દેશમાં કોરોના કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે. દિન-પ્રતિદિન કોરોના વધુ ઝડપે પ્રજાનો ભોગ લઈ રહ્યો છે. દેશભરમાં અગાઉ કરતા અનેક ગણી વધુ ઝડપે લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. અગાઉ જેટલી ઝડપે કોરોના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું હતું તેનાથી અનેકગણી વધુ ઝડપે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બરના રોજ 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840દર્દી સાજા થયા અને 477નાં મોત થયાં હતાં. એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રેકોર્ડ 50,438નો વધારો થયો છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કેસ મળી આવ્યા છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો સૌથી વધુ કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે પરંતુ ભારત હવે અન્ય દેશોની સાપેક્ષે અમેરિકા બાદ બીજો એવો દેશ છે કે, જ્યાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ નોંધાઇ રહ્યા છે.
સમગ્ર દેશમાં મહામારી ભયાનક બની ગઇ છે, પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંપૂર્ણ રીતે બેકાબૂ છે. અહીં નવા સંક્રમિત થયાના ડેટા રોજ નવા રેકોર્ડો બનાવી રહ્યા છે. રવિવારે રાજ્યમાં 57,074 કેસ નોંધાયા હતા. તેની તુલના ભારત સિવાય બીજા દેશોમાં રવિવારે મળી આવેલા કેસો સાથે કરીએ તો ફક્ત ફ્રાન્સ 60,922 જ આગળ હતું.
અત્યાર સુધીમાં દેશમાં લગભગ 1.26 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.17 કરોડ સાજા થયા છે અને 1.65 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 7.37 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. આ આંકડા સરકારની સતાવાર વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
એકબાજુ જ્યાં કુલ સંક્રમિત દર્દીઓમાં ભારત અમેરિકા બાદ બીજા ક્રમાંકે છે ત્યાં બીજી બાજુ ભારત નવા કેસ મુદ્દે અમેરિકા અને બ્રાઝિલને પાછળ ધકેલીને પ્રથમ નંબર પર આવી ગયું છે. ગત દિવસે અમેરિકામાં ફક્ત 37 હજાર અને (અનુ. આઠમા પાને)
બ્રાઝિલમાં 31 હજાર કેસ નોંધાયા હતા. જ્યારે ભારતમાં ફક્ત રવિવારે એક જ દિવસમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા હતા.
કોરોનાને કોઈ પણ વર્ગને બાકાત નથી રાખ્યો. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પછી ગોવિંદાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણને પણ સંક્રમણ લાગ્યું છે. તકલીફ વધી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આદિત્યની પત્ની શ્વેતા અગ્રવાલ પહેલાં પોઝિટિવ આવી હતી. તેઓ ઘરે આઇસોલેશનમાં છે.
ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો રવિવારે 2875 નવા કોરોના દર્દી મળી આવ્યા હતા. 2024 દર્દીઓ સાજા થયા, જ્યારે 14 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.18 લાખ લોકોને સંક્રમણની અસર થઈ છે, જેમાંથી 2.98 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4566 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 15135 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.
નાના શહેરો અને ગામડાંઓમાં કોરોના વકરતાં સ્વૈચ્છિક લોકડાઉન
જે રીતે સમગ્ર દેશમાં કોરોના કહેર મચ્યો છે તેનાથી નાના શહેરો-ગામડાઓ પણ બાકાત રહી શક્યા નથી. ત્યારે નાના શહેરો અને ગામડાઓમાં લોકો કોરોના પર નિયંત્રણ મેળવવા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લઈ રહ્યા છે. રાજ્યના અનેક હિસ્સાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન કરાયાંના સમાચાર મળી રહ્યા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુરતાલુકામાં વેપારીઓએ 15 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જ્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્રએ પણ દર રવિવારે લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ચરોતરમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરાઈ રહ્યું છે. અનેક શહેરો પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. મોરબી જેવા શહેરો પણ અડધા દિવસના લોકડાઉનમાં જોડાયા છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉનના ભયે પરપ્રાંતીયોની હિજરત
અગાઉ જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે અનેક પરપ્રાંતીયો ફસાઈ ગયા હતા. ત્યારે ફરી એકવાર સંક્રમણનો ભય અને આંશિક લોકડાઉનના નિર્ણયને કારણે પરપ્રાંતીયોને સંપૂર્ણ લોકડાઉનનો ભય સતાવી રહ્યો છે તેવા સમયે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મજૂરી કરતા અનેક કામદારો તેમના વતન તરફ દોડ્યા હતા. અહીં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના અનેક કામદારો રોજી માટે વસવાટ કરતા હોય છે ત્યારે લોકડાઉનની ભીતિએ આ મજૂરોએ વતન તરફ હિજરત શરૂ કરી દીધી છે. નાસિક બાર, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ સંજય ચવાને પણ પુષ્ટિ કરી છે કે, ઘણા કર્મચારીઓ વતન તરફ હિજરત કરી રહ્યા છે.
રાજકોટ એરપોર્ટવાળી અમદાવાદમાં થઈ
એરપોર્ટ ઓથોરીટી દ્વારા તમામ મુસાફરો પાસે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી કરાયો છે. ત્યારે જે મુસાફરો પાસે નેગેટિવ રિપોર્ટ ન હોય તેમની પાસે વધારાનો ચાર્જ વસુલ કરાઈ રહ્યો છે. જેના વિરોધમાં અગાઉ મુસાફરોએ રાજકોટ એરપોર્ટ પર ધમાલ મચાવી હતી. તેવી જ ધમાલ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે મચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 100 મુસાફરોથી ભરેલી ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ મુસાફરો પાસેથી નેગેટિવ રિપોર્ટની માંગણી કરવામાં આવી હતી જેના કારણે મુસાફરો વિફર્યા હતા. અનેક મુસાફરોએ ટેસ્ટ કરાવ્યા વિના જ એરપોર્ટનું પરિસર છોડી દીધું હતું.
નટચાલ ચાલતાં ઉધ્ધવે વચ્ચેનો રસ્તો કાઢયો
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઈને અટકળો વહેતી થઈ હતી. લોકડાઉન કરવું કે ન કરવું તેની મુંઝવણ પણ ઉદ્ધવ સરકારને સતાવી રહી હતી. કોરોના રોકવા લોકડાઉન જરૂરી હતું પરંતુ લોકડાઉન થતા પ્રજામાં રોષ ભભૂકી ઉઠવાની ભીતિ હતી અને જો પ્રજામાં રોષ વ્યાપે તો એનસીપી-શિવસેનામાં મતભેદ ઉભો થાય અને પરિણામે સરકાર પણ પડી જાય તેવી દહેશત ઉભી થઇ હતી ત્યારે ઉદ્ધવ સરકારે વચ્ચેનો રસ્તો કાઢી નટ ચાલ ચાલી છે. મહારાષ્ટ્રમાં રાત્રી કરફ્યુની સાથોસાથ દર શુક્રવારે સાંજથી માંડીને સોમવાર સવાર સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે તેમજ મોલ, મલ્ટીપ્લેક્ષ, શાળા-કોલેજ, બાર-રેસ્ટોરન્ટ પણ બંધ કરવાનો કરવાનો નિર્ણય કરાયો છે.