જલારામધામના દરવાજા તો બંધ થયા પણ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવભેર અહીં માથુ ટેકવી પોતાના ઓરતા કરે છે પૂર્ણ
ભાવે ભાવના ભાવિએ, ભાવિએ દીજીએ દાન, ભાવે ધર્મ અરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન
ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. તેને સોના ચાંદીના ઘરેણાં, મસમોટી રકમના દાનની શુ જરૂર… બસ જો ભાવથી માનીએ તો સર્વત્ર ભગવાન છે જ. આવો જ કિસ્સો જલારામધામ મંદિરમાં જોવા મળી રહ્યો છે. જલારામધામના દ્વાર કોરોનાના કારણે બંધ થઈ ગયા છે. પણ ભાવિકો હજુ પણ અહીં આવી રહ્યા છે અને ભાવથી દરવાજા સમક્ષ માથું ટેકવી પોતાના ઓરતા પુરા કરી રહ્યા છે.
એકલવ્યએ મૂર્તિને ગુરુ બનાવીને વિદ્યા મેળવી હતી. તેનો ગુરુ પ્રત્યેનો જે ભાવ હતો તે ભાવ કોઈ વ્યક્તિમાં આવી જાય તો બેડો પાર થઈ જાય. આમ સૌથી ઉપર ભાવ છે.ભગવાન નિરાકાર છે. તેમનો કોઈ આકાર નથી. હવાને જેમ જોઈ શકાતી નથી માત્રને માત્ર મહેસુસ કરી શકાય છે. તેમ ભગવાનને પણ જોઈ શકાતા નથી. માત્રને માત્ર મહેસુસ કરી શકાય છે.
ભાવે ભાવના ભાવીએ, ભાવીએ દીજીએ દાન, ભાવે ધર્મ અરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન આ ઉક્તિ ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે.
ભગવાન ભાવનો ખૂબ ભૂખ્યો છે. જેનું સૌથી ઉત્તમ દ્રષ્ટાન્ત રામાયણમાં શબરીની ઘટના છે. શબરીનો ભાવ જોઈને ભગવાન રામને તેમના એઠા બોર ખાવા પડ્યા હતા.
આજનો માનવી ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે ને માણસ ઉપર શ્રદ્ધા રાખે છે. આના લીધે જ સમસ્યાઓ શરૂ થાય છે. કારણકે ભગવાન ઉપર વિશ્વાસ નહિ શ્રદ્ધા રાખવાની હોય. જ્યારે મનુષ્ય ઉપર શ્રદ્ધા નહિ વિશ્વાસ રાખવાનો હોય.
આત્મા જ પરમાત્મા છે. માટે આત્માઓને એટલે કે બીજા જીવોને ખુશ કરીએ એટલે ભગવાનને ખુશ કરવા બરાબર છે. ભગવાન માત્ર મંદિર પૂરતા જ સીમિત નથી. દરેક જીવમાં વસેલા છે. માટે કોઈ જીવને હાનિ ન પહોંચડીયે અને જરૂરત પડ્યે મદદ માટે તત્પર રહીએ તેનાથી વિશેષ કાંઈ નથી.
હાલ કોરોનાની મહામારીએ મંદિરોના દરવાજા બંધ કરી દીધા છે. પણ ભાવિકોના ભાવ હજુ પણ યથાવત છે. મંદિરો ભલે બંધ રહ્યા પણ લોકોના ભાવના દરવાજા હજુ ખુલ્લા જ છે. કોરોનાના કાળમાં લોકોની આ ભાવના જ લોકોની શક્તિ બની છે અને આ ભાવ જ કોરોનાને ખતમ કરવાનો છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે ભાવિકો મંદિરે જતા બંધ થયા છે. પણ પોતાના ઘરેથી કે અન્ય સ્થળેથી ભગવાનને યાદ કરવાનું ભૂલતા નથી. આ ભાવ છે જે ભગવાન પ્રત્યેનો તે અત્યારની કપરી પરિસ્થિતિમાં પણ અકબંધ છે.