કોરોનાનો બીજો વાયરો મહારાષ્ટ્રને અને ખાસ કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે સંકટ બનીને સામે આવ્યું છે, મહામારીને કાબુમાં લેવા લોકડાઉન કરે તો સરકાર ઉપર જોખમ, જો લોકડાઉન ન કરે તો કોરોના વિસ્ફોટનો ભય
મહારાષ્ટ્રમાં કોરોનાના વિસ્ફોટની પરિસ્થિતિ વચ્ચે સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે એક તરફ કુવો તો બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના પ્રથમ વાયરામાં લોકડાઉન દરમિયાન ધંધા-રોજગાર-ઉધોગોને મુંબઈની લાઈફલાઈન જેવી ટ્રેન, બસ સુવિધાઓ લાંબા સમય સુધી બંધ રહી હતી અને ભારે મંદી અને આર્થિક વિકાસ ઠપ્પ થઈ જતા મંદી અને આર્થિક કટોકટી દુર કરવા માટે લોકડાઉનમાં છુટછાટ અને જનજીવન પુન: રાબેતા મુજબ કરી નાખવામાં આવ્યું હતું. લોકડાઉન હટતાની સાથે જ કોરોનાના બીજા વાયરાએ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને ભરડામાં લઈ લીધુ છે તે સંજોગોમાં હવે મહારાષ્ટ્રની પરિસ્થિતિ અને પોતાની સત્તા ટકાવી રાખવા નટચાલની ફરજીયાત બની છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન ઠપ્પ થઈ ગયેલી લાઈફલાઈન શરૂ કરવી સરકાર માટે આવશ્યક બની હતી હવે કોરોનાને કાબુમાં લેવો આવશ્યક બન્યો છે જો પ્રતિબંધ અને લોકડાઉન ન કરે તો કોરોના વિસ્ફોટ બેકાબુ બને તો લોકડાઉન કરે તો પ્રજા વિરોધનો લાભ લઈ સરકાર ઉથલાવવા સુધીની રાજકીય પરિસ્થિતિનો સામનો કરવાની નોબત ઉદ્ધવ ઠાકરે માટે આવી ગઈ છે. હવે ફરીથી લોકડાઉન આવે તો અર્થવ્યવસ્થા ફરીથી અટકી પડે અને બંધ થઈ જાય તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર માટે એક તરફ કુવો તો બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. લોકડાઉન અને પ્રતિબંધના પણ પગલા ન ભરે તો મહારાષ્ટ્ર-મુંબઈ સહિત સમગ્ર રાજયમાં કોરોનાનો વિસ્ફોટ થઈ જાય અને જો લોકડાઉન કરે તો તેની રાજકીય અસરોમાં સરકાર ઉઠી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
મહારાષ્ટ્રમાં અજીત પવારે અગાઉ રાજકીય ભૂમિકા ભજવી હતી તે હવે શાહના પક્ષમાં આવી ગઈ છે. સરકાર સામે હવે પરિસ્થિતિને જાળવી રાખવા મોટો પડકાર ઉભો થયો છે. રાજનીતિમાં ચાણકય ગણાતા શરદ પવાર અને ભાજપના ચાણકય અમિત શાહ વચ્ચેની પોલીટીકલ કેમેસ્ટ્રીના નવા સમીકરણો અને શરદ પવારે અજીત પવારની જેમ આમચી મુંબઈનો રાજકીય મુદ્દો ઉઠાવવાની તક હાથમાં લીધી છે તેવા સંજોગોમાં જો સરકાર લોકડાઉનનો અમલ કરે તો પ્રજાના રોષ અને નારાજગીનો રાજકીય લાભ લઈને એનસીપી અને ભાજપનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવી નાખે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
સરકાર માટે અત્યારની પરિસ્થિતિએ જન સ્વાસ્થ્યની જાળવણી અને આર્થિક કટોકટીના નિવારણમાં બે સામ-સામા પરીણામોનું સંતુલન કરવું અનિવાર્ય બન્યું છે. ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિને ગમે તેમ કરીને કાબુમાં લેવાના આદેશો આપી દીધા છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપે અને મુખ્ય સચિવ વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોકડાઉનના મામલે મહારાષ્ટ્રમાં સરકાર માટે હવે નટની ચાલ આવશ્યક બની છે જો લોકડાઉન ન કરે તો કોરોના ફાટી નીકળે અને જો લોકડાઉનના આકરા નિર્ણય આવે તો પ્રજાની નારાજગીનો રાજકીય લાભ લઈને રાજકીય ચાણકય શરદ પવાર ભાજપ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્ર સરકાર ઉથલાવી નાખે તેવી પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે માટે હવે નટની ચાલ જેવી રાજકીય મુસદીગીરી આવશ્યક બની છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર વધુ એક વાર કિંગ મેકર બને તેવી પરિસ્થિતિ વચ્ચે ઉદ્ધવ સાથે છેડો ફાડીને ભાજપની સરકાર રચવાના સમીકરણો ઉભા થયા છે. મહારાષ્ટ્રના કોરોનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ માટે નટની ચાલની મજબુરી ઉભી કરી છે.