કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. નિષ્ણાંતોના મતે ત્રીજી લહેરની શરૂઆત થવાની તૈયારી છે. તેવામાં આ અરસામાં જ દુબઇમાં યોજાઈ રહેલ વૈશ્વિક કક્ષાનો એક્સપોના હવે વળતા પાણી શરૂ થઈ ગયા છે. દુબઇમાં વધુ કેસો આવવાના કારણે વિદેશી ડેલીગેટ્સની ગેરહાજરી જોવા મળી રહી છે. તેના કારણે પેવેલિયનો ખાલી થવા લાગ્યા છે.
બીજી તરફ ગુજરાત પણ ત્રિદિવસીય વાયબ્રન્ટ સમિટનું આગામી તા.10મી જાન્યુઆરી 2022થી આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનો ઉદઘાટન સમારોહ યોજાશે. 15 થી વધુ દેશો ક્ધટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત તા.1લી ડિસેમ્બર થી 12મી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં દર સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વના એમઓયુ કરી રહ્યા છે.
ઉપરાંત ગત તા. 8 અને 9 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીએ દુબઇ-અબુધાબી ખાતે રોડ શો યોજ્યો હતો. તેઓએ દુબઇ એક્સપોમાં જઈને રોકાણકારોને ગુજરાત વાયબ્રન્ટ સમીટમાં આકર્ષવાના પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત સરકારે હજારો અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ સમિટ માટે કામે લગાડ્યા છે. સમીટની તૈયારીઓ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
તેવામાં કોરોના પણ દિવસે દિવસે વધુ ફેલાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવનાર વાયબ્રન્ટ સમિટના આ ભવ્ય આયોજનને કોરોનાનું ગ્રહણ ન લાગે તેવા સરકાર પ્રયાસ કરી રહી છે. પણ કેસોમાં સતત વધારો થશે તો સમીટનું શુ થશે તેના ઉપર સૌની મીટ છે.