વર્ષે ખુબ સારી રીતે ઉજવે અને તે કાર્યક્રમમાં દેશ અને દુનિયાના વેપારીઓને બોલાવે, ધંધાકીય સંબંધ ડેવલોપ કરે અને પોતાના સંતાનોના પ્રસંગો સામાન્ય રીતે કરે તો સમાજનો તણાવ ઘટી શકે. અને તેઓનું તણાવ મુકત સમાજ નિર્માણમાં યોગદાન પણ ગણાશે.
ઘણા લોકો એવું વિચારે છે સામાજિક રીતી-રીવાજોના પ્રસંગો સાદાયથી કરવાના અને નાના કરવાના તો જીંદગીનો શું અર્થ? શા માટે કમાવવાનું? સામાજીક પ્રસંગોમાં પણ લોકોને રોજગારી મળે છે તેઓનો આવો તર્ક હોય છે. આવુ માનનારા લોકોએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે કેટરીંગમાં કે મંડપ સર્વિસનું કામ કરતા લોકોને રોજગારી મળે એ સ્થાયી અને માન સન્માનવાળી નોકરી નથી. વિદેશોમાં સામાજીક રીત રીવાજો નથી અને નોકરીઓ કેમ વધારે છે? એનું કારણ એ છે કે એમની જરૂરીયાતો સમજીએ તો તેમને સારૂ મકાન, સારૂ ફર્નિચર, સારી ગાડી, સારા કપડા, બુટ, ચશ્માં અને પ્રવાસ, વગેરે છે. આ જરૂરીયાત છે તે સંખ્યાબંધ કારખાના ચલાવી શકે છે અને તે કારખાનાનાં લોકોને માન સન્માનવાળી નોકરીઓ આપી શકે છે. આપણે ત્યાં ઘરના ઠેકાણા ના હોય અને અવસાન પછી દાડા પાછળ ખર્ચ, લગ્ન પાછળ ખર્ચ વગેરે રીતી-રીવાજો પાછળ ખર્ચ કરવાની પધ્ધતિ માન સન્માનવાળી રોજગારી પેદા ન કરી શકે તેથી આપણા યુવાનોને રોજગારી મળે, દેશ સક્ષમ બને તેના માટે હાથમાં આવેલ પૈસા કેવી રીતે વાપરવા એ પણ બહુ જરૂરી છે.
યુવાનોને તણાવ મુકત અને સક્ષમ બનાવવા હોય તો આ કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં આવેલા તમામ પ્રસંગો આપણે સામાન્ય રીતે અને થોડા લોકોની વચ્ચે કર્યા તેને આપણે જાળવી રાખીએ. આ કોરોના વાયરસથી અનેક પ્રકારનું આપણને નુકશાન છે પરંતુ આ રોગ દરમ્યાન કુરિવાજો આપણે ભુલ્યા છીએ અને તે કુરીવાજોને કાયમી તિલાંજલી આપીશું તો અંતે તણાવ ઘટશે. અને સક્ષમ સમાજનું નિર્માણ થશે. વ્યકિત પણ સધ્ધર થશે અને દેશ પણ સધ્ધર થશે. આપણા દેશનો યુવાન દુનિયાના યુવાનો સાથે તાલ મીલાવી કામ કરી શકશે. આપણે સૌ આ વર્તમાન સમયની શીખ આપણી જીવન યાત્રાની ગાંઠે બાંધીએ. સો જાગૃત લોકો આ વિષય ઉપર મંથન કરે અને લોકોને સમજાવવાનું કામ કરે તો બહુ મોટી એક નવી ક્રાંતિ આવી શકે તેમ છે. તો ચાલો આપણે સૌ સાથે મળી સમાજના લોકોના ફ્રેશ માઈન્ડમાં આ વિચારની રોપણી કરવાનું કાર્ય કરીએ.
મથુરભાઈ સવાણી- સુરત.