આ સમયગાળામાં દરમિયાન લોકો ઘરનો ખોરાક લેવા પ્રેરીત થયા
કોરોનાના કારણે સમગ્ર વિશ્ર્વમાં મહામારી ફેલાય છે અને વિશ્ર્વ આખુ લોકડાઉન થઈ ગયું છે ત્યારે ભારત દેશમાં વસતા લોકો સાર્વત્રિક રીતે ઘરનો ખોરાક ખાવાના બદલે આચર-કુચર ખોરાક ખાતા નજરે પડતા હોય છે પરંતુ કયાંકને કયાંક કોરોના વાઈરસે લોકોને ખોરાક લેવાની પઘ્ધતિમાં બદલાવ લાવી દીધો છે અને આ સમયગાળામાં લોકો ઘરનો ખોરાક લેવા જ પ્રેરીત થયા છે. છેલ્લા અનેક સપ્તાહમાં લોકોની જીવનશૈલીમાં પણ ઘણાખરા અંશે બદલાવ જોવા મળ્યો છે. કોરોના વાયરસની ભીતિ સેવાતા લોકો સતર્કતા દાખવી રહ્યા છે અને તેમનાં ખોરાકમાં બદલાવ પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કયાંકને કયાંક લોકોની ફુડ હેબિટમાં પણ ઘણોખરો બદલાવ જોવા મળ્યો છે.
લોકો કોરોનાના કહેર વચ્ચે ઘરનો ખોરાક લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કોરોના પહેલા ૩૨ ટકા લોકો હોટલનું ખાવાનું વધુ પસંદ કરતા હતા તેમ રીપોર્ટમાં પણ સ્પષ્ટતા થઈ છે. રોજબરોજ ઘરનો ખોરાક આરોગવાથી ત્રસ્ત થઈ લોકો હોટલનું જમવા પ્રેરીત થયા હતા અને કયાંકને કયાંક ટેસ્ટમાં બદલાવ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ આ સમયગાળામાં લોકોને રેસ્ટોરન્ટ કે હોટલનું જમવાનું ન મળતા તેઓ હવે ઘરનો ખોરાક ખાવા પ્રેરિત થયા છે.
એવી જ રીતે કોરોના વાયરસનાં ડર વચ્ચે લોકો સ્વાસ્થ્યવર્ધક ખોરાક લઈ રહ્યા હોવાનું સામે આવતા તેમની રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો થયો હોવાથી ઘણો ખરો બદલાવ પણ જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં કોરોના વાયરસનાં પગલે લોકોની ખોરાક લેવાની પઘ્ધતિમાં પણ ઘણો ખરો ફેર પડયો છે જયારે બીજી તરફ વાયરસનાં ડરનાં કારણે તેઓ સ્વાસ્થ્યવર્ધક ખોરાક જેવા કે લીલા શાકભાજી, ફ્રુટો ખાવાનું વધુ પસંદ કરે છે જેથી તેઓને ફુડ પોઈઝનીંગ જેવી તકલીફનો સામનો પણ ન કરવો પડે.
ભારત દેશમાં કોરોનાના પગલે નોનવેજ ખોરાક પર જાણે સ્વયંભુ લોકોએ જ પ્રતિબંધ લાદયો હોય તેવું લાગી રહ્યું છે. લોકડાઉન અને કોરોના વાયરસ પૂર્વે દેશમાં નોનવેજનું પ્રમાણ ખરાઅર્થમાં વધુ જોવા મળતું હતું પરંતુ કોરોના વાયરસ ફેલાવતા નોનવેજ પ્રત્યે લોકોને જાણે અરૂચી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એવી જ રીતે લોકોએ ઘરનું દેશી અને સાત્વિક ખોરાક ખાવાનું પસંદ કરતા હકારાત્મક વલણ પણ ફુડ હેબિટમાં દાખવી રહ્યા છે.
ઘરનો ખોરાક ખાવાથી તેઓને ઘણીખરી તકલીફોમાંથી નિરાંત પણ મળી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. આ મુદ્દે સર્વે હાથ ધરાતા કોરોના વાયરસે લોકોનાં ખોરાક લેવાની પઘ્ધતિમાં બદલાવ લાવ્યો છે તે વાત પુરવાર થાય છે.