ટેસ્ટીંગ બૂથ અને આરોગ્ય કેન્દ્રો પર કોરોના ટેસ્ટ માટે લોકોની લાઇનો લાગી
રાજકોટમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઇકાલે દિવસ દરમિયાન કોરોનાના 1,333 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 368 કેસ નોંધાતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તમામ આરોગ્ય કેન્દ્રો અને 7 ટેસ્ટીંગ બૂથ પર કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો લાગી રહી છે. જો કે, હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓને ખૂબ જ ઓછા પ્રમાણમાં દાખલ કરવા પડે છે. જે સૌથી સારી બાબત છે.
રાજકોટમાં ગઇકાલે કોરોના કુલ કેસનો આંક 50,000ને પાર થઇ ગયો હતો.ગઇકાલે દિવસ દરમિયાન કોરોનાના કુલ 1,333 કેસ નોંધાયા હતાં.
5265 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝીટીવીટી રેઇટ 25.23 ટકા જેવો રહેવા પામ્યો છે. કાલે 440 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દરમિયાન આજે બપોર સુધીમાં વધુ 368 કેસ નોંધાયા હતા. કુલ કેસનો આંક 51,220એ પહોંચી જવા પામ્યો છે. આજ સુધીમાં 44,867 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ રિક્વરી રેઇટ 87.79 ટકા જેવો રહેવા પામ્યો છે.