ધનસુખ ભંડેરી, જયમીન ઠાકર બાદ હવે પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે ગયેલા શહેર ભાજપના એક પછી એક નેતાઓ કોરોનાના સંકજામાં સપડાઇ રહ્યા છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લને પણ કોરોના વળગ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેશન હેઠળ છે.
બીજી લહેરમાં પણ તેઓ સંક્રમિત થયા હતાં. શહેરમાં ગઇકાલે કોરોનાના 378 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં 125 કેસો નોંધાયા છે.યુપી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાતના ઘણા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં રાજકોટના પણ ચાર નેતાઓને ખાસ જવાબદારી સુપરત કરવામાં આવી હતી.
યુપી પ્રચારમાં ગયેલા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી કોરોનાથી સંક્રમિત થયા બાદ બે દિવસ પૂર્વે કોર્પોરેશનની સમિતિના પૂર્વ ચેરમેન અને વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર બીજી વખત કોરોનાના સંકજામાં સપડાયા હતાં. દરમિયાન આજે સવારે પૂર્વ કોર્પોરેટર કશ્યપ શુક્લનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થઇ ગયા છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ 125 કેસ નોંધાયા છે.
કલેક્ટર કચેરીના વધુ 3 કર્મચારીઓ થયા સંક્રમિત
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં અગાઉ કલેક્ટર કચેરીના એક મામલતદાર કોરોનાથી સંક્રમિત થયા બાદ વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ શાખા, હિસાબી શાખા અને રેકોર્ડ શાખાના એક-એક કર્મચારીઓને કોરોના વળગ્યો છે. જો કે કલેકટર કચેરીમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ તમામ તકેદારી રાખવામાં આવતી હોવા છતાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી ચોકમાં કોરોના ટેસ્ટીંગ બૂથ શરૂ કરાયા
શહેરમાં અલગ-અલગ 7 સ્થળોએ ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હાલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ 5 સ્થળોએ કોરોના ટેસ્ટીંગ બૂથ ચાલી રહ્યા છે. દરમિયાન સતત કેસમાં વધારો થઇ રહ્યો હોવાના કારણે ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી સર્કલ ખાતે વધુ બે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. ગત મહિને શહેરના રૈયા સર્કલ, કેકેવી ચોક, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોક ખાતે કોરોના ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા હતાં. દરમિયાન આજથી વધુ બે બૂથ શરૂ કરાયા છે. જેમાં ભક્તિનગર સર્કલ અને સોરઠીયાવાડી સર્કલ ખાતે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. જો જરૂર જણાશે તો આગામી દિવસોમાં ટેસ્ટીંગ બૂથની સંખ્યા પણ વધારવામાં આવશે.
વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા નગરસેવકોને જ જનરલ બોર્ડમાં એન્ટ્રી આપવાની વિચારણાં
સંક્રમણ ખાળવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પ્રશ્ર્નોત્તરીમાં જે વિભાગનો પ્રશ્ન ચર્ચામાં હશે તે વિભાગના અધિકારીઓને ગૃહમાં પ્રવેશ અપાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી બુધવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં વેક્સીનના બંને ડોઝ લેનાર નગરસેવકને જ સભાગૃહમાં એન્ટ્રી આપવાની વિચારણાં ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન કોરોનાની મુખ્ય એવી સોશિયલ ડિસ્ટન્સ ગાઇડલાઇનનો પાલન થાય તે માટે સભાગૃહમાં જે વિભાગના પ્રશ્નની ચર્ચા ચાલી રહી હોય તે વિભાગના અધિકારીઓને ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. તેમ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું. હાલ મહાપાલિકામાં વેક્સીનના બંને ડોઝ લેનાર અરજદારોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ નિયમ નગરસેવકો માટે પણ લાગૂ કરવામાં આવશે. જેમાં વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેવા નગરસેવકોને જ જનરલ બોર્ડમાં પ્રવેશ આપવા અંગેની વિચારણાં ચાલી રહી છે.