સુરેશ રૈના, ગુરૂ રંધાવા, સુઝાન ખાનની અટક: જામીન આપવા પડ્યા
મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત ૨૭ સેલિબ્રિટીઝ અને ૭ સ્ટાફ સામે આઈપીસી કલમ-૧૮૮, ૨૬૯ અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં અનેક સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોની ધરપકડ પછી જામીન પર છોડી મૂકવામાં આવ્યાં છે.
દરોડા દરમિયાન ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા, સુઝાન ખાન (ઋતિક રોશનની એક્સ-વાઇફ) ત્યાં હાજર હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે એક મોટો ગાયક પણ દરોડા દરમિયાન પાછલા ગેટ પરથી ભાગી ગયો હતો. આમાં બાદશાહનું નામ પણ સામે આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, જેડબ્લ્યુ મેરિયોટ ખાતેની ડ્રેગન ફ્લાઇ ક્લબ પર ડીસીપી જૈન, પીઆઈ યાદવની ટીમે દરોડો પાડ્યો હતો. રાજ્યમાં હજી પણ લોકડાઉનના નિયમો ચાલુ છે. આ નિયમો અંતર્ગત, રાત્રે ૧૧ વાગ્યા પછી કોઈપણ પ્રકારની પાર્ટી અથવા જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે. આ પાર્ટીમાં દિલ્હીના ૧૯ લોકો હતા. અન્ય લોકો પંજાબ અને દક્ષિણ મુંબઈના હતા. તેમાંના મોટા ભાગના લોકોએ દારૂ પીધો હતો. સંયુક્ત પોલીસ કમિશનર વિશ્વાસ નાગર પાટીલે કહ્યું હતું કે, નક્કી કરાયેલા સમય બાદ નાઈટ પાર્ટી, બાર અને હોટલ્સ બંધ રાખવામાં આવશે. અમને આ પાર્ટીની જાણકારી મળી હતી, તેથી ડીસીપી રાજીવ જૈનના નેતૃત્વમાં એક ટીમને રેડ માટે મોકલાઈ હતી. એમાં ૩૪ લોકો પકડાયા હતા.