એક્ટિવ કેસનો આંક એપ્રિલ બાદ ફરી 349 પહોંચ્યો: ભાવનગરમાં 4, જામનગરમાં 2, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ: સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત
અબતક-રાજકોટ
રાજ્યભરમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં આઠ સહિત રાજ્યભરમાં કુલ 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 4, જામનગરમાં 2, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એક-એક કેસ તો સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થતા ફરી ચિંતાનો માહોલ સેવાઇ રહ્યો છે. એપ્રિલ માસ બાદ પહેલીવાર એક્ટિવ કેસનો આંક 349 પર પહોંચ્યો છે.સૌરાષ્ટ્ર સહિત હવે રાજ્યભરમાં કોરોના ફરી એકવાર ફુફાડો મારી રહ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં વધુ 48 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી વધુ ચાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે જામનગર જિલ્લામાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ વધુ બે કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જ્યારે અન્ય જિલ્લા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.તો રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 17 લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે. તો બીજી તરફ સુરતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત કુલ 9 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
અન્ય જિલ્લામાં વડોદરામાં 7, આણંદ-ભરૂચ-ખેડા-કચ્છ-નવસારી અને વલસાડમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિયેન્ટની દહેશત વચ્ચે વધતા જતા કોરોનાના કેસના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આફ્રિકાના વેરિયેન્ટની રાજ્યમાં એન્ટ્રી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તાબડતોડ બેઠક બોલાવી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી 40થી વધુ પોઝિટિવ કેસ હર રોજ નોંધાઈ રહ્યા છે. જેના કારણે હાલ એપ્રિલ માસ બાદ પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા 349 પર પહોંચી છે.