અમદાવાદ, વડોદરા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 33 કેસ નોંધાયા: કોવિડના કેસમાં સતત વધારાથી સરકારની ચિંતા પણ વધી
ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા થોડા દિવસોથી સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં 41 ટકાના વધારા સાથે કોરોનાના 33 કેસ નોંધાતા સરકારની ચિંતા પણ વધી ગઇ છે. અમદાવાદ, વડોદરા અને જામનગર કોર્પોરેશન વિસ્તાર સિવાય રાજ્યના એકપણ જિલ્લા કે મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા નથી તે સૌથી મોટી રાહત રહી છે. એક્ટિવ કેસનો આંક 173 આંબી ગયો છે.
એક દર્દી વેન્ટીલેટર પર છે. મંગળવાર કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. ગુજરાતમાં મંગળવારે દિવસ દરમિયાન કોરોનાના નવા 33 કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 24 કેસ, વડોદરા કોર્પોરેશનમાં નવા 8 કેસ અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં નવો એક કેસ નોંધાયો છે. અમદાવાદમાં સતત સંક્રમણ વધી રહ્યું છે જે ચિંતાનો વિષય છે. રાજ્યમાં ગઇકાલે 18 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. અત્યાર સુધીમાં 1213446 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
કોરોનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં 10944 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સોમવારે 23 કેસ નોંધાયા બાદ મંગળવારે કોરોનામાં 41 ટકાનો વધારો નોંધાયો હતો અને નવા 33 કેસ નોંધાતા નવેસરથી ઉપાધી ઉભી થવા પામી છે. રાજ્યમાં કોરોનાથી ચોથી લહેરનો શરૂ થઇ ગઇ નથીને? તેવી દહેશતથી રાજ્યવાસી ધુ્રજી રહ્યા છે.
કોરોનાની ચોથી લહેરને ઉગતી જ ડામી દેવા સરકાર પણ સજ્જ બની ગઇ છે. રાજ્યવાસીઓએ પણ થોડી સાવધાની રાખવી પડશે.