શહેરમાં જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં આર્થિકભીંસના કારણે આપઘાત અને આપઘાતના પ્રયાસની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રણુજાનગરમાં રહેતા આધેડે કોરોના કારણે આર્થિક સંકળામણના કારણે પાણી ભરેલા ખાડામાં ઝંપલાવી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. તો બીજા બનાવમાં દૂધની ડેરી પાસે રહેતા આધેડે આંશિક લોકડાઉનમાં બેરોજગાર બનતા વખ ઘોડ્યું હોવાનું તો ત્રીજા બનાવમાં આંબેડકરનગરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા વિસ્તારમાં રણુજાનગરમાં રહેતા અને દૂધનો ધંધો કરતા દિનેશભાઇ હિરાભાઈ મૂંધવા નામના 42 વર્ષના આધેડે કિસાન ગૌશાળા પાસે આવેલા પાણીના ખાડામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ દિનેશભાઇ મૂંધવા કોરોનાના કારણે દૂધના ધંધામાં આર્થિક ખેંચતાણ અનુભવતા હોવાથી જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આધેડે ઘરેથી જ કહીને નીકળ્યા હતા કે ’હું મરવા જાવ છે.’ તેવું પણ પોલીસમાંથી જાણવા મળ્યું છે. દિનેશભાઇ મૂંધવાના આપઘાતથી ત્રણ પુત્રી અને બે પુત્ર પરથી પિતાની છત્રછાયા ઉઠી જતા પકરીવારમાં આક્રંદ છવાયો છે.
તો અન્ય બનાવમાં દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતા અને સિટિબસમાં દ્રાઇવર તરીકે ફરજ બજાવતા સિકંદર ગુલામહુસૈન પરમાર નામના 45 વર્ષના આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને વાહનના હપ્તા ચડી જતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.તો વધુ એક બનાવમાં થોરાડા આંબેડકરનગર વિસ્તારમાં રહેતા પરેશ રણછોડભાઈ ચાવડા નામના 22 વર્ષીય યુવાને ફીનાઇલ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ થોરાડા પોલીસને થતા તુરંત સિવિલ હોસ્પિટલ પહોંચી યુવાનની પૂછતાછ કરી હતી. જેમાં પરેશ ચાવડાએ જણાવ્યા મુજબ પોતાને ઘણા સમયથી કઈ કામ ન મળતું હોવાથી બેકારીથી કંટાળી આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.