સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજનામાંથી કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ તંત્ર એલર્ટ: કિશોરી સન સીટી રેસીડેન્સીમાં અનેક ઘરોમાં ઘરકામ માટે જતી હોવાનું બહાર આવ્યું
ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટ શહેરમાં મળી આવ્યો હતો. છેલ્લા બે માસ દરમિયાન શહેરમાં કોરોનાનાં ૭૬ કેસો મળી આવ્યા છે જે પૈકી મોટાભાગનાં કેસો શહેરનાં એકમાત્ર વિસ્તાર જંગલેશ્વરમાંથી મળી આવ્યા હતા દરમિયાન ગઈકાલે રાત્રે ન્યુ રાજકોટનાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર આવાસ યોજનામાંથી એક કિશોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રનું ટેન્શન વધી જવા પામ્યું છે. આજે ગુરૂજીનગર આવાસ યોજનામાં આવેલા ૬૬ ઘરો અને ૧૯૧ વ્યકિતઓને કલસ્ટર કવોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ કિશોરી કયાંથી સંક્રમિત થઈ તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજનામાં ભારતીબેન દિપકભાઈ આહુજી નામની ૧૬ વર્ષની નેપાળી કિશોરીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ કિશોરી કોઈ કોરોના પોઝીટીવ વ્યકિતનાં સંપર્કમાં પણ આવી ન હતી કે ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવતી નથી. મહાપાલિકાનાં આરોગ્ય કેન્દ્રમાં તાવની તપાસ માટે આવ્યા બાદ તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેના કોન્ટેકમાં આવેલા ૧૬ વ્યકિતઓને પણ સમરસ હોસ્ટેલમાં કવોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય શાખા દ્વારા ગુરૂજીનગર આવાસ યોજનામાં કુલ ૬૬ ઘર અને ૧૯૧ વ્યકિતઓને કલસ્ટર કવોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. કિશોરી સાધુ વાસવાણી રોડ પર આવેલી સનસીટી રેસીડેન્સીમાં ઘરકામ માટે જતી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત તેમનાં માતા-પિતા એક બાંધકામ સાઈટ પર કામકાજ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. કિશોરીનાં સંપર્કમાં આવેલા સનસીટીનાં રહેવાસીઓ કોરોના સંક્રમિત નથી તેની તપાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે. ૫૦ દિવસથી વધુ સમયગાળા બાદ રાજકોટમાં ક્ધટેન્મેન્ટ વિસ્તારની બહાર કોરોનાનો પોઝીટીવ કેસ મળી આવતા મહાપાલિકાનું ટેન્શન વધી ગયું છે. લોકડાઉનમાં એક તરફ ભારે છુટછાટ આપવામાં આવી છે તો બીજી તરફ નવા વિસ્તારમાં કોરોનાનો કેસ મળી આવતા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.