કોરોના કાળમાં લોક ડાઉનને લઈ બંધ પડેલા ઉદ્યોગ – ધંધાને કારણે લોકોના ખિસ્સા ખાલી થયા હતા એ બાબતથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ કોરોનાએ મનુષ્યની સાથે સાથે ભગવાનના ’ખિસ્સા’ પણ ખાલી કરી નાખ્યા હોય તેવી બાબત સામે આવી રહી છે. લોક ડાઉનને કારણે મોટા ભાગના મંદિરોમાં દાનની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોક ડાઉન અમલી બનાવાયું હતું. જેના કારણે તમામ ઉદ્યોગ – ધંધા બંધ પડ્યા હતા. જેની મોટી આર્થિક અસર થઈ હતી જેના પગલે તમામ ઉદ્યોગ ધંધાઓને અનલોકના તબક્કાવાર અમલવારી સ્વરૂપે પ્રથમ આંશિક છૂટ અને ત્યારબાદ સંપૂર્ણપણે છૂટ આપી ધમધમતા કરાયાં હતા પરંતુ હજુ સુધી મંદિર અને શ્રદ્ધાના કેન્દ્રો બંધ અવસ્થામાં છે. જેની સીધી અસર મંદિરમાં આવતા દાનને પહોંચી છે. મંદિરો બંધ હોવાથી મોટા ભાગના મંદિરોની દાનની આવકમાં આશરે ૪૦ થી ૫૦% જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
કોરોના કાળમાં ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી સોમનાથ – અંબાજી સહિતના મંદિરોમાં દાનની આવકમાં આશરે ૫૦%નો ધટાડો નોંધાયો છે. કોરોનાનહ ચક્ર એવું ફરી વળ્યું છે કે હવે મોટાભાગના લોકો ’પ્રે ફ્રોમ હોમ’ તરફ વળ્યાં છે. કારણ કે, અનલોક અંતર્ગત ધાર્મિક સ્થાનોના દ્વાર ખોલવામાં આવ્યા છે પણ સોમનાથ – અંબાજી સહિતના મંદિરોમાં કોરોના અગાઉની સરખામણી કરતા દર્શનાર્થીઓની સંખ્યામાં ૫૦% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓછા દર્શનાર્થીઓને પગલે મંદિરોમાં ભેંટ – દાનના પ્રમાણમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. અનલોક અંતર્ગત ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી આપવમાં આવી છે ત્યારથી મોટાભાગના મંદિરોમાં સોશ્યલડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુસર દર્શનાર્થીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્શનાર્થીઓને એક ચોક્કસ ટાઈમ સ્લોટ આપવામાં આવે છે અને તેમાં જ તે દર્શન કરવા માટે આવી શકે છે. જેના કારણે પણ મંદિરોમાં હવે અગાઉ કરતા મર્યાદિત દર્શનાર્થીઓ જોવા મળે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે કોરોના પૂર્વેની સ્થિતિની સાપેક્ષે ૫૦% વધુ દર્શનાર્થીઓની સંખ્યા ઘટી ગયો છે. કોરોના પૂર્વે મંદિરની આવક સરેરાશ રૂપિયા ૩.૫૦ કરોડથી વધુ હતું પરંતુ હવે મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા ત્યારથી ઓગસ્ટ માસના અંત સુધીમાં મંદિરની આવકમાં પણ ૫૦% જેટલો ઘટાડો નોંધાયો છે.
શક્તિપીઠ અંબાજીમાં સામાન્ય રીતે દર ભાદરવી પૂનમના મેળામાં આશરે ૨૫ લાખ લોકો દર્શનાર્થે ઉમટી પડતા હતા પણ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મેળો રદ્દ કરાયો હતો. કોરોના બાદ મંદિરના દ્વાર ખુલતા હાલ સુધી કુલ ૩ લાખ લોકોએ મંદિરના દર્શન કર્યા છે. દરરોજ જ્યાં આશરે ૭ હજાર દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હતા ત્યાં હવે ફક્ત ૩ હજાર લોકો જ આવે છે જેથી દર્શનાર્થીઓની સંખ્યમાં ૫૦% થી પણ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.