નાનકડા એવા કોરોના વાયરસે વિશ્ર્વ આખાને હતપ્રત કરી દીધું છે. છેલ્લા એક વર્ષ જેટલા સમયથી વિશ્ર્વ મહામારીના કપરાકાળમાં સપડાયું છે. આમાથી ઉગરવાનાં પ્રયાસ રૂપે મોટાભાગના તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ તો થઈ ગઈ છે. પણ આ વચ્ચે કેસ ફરી ખૂબ ઝડપથી વધતા વિશ્ર્વ આખુ ઉચ્ચાટ થઈ ઉઠ્યું છે. એમાં પણ કોરોનાએ કાકીડાની જેમ કલર બદલતા જોખમ વધુ વધ્યું છે.વાયરસના બે તબકકા પસાર થયા બાદ ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. જે અગાઉની સ્થિતિની તુલનાએ વધુ ખતરનાક નીવડી શકે છે. જો ભારતમાં આ ત્રીજી લહેર દસ્તક દેશે તો વ્યાપક-વસ્તી ધરાવતા આપણા આ દેશમાં પરિસ્થિતિ કાબુમાં લેવીખૂબ અધરી પડી જશે. ફરી ‘લોકડાઉન’ જેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નહીં. વધતા વાયરસે મોદી સરકારને પૂન: એકશનમાં લાવી દીધી છે. ઝડપભેર કેસ વધતા આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનોતાગ મેળવ્યો હતો અને મહત્વના મૂદાઓ અંગે ચર્ચા કરી ફરજીયાત કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા પ્રધાનમંત્રી મોદીએ રાજયોને સૂચિત કર્યા છે.
ઉલ્લેખનીય છેકે, થોડા સમય અગાઉ કોરોનાએ ભારતભરમાંથી બ્રેક લઈ લીધો હતો. કોરોનાના કેસ એકંદરે ઘટયા હતા. તો મૃત્યુદર પણ ઘટી ગયો હતો. પરંતુ હાલ ફરી કોરોનાએ માથુ ઉંચકતા પરિસ્થિતિ ગંભીર બની છે. આ પાછળનાં મુખ્યકારણો જોઈએ તો કોરોના વધી ગયો છે. તેમ માની સંક્રમણનાં ભય વગર રહેવું, નિયમોનો ઉલાળિયો કરવો, સંક્રમણમાં આવ્યા બાદ પણ કાળજી ન રાખવી વગેરે છે. કોરોનાના વધતા કેસ માત્ર લોકોની જ બેવકૂફી નથી આ માટે નેતાઓ અને રાજકારણીઓ પણ કારણભૂત છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ કેસમાં સતત ઉછાળો થયો છે. ચૂંટણી પ્રચારની પાર્ટીઓ, જાહેર મેળાવળો વગેરેએ કોરોનાને ફરી આમંત્રણ આપી નિદોર્ષ જનતાને પણ જોખમમાં મૂકી છે.આવું જ હાલ આગામી પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં બની રહ્યું છે. પશ્ર્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટકમાં રેલીઓ યોજાઈ રહી છે.કોરોનાના ભરડા વચ્ચે ‘બેખોફ’ લોકો પણ ઉમટી પડે છે. સત્તાના લાલચી નેતાઓ જ નિયમોનું ભાન ભૂલી સરેઆમ ઉલાળીયો કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચાર જ ભારતમાં વધુ કોરોનાનો ફેલાવો કરાવે તો નવાઈ નહીં.
ફ્રાંન્સ સહિતના યુરોપીયન દેશોમાં કોરોનાનો ફેલાવો ખૂબ વધુ ઝડપે થઈ રહ્યો છે. જો ભારતમાં સાવધાની નહી વર્તાયં તો આવું ચિત્ર અહી પણ ફરી ઉદભવતા વાર નહીં લાગે ફ્રેંન્ચ વડાપ્રધાન જેન કાસ્ટેક્ષે કહ્યું કે,ફ્રાંન્સ કોવિડ મહામારીની ત્રીજી લહેરમાં સપડાઈ ચૂકયો છે.સાત દિવસની સરેરાશે કેસ 25 હજારથી વધુ વધી રહ્યા છે. ગત વર્ષનાં 20 નવેમ્બરથી અત્યાર સુધીનાં આ સૌથી વધુ કેસ છે.દરરોજ 4.5 ટકા કેસ વધી રહ્યા છે.