અબતક-રાજકોટ
દિવાળીના તહેવારોમાં દાખવેલી બેદરકારી અને ત્યારબાદ રાજકીય પક્ષો દ્વારા કોવિડ ગાઇડલાઇનના ઉલાળીયા સાથે યોજવામાં આવેલા સ્નેહ મિલનના કારણે રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. મહિનાઓ બાદ રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 54 કેસો નોંધાતા કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોવાની આશંકાથી લોકો રિતસર ફફડી રહ્યાં છે. જો કે વ્યાપક પ્રમાણમાં વેક્સીનેશનની કામગીરીના કારણે કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં ઘણા દિવસો બાદ બુધવારે કોરોનાના 54 કેસો નોંધાયા હતા. જેની સામે કાલે 16 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં હતા. કાલે અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં રાજ્યમાં સૌથી વધુ 28 કેસ મળી આવ્યા હતા. આ ઉપરાંત સુરત અને વડોદરા શહેર તથા જિલ્લામાં 7-7 કેસ, રાજકોટ શહેરમાં બે કેસ અને જિલ્લામાં એક કેસ નોંધાયો હતો.
અમદાવાદમાં સૌથી વધુ 28 કેસ, સુરત અને વડોદરામાં 7-7 લોકો થયા સંક્રમીત: રાજકોટ શહેરમાં બે સહિત જિલ્લામાં ત્રણ કેસ નોંધાયા: દિવાળીમાં દાખવેલી બેદરકારીના પાપે કોરોનાના કેસમાં અચાનક ઉછાળો
કચ્છમાં બે કેસ, ભરૂચ, જામનગર, જુનાગઢ, નવસારી, તાપીમાં એક-એક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 13 વર્ષના બાળકને કોરોના વળગ્યો હતો. જ્યારે લોધાવાડ ચોક નજીક મનહર પ્લોટ નજીક બે દિવસ પૂર્ણ જે પરિવારમાં કોરોનાના કેસ મળી આવ્યા હતાં ત્યા વધુ એક આધેડ મહિલા કોરોનાથી સંક્રમિત થવા પામી છે. ગઇકાલે રાજ્યમાં 16 લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં હતાં.
રાજ્યમાં ગઇકાલે એક જ દિવસમાં 4,25,721 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી 8,16,687 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. રિક્વરી રેઇટ 98.74 ટકા જેવો છે.રાજ્યમાં હાલ કોરોનાના 291 એક્ટિવ કેસ છે. જે પૈકી 8 દર્દીઓ વેન્ટીલેટર પર અને 283 દર્દીઓ સ્ટેબલ હાલતમાં છે. રાજ્યમાં આજ સુધીમાં કોરોનાથી 10090 લોકોનું નિધન થયું છે. રાજ્યમાં 7,57,33,872 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યો છે. વેક્સીનેશનના કારણે મોતનું પ્રમાણ ઘટ્યું છે. રાજકોટમાં દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રોજ કેસ નોંધાઇ રહ્યાં છે. હાલ શહેરમાં 19 કેસ એક્ટિવ છે.