કોરોના નાબુદી તરફ આગેકૂચ: છેલ્લા 24 કલાકમાં
ગુજરાતમાં નવા કેસ 6% ઘટ્યા, મૃત્યુદર 11% ઘટ્યો
કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા વિશ્ર્વભરના દેશો, વૈજ્ઞાનિકો-ડોકટરો સતત પ્રયાસમાં જુટાયા છે. કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કાળો આતંક વરસાવી દીધો છે. પરંતુ હાલ ભારત અને ગુજરાતની કોરોનાની સ્થિતિ વિપરીત દિશામાં જઈ રહી હોય તેવું લાગે છે. દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.તો સામે ગુજરાતમાં કેસ ઘટતાજઈ રહ્યા છે.‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ હોય તેમ પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકનાં સમય ગાળામાં રાજયના નવા કેસ 6 ટકા ઘટી ગયા છે. આ ઘટાડો ભલે નજીવો એવો છે. પરંતુ તે કોઈ મોટી રાહતથી કમ નથી. એમાં પણ રાજયમાં સૌથી વધુ કેસ ઘટયા હોય તો તે છે. રંગીલુ રાજકોટ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં એક જ દિવસમાં નવા કેસમાં 34 ટકાનો જબરદસ્ત ઘટાડો થયો છે.
વસ્તીની દ્રષ્ટિએ કોરોના કેસમાં નંબર વન રહેનાર રંગીલું રાજકોટ
રીક્વરી રેટમાં પણ આગળ: એક જ દિવસમાં કેસમાં 34%નો ઘટાડો
નવા કેસમાં સદંતર ઘટાડો થતા મૃત્યુદર પણ ઘટયો છે. છેલ્લા 20 કલાકમાં મોતનો આંકડો 11 ટકા ગગડી ગયો છે. છેલ્લા થોડા સમયથી કોરોનાના બીજા તબકકાએ જે આતંક મચાવી રાખ્યો હતો. તેમાંથી હવે, ઉગરવાનો સમય નજીક આવી ગયો છે. રાજકોટમાં કેસમાં 34 ટકા તો, ત્યારબાદ સુરતમાં 16.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે અમદાવાદમાં 6 ટકા, વડોદરામાં 4.4 ટકા કેસ ઘટયા છે. કેસ ઘટાડાની સાથે રીકવરી રેટ પણ વધ્યો છે. રાજયમાં એક જ દિવસમાં 1831 દર્દીઓ સાજા થઈ ડિસચાર્જ થયા છે. વસ્તીની દ્રષ્ટિએ કોરોના કેસમાં નંબરવન રહેનાર રંગીલુ રાજકોટ રાજયમાં રીકવરી રેટમાં પણ આગળ છે. હાલ, હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની કતારો વિખેરાઈ છે. ઉલ્લેખનીય છે કે, પંદરેક દિવસથી કોરોનાએ જે રફતાર પકડી હતી તેનું સૌરાષ્ટ્રભરનું સંપૂર્ણ ભારણ રાજકોટ પર આવી પડયું હતુ. સિવિલમાં ખાટલા ખુટી પડયા હતા પરંતુ લોકોની જાગૃકતા, તંત્રની સતકર્તા અને સમાજ શ્રેષ્ઠીઓના લોકોની મદદે આવવાના પ્રયાસોએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને આ કપરી પરિસ્થિતિમાંથી ઉગાર્યુ છે.