આજથી માત્ર 22 આરોગ્ય કેન્દ્રો પર જ 22 ધન્વંતરી અને સંજીવની રથ રહેશે કાર્યરત: 28મીથી તમામ સ્ટાફ અને રથને કરી દેવાશે બંધ
અબતક, રાજકોટ
શહેરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજથી શહેરમાં 127 ધન્વંતરી-સંજીવની રથ બંધ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે આરોગ્યના 50% સ્ટાફને છૂટ્ટો કરી દેવામાં આવ્યો છે. હાલ માત્ર 22 આરોગ્ય કેન્દ્રો ખાતે જ 22 રથ કાર્યરત રાખવામાં આવ્યા છે. 28મીથી તમામ સ્ટાફને છૂટ્ટો કરી રથ પણ બંધ કરી દેવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરમાં શહેરીજનોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે આરોગ્ય શાખા દ્વારા 100 ધન્વંતરી રથ અને 49 સંજીવની રથ શરૂ કરવામાં આવ્યા હતા.
જેમાં 121 આયુષ મેડિકલ ઓફિસર અને 99 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી હતી. હવે કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે પૂર્ણ થવા તરફ છે. આજથી 149 પૈકી 127 ધન્વંતરી અને સંજીવની રથ બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર 22 આરોગ્ય કેન્દ્રો પર એક-એક રથ ચાલુ રાખવામાં આવ્યા છે. 121 પૈકી 61 આયુષ એમ.ઓ. અને 99 પૈકી 50 હેલ્થવર્કરને છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે. જે રીતે દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તે જોતા આગામી 28મી ફેબ્રુઆરીથી તમામ રથ બંધ કરી દેવામાં આવશે અને હેલ્થના સ્ટાફને પણ છૂટ્ટો કરી દેવામાં આવશે.