હોમ ટાઉન રાજકોટને કોરોના સામે લડવા માટે સીએમ રિલીફ ફંડમાંથી રૂ.૫ કરોડ ફાળવવાની જાહેરાત: કન્ટેનમેન્ટ ઝોનમાં તમામ લોકો અને સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ થશે
કેસોનાં સતત વધતા પ્રમાણ અને ઉપરથી તહેવારો નજીક આવી રહ્યા હોય, કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા હોય તે સહિતનાં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે ગહન ચર્ચા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતનાની રાજકોટમાં મેરેથોન મીટીંગ
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે જેને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન અને આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતનાં રાજકોટ દોડી આવ્યા છે. તેઓએ અહીં વિવિધ મુદ્દે સ્થાનિક અધિકારીઓ સાથે મીટીંગ યોજી રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરની વિગતો મેળવી હતી અને અધિકારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ બેઠક બાદ તેઓ વડોદરા જવા રવાના થવાના હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી. જેમાં ૫ કરોડ ફાળવવાની તેમજ કોરોનાના ટેસ્ટ ડબલ કરવાની જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્રમાં કોરોનાનાં વધતા જતા કેસોનાં લીધે સ્થિતિ વણસી રહી છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને મેળાવડા કરતા રોકવા તંત્ર પણ કપરુ સાબિત થનાર છે. બીજી તરફ કોરોનાથી લોકોને બચાવતા એવા કોરોના વોરીયર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપટે ચડી રહ્યા હોય આ વિષયે તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાની સ્થિતિ ઉપર કાબુ મેળવવાનો વ્યુહ ઘડવા અગાઉ આરોગ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવે પણ રાજકોટની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચના આપી હતી ત્યારબાદ આજરોજ હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, આરોગ્ય સચિવ જયંતી રવિ સહિતના રાજકોટ પહોંચ્યા છે.
આજરોજ સવારે ૧૦:૩૦ કલાકે ગાંધીનગરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવો રાજકોટ પહોંચ્યા હતા ત્યાંથી તેઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતનાં અધિકારીઓ તેમજ મેયર સહિતનાં પદાધિકારીઓ સાથે તેઓએ મેરેથોન મીટીંગ યોજી હતી જેમાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં લેવાયેલા પગલાની જીણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત હવે પછીનો એકશન પ્લાન પણ અધિકારીઓ પાસેથી જાણ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીને સ્વીકારીને જ હવે આગળ વધવું જોશે. આ લડાય ત્યારે જ જીતાશે જ્યારે લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે અને લોકોને ડરવાનું બંધ કરી દેશે. વધુમાં તેઓએ કહ્યું કે, ગુજરાત રાજ્યમાં મૃત્યુદર ૭ થી ઘટી ૪ ટકા થઈ ગયો છે. રાજકોટ અને વડોદરામાં કેસો સતત વધી રહ્યાં હોવાથી તેઓ હાઈ પાવર ડેલીગેશન સાથે બન્ને શહેરોની મુલાકાતે આવ્યા છે. જ્યાં સ્થાનિક અધિકારીઓ પાસેથી તેઓએ તમામ ઝીંણવટભરી માહિતી મેળવી હતી. આ ઉપરાંત આઈએમએ અને હોસ્પિટલના તબીબો સાથે તેઓએ બેઠક કરી હતી. તેઓએ ઉમેર્યું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ એકંદરે સારી છે. આઈએમએનો જે રિપોર્ટ પ્રસિધ્ધ થયો છે તેમાં ગુજરાતને બિરદાવવામાં આવ્યું છે. ગુજરાતે કોરોના સામે કરેલી કામગીરી અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની છે. અમદાવાદ પણ સારૂ ઉદાહરણ છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ હતા છતાં આજે આ મેગા સિટી ફરી ધમધમતુ થઈ ગયું છે.
મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં કહ્યું કે, સરકારે કોરોના સામેની લડતમાં બનતા તમામ પગલાઓ લીધા છે. જેના કારણે કોરોનાના કેસ ઉપર ઘણી રોક લાગી છે. લોકો ઝડપથી સારવાર મેળવે અને ઝડપથી સાજા તે માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં ૩૫૦૦ બેડની વ્યવસ્થા કરવાનું હાલ પ્લાનીંગ થઈ રહ્યું છે. આજે પણ રાજકોટમાં ૫૦ ટકા બેડ ઉપલબ્ધ છે. જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈએ મહત્વની જાહેરાત કરી હતી કે, રાજકોટમાં આવતીકાલથી કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવશે. ક્નટેનમેન્ટ ઝોનમાં પણ જરૂર પડ્યે બધાના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે તમામ સુપર સ્પ્રેડર્સના પણ ટેસ્ટ કરવામાં આવશે અને તેઓને પાસ પણ પુરો પાડવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએમ રીલીફ ફંડમાંથી રાજકોટને કોરોના સામેની લડાઈ માટે રૂા.૫ કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં બહારનાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પણ સારવાર મેળવવા માટે આવે છે. અહીં સૌરાષ્ટ્રભરમાં દર્દીઓ સ્વીફટ થાય છે ત્યારે રાજકોટની ભૂમિકા કોરોના સામેના જંગમાં અહમ ગણી શકાય તેમ છે માટે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત રાજકોટ ઉપર કરવામાં આવી રહ્યું છે માટે અગાઉ પણ બે સચિવો રાજકોટની મુલાકાત લઈ ચુકયા છે ત્યારે હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ૪ જેટલા સચિવો રાજકોટ આવ્યા છે. વધુમાં આ સમગ્ર કાફલો બપોરનાં સમયે વડોદરા જવા રવાના થશે ત્યાં પણ તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે.