સમગ્ર રાજ્યમાં મહિનાની શરૂઆતથી જ કોરોનાનો વિસ્ફોટ પાંચ ગણો: પરિસ્થિતિ ગંભીર
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓ અને રેલીઓની અસર વ્યાપક પ્રમાણે થઈ હોય તેમ કોલકત્તામાં દર બીજા વ્યક્તિએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યો છે. કોલકત્તા શહેર અને પરા વિસ્તારોમાં આરટીપીસીઆર કરાવનાર દર બે વ્યક્તિઓમાં એક વ્યક્તિને કોવિડ પોઝિટિવનો રિપોર્ટ આવી રહ્યો છે. રાજ્યમાં દર ચારે એકનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.
પશ્ચિમ બંગાળની આ મહામારી ચૂંટણીસભા અને રેલીઓને વકરાવી હોય તેમ છેલ્લા એક મહિનામાં પાંચ ગણો ઉછાળો નોંધાયો છે. કોલકત્તા અને આજુબાજુના વિસ્તારની લેબોરેટરીઓમાં 45 થી 55 ટકા ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. 5 ટકાથી વધીને દર્દીઓની સંખ્યામાં 24 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. એક લેબોરેટરી સાથે સંકળાયેલા તબીબે જણાવ્યું હતું કે, પશ્ર્ચિમ બંગાળમાં કોલકત્તાની પરિસ્થિતિ સૌથી વધુ જોખમી છે. રાજ્યના સરકારી હોસ્પિટલમાં સેવા આપતા ડોકટરે જણાવ્યું હતું કે, અત્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સૌથી વિકટ બની રહી છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો મળેલા આંકડાથી કોરોનાના દર્દીની સંખ્યા ખુબ વધુ હશે.
ઘણા દર્દીઓને કોઈપણ જાતના લક્ષણો હોતા નથી પરંતુ કોરોના હોય છે. ઓછા લક્ષણો દેખાતા દર્દીઓ ટેસ્ટ કરાવતા નથી પરંતુ તેમને પણ કોરોના પોઝિટિવ હોય છે. અમે તમામ દર્દીનું ટેસ્ટીંગ કરી શકતા નથી. હજુ ચકાસણીની પ્રક્રિયા અને ટકાવારી વધારવાની જરૂરીયાત છે. જો તમામની તપાસણી થાય તો કોરોનાનો આંક હજુ વધે તેવી દહેશત વ્યકત કરી છે.
1લી એપ્રીલે 25766 નમુનાઓ ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 1274 માં જ પોઝિટિવ આવતા 4.9 ટકા ટકાવારી હતી જ્યારે શનિવારે 55060 નમુના લેવાયા હતા. જેમાંથી 14281 એટલે કે, 25.9 ટકાને પોઝિટિવ આવ્યો હતો. પશ્ર્ચિમ બંગાળમાં કોરોના મહામારીની આ પરિસ્થિતિ આવનાર દિવસોમાં વધુ ઘાતક બને તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી.