આર્જેન્ટીનાએ મહામારીને ધ્યાને લઇને ફૂટબોલની ગેઇમમાં કર્યા ફેરફાર: ૧૧ની બદલે ૫ જ ખેલાડી રમશે, દરેક ખેલાડી માટે એરીયા નકકી, એરીયાની બહાર ખેલાડી નીકળે તો પેનલ્ટી

આર્જન્ટીના માંથી પ્રેરણા લઇને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ફૂટબોલને ધમધમતુ કરવાના પ્રયાસો

ફૂટબોલ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલએ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણીએ અજેન્ટિનાની નવી શોધ મુજબ ફૂટબોલ પ્રેમીઓ માટે કોરોનાના સમયમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ફૂટબોલ ખેલવાની નવીનતમ વ્યવસ્થા કરી છે.

ભરેલા સ્ટેડિયમમાં હજારો ચાહકોની સામે રમવાનો રોમાંચ કંઇ જુદો જ હોય છે! આ સંજોગોમાં ફૂટબોલ જ્યાં રાષ્ટ્રીય રમત જેવો મોભો ધરાવે છે તે આર્જેન્ટિનાના ફૂટબોલ પ્રેમીઓએ કોરોનાના સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા સિદ્ધાંતો જળવાઇ રહે મેટેગોલ હયુમેનો અર્થાત્ હયુમન ફૂસબોલ ના નામે આર્જેન્ટિનાના ફૂટબોલ પ્રેમીઓએ કોરોના મહામારી દરમ્યાન ફૂટબોલ રમતનો એવો અસલ વિકલ્પ શોધ્યો છે, જેમાં મેદાની ફૂટબોલની મજા પણ મળે અને કોરોના સામેના સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમનો ભંગ પણ ન થાય.

આર્જેન્ટિનાથી એસોસિયેટેડ પ્રેસના એક વિસ્તૃત અહેવાલ મુજબ નવા પ્રકારના ફૂટબોલની રમતની આ વિશિષ્ટ શોધ મુજબ ફૂટબોલના મેદાનને સફેદ પટ્ટાથી ૧૨ સમાન લંબચોરસ ખાનાંઓમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક ખેલાડીએ આખા મેદાનમાં દોડાદોડી કરવાને બદલે પોતાના નિર્ધારિત ખાનાની જગ્યાએ જ રહેવાનું; જો કે તે બોલ ગમે તે લંબચોરસ ખાનામાં મોકલી શકે! ખેલાડીઓ પોતાના નિશ્ચિત ખાનામાં રહી બોલ સાથે ઉછળ કૂદ કરી શકે. બીજો સુધારો એ કરાયો છે કે ખેલાડીઓ બોલની પાછળ દોડવા અને કૂશળતાપૂર્વકનું ફૂટવર્ક કરવાને બદલે બોલને પાસ કરવા પર અથવા દૂર ફેંકવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.

આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એર્સથી ૨૪૦ કિ.મી. દૂર પેરગામિનો શહેરના પ્લે ફૂટબોલ ૫ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં વેન્ડે હુમો ફૂટબોલ કલબ અને લોસ પિસ્મોસ દ સિમ્પ્રે એમેચ્યોર ટીમોએ આ નવા સ્વરૂપની ફૂટબોલ રમતનો પ્રયોગ કર્યો. ખેલાડીઓ રમતી વખતે, બોલ શૂટ કરતાં (ફેંકતી વખતે) કે ગોલ બચાવતી વખતે પણ પોતાની લાઇનની બહાર ન જઇ શકે. પોતાની નિર્ધારિત જગ્યાની બહાર નીકળ્યા તો પેનલ્ટી લાગે.

સો દિવસના લોકડાઉનના દુકાળ બાદ આ ટીમોના ખેલાડીઓ ફૂટબોલ આ નવા સ્વરૂપે રમ્યા ત્યારે તે સૌએ કબૂલ્યું કે તેમને બહુ સારૂં લાગ્યું. કારણ કે આર્જેન્ટિનામાં ફૂટબોલના શિખાઉ ખેલાડીઓ રમતનાં મેદાનો ભાડે રાખતા હોય છે. પ્રોફેશનલ ફૂટબોલ બંધ હોય, ટ્રેનિંગ પણ ન ચાલતી હોય તેવા સમયે આ નવા પ્રકારના મેદાની ફૂટબોલથી તેમણે રાહતનો શ્વાસ લીધો અને સંતોષ મેળવ્યો!

આ નવા પ્રકારના ફૂટબોલમાં દરેક ટીમમાં પરંપરાગત ૧૧ ખેલાડીઓને બદલે બન્ને ટીમોમાં પાંચ પાંચ ખેલાડીઓ હોય છે. જો કે ફૂટબોલની રમતનો ઘણો ખરો જાદુ અને રોમાંચ આ નવા પ્રકારના ફૂસબોલમાં નથી મળતો કારણ કે અહીં સામાજિક દૂરી જળવાઈ રહે એ મુખ્ય મુદ્દો છે.

લિયોનલ મેસી કે મેરાડોના જેવા અદભૂત ખેલાડીઓની જગતને ભેટ આપનારા ફૂટબોલ માટે જબર્દસ્ત ઘેલા એવા આર્જેન્ટિનાની પ્લે ફૂટબોલ ૫ કોમ્પલેક્સના માલિક ગુસ્તાવો સિઉફોએ ઇજાદ કરેલી નવા પ્રકારના આ ફૂટબોલની રમત આર્જેન્ટિનાના અન્ય ભાગોમાં પણ પ્રસરી રહી છે. કોરોનાનો ચેપ આર્જેન્ટિનાના આ પેરગામિનો શહેરમાં પ્રમાણમાં ખૂબ ઓછો હતો તે સંજોગોનો લાભ લઇ ગુસ્તાવોએ આ નવો પ્રકાર ઇજાદ કર્યો. સત્તાવાળાઓએ તેને માન્ય કર્યો. ગુસ્તાવો સિઉફોનું કહેવું છે કે કોરોનાના કપરા કાળમાં ફૂટબોલ રમવાનો ઉપાય શોધી કાઢવાનો મને આનંદ છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિક શોધખોળોના સંદર્ભમાં વપરાતી આ ઉક્તિ કે આવશ્યકતા આવિષ્કારની જનની છે, તે ફૂટબોલ જેવી રમત માટે પણ સાર્થક બને ત્યારે દરેક ફૂટબોલ પ્રેમીને આનંદ થાય તે સ્વાભાવિક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.