બ્લેક લિસ્ટના ઓઠા હેઠળ વકીલો પ્રત્યે બેંકોની માનસિકતા સુધારવાની રજૂઆત
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વડી અદાલતમાં કરાઇ અરજી
લોકડાઉનના કારણે વિશ્ર્વના મોટાભાગના વેપાર-ધંધા અને વ્યવસાયને મરણતોલ ફટકો પડ્યો હતો. સરકારે ધીમી ગતિએ લોકડાઉનને ઉઠાવ્યું તો છે પરંતુ હજુ ઘણા વ્યવસાય એવા છે જેની ગાડી પાટે ચડી નથી. ખાસ કરીને વકીલાતના વ્યવસાય કોરોનાના કારણે ઝઝુમી રહ્યો છે. કેટલાક જુનીયર વકીલો તો પેટીયુ રળવા માટે રીક્ષા ચલાવવા કે રેસ્ટોરન્ટમાં કામ કરવા મજબૂર બન્યા છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં વકીલોની સ્થિતિ દયનીય થઈ ગઈ હોય. આવા સમયે વકીલોને રૂા.૩ લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગણી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ રજૂઆત કરી હતી. સરકારને જરૂરીયાતમંદ વકીલોની વહારે આવવા માટે વડી અદાલત દ્વારા આદેશ અપાય તેવી માંગણી થઈ હતી. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા વતી પીટીશન વકીલ એસ.એન.ભાટએ કરી હતી. જેમાં માગણી થઈ હતી કે, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પાસે અત્યારે વકીલોની જરૂરીયાતને પહોંચી વળવા માટે ભંડોળ નથી. માટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને આર્થિક સહાય વકીલોને આપવી જોઈએ. વ્યાજ વગર રૂા.૩ લાખ સુધીની લોન વકીલને આપવી જોઈએ. જ્યારે ન્યાય પ્રણાલી ફરીથી પૂર્વવ્રત થઈ જાય ત્યારબાદ તેના હપ્તા કપાવવા જોઈએ. આ રકમની ફાળવણી દરેક રાજ્યના બાર કાઉન્સીલના માધ્યમથી થવી જોઈએ.
નોંધનીય છે કે, એક સમયનો મોભાદાર ગણાતો વકીલાતનો વ્યવસાય કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે. ‘અબતક’ મીડિયા દ્વારા પણ થોડા સમય પહેલા વકીલોની કફોડી હાલત અંગે તંત્રને માહિતગાર કરવાનો પ્રયાસ થયો હતો. લાંબા સમયથી ન્યાય પ્રણાલી બંધ હતી. જેથી કેસ લડીને ગુજરાન ચલાવતા વકીલોની હાલત કફોડી બની હતી. માત્ર કેસ લડવા નહીં પરંતુ અન્ય ન્યાયના કામ બંધ હોવાથી લાખો વકીલોની આવક બંધ થઈ ગઈ હતી. દરમિયાન રાજકોટ સહિતની બાર કાઉન્સીલ દ્વારા વકીલોને મદદ કરવા પ્રયાસ તો થયા હતા પરંતુ જે રીતનો મરણતોલ ફટકો મહામારીના કારણે પહોંચ્યો છે તે કક્ષાની આર્થિક સહાય કરવા તમામ બાર કાઉન્સીલ સક્ષમ નથી. જેથી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ વડી અદાલતમાં ધા નાખ્યો છે અને સરકાર આ મામલે આગળ આવે તેવું સુચન કર્યું છે.
કોરોનાથી પ્રવાસન ક્ષેત્રમાં ‘ઓટ’ને લઈ ટુરિઝમ ક્ષેત્રને જીવતું રાખવા એસો.ની માંગણી
મહામારીના કારણે જેટલી અસર વકીલાતના વ્યવસાયને થઈ છે તેટલી જ ખરાબ અસર પ્રવાસન ક્ષેત્રને પણ થવા પામી છે. કોરોનાના કારણે લોકો પ્રવાસન કરતા નથી. આંતરરાષ્ટ્રીય ફલાઈટો બંધ હતી. સ્થાનિક ફલાઈટ પણ માંડ-માંડ ઉડી રહી છે. આ ઉપરાંત ફરવા લાયક સ્થળોએ સહેલાણીઓના ટોળા ઉમટતા નથી. છેલ્લા પાંચ મહિનાથી પ્રવાસન સેકટર વેન્ટિલેટર પર હોય તેવો ઘાટ ઘડાયો છે. આવા સમયે ટ્રાવેલ એજન્ટ એન્ડ ટુર ઓપરેટર એસો. ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાને રિસ્ટ્રકચર પેકેજ આપવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત સરકારી વિભાગો એટલે કે, વાઈલ્ડ લાઈફ પાર્ક સહિતના વિસ્તારોમાં ફરવા માટે થયેલા આગોતરા બુકિંગમાં થયેલા કેન્સલેશન માટે રિફંડ તુરંત મળી રહે તેવી પણ રજૂઆત થઈ હતી. ગુજરાત સહિતના દેશભરના રાજ્યોમાં હાલ પ્રવાસન સેકટરમાં ખુબજ મુશ્કેલી જોવા મળી રહી છે. જેથી કોરોનાના કારણે પ્રવાસન ક્ષેત્રની ઓટને લઈ ટુરિઝમ ક્ષેત્રને જીવતું રાખવા માટે માંગણી થઈ છે. કોરોના વાયરસના ફેલાવાના રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે અનેક વિદેશ પ્રવાસનના બુકિંગ રદ્દ થઈ ગયા હતા. અગાઉથી બુકિંગ કરાયેલા હોવાથી વિદેશની હોટલો કે એરલાઈન્સમાંથી નાણા પરત આવતા મુશ્કેલી સર્જાઈ હતી. કેટલાક એજન્ટોને તો વિદેશમાંથી એમ કહેવાયું હતું કે, બુકિંગ કેન્સલ થઈને નાણા નહીં અપાય પરંતુ તેના સ્થાને ફરીથી જ્યારે સ્થિતિ થાળે પડે ત્યારે બુકિંગ કરી અપાશે જેથી અનેક એજન્ટોના નાણા બુકિંગમાં સલવાઈ ગયા હોવાનો ઘાટ સર્જાયો હતો. હવે જ્યારે લોકડાઉન ઉઠી રહ્યું છે ત્યારે ધીમીગતિએ સ્થિતિ થાળે પડશે તેવી આશા છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા પણ સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આજથી ત્રણ દિવસ હાઇકોર્ટ બંધ
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં અત્યાર સુધીમાં ૮ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારને માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આવા સંજોગોમાં હવે ૮ થી ૧૦ જુલાઈ સુધી એટલે કે, આજથી ત્રણ દિવસ દરમિયાન હાઈકોર્ટનું સંકુલ સંપૂર્ણપણે બંધ રાખી ત્યાં સફાઈ અને સેનીટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યુડીશ્યલ વિભાગ બંધ હોવાથી કેટલાક અસીલોની અરજીઓ પણ ખોરંભે મુકાશે તેવું ફલીત થાય છે. હાઈકોર્ટના જ્યુડીશ્યલ વિભાગના એક કર્મચારીને કોરોના થતાં સંકુલમાં સઘન ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન હાઈકોર્ટના વહીવટી વિભાગના છ કર્મચારી અને વિજીલન્સ વિભાગના એક કોન્સ્ટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.