મહારાષ્ટ્ર, ગુજરાત બાદ મધ્યપ્રદેશ રેડ ઝોનમાં
દેશમાં એક જ દિવસમાં ૧૨૬૦ કેસ નોંધાતા તંત્ર ધંધે લાગ્યું : કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યા શહેરી વિસ્તારોમાં વધી
દેશમાં કોરોના વાયરસનો સકંજો કસાઈ રહ્યો છે. નવા કેસની સંખ્યા ૧૩૦૦૦ને પાર થઈ જતાં આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસની સંખ્યા સતત વધતી હોય ચિંતાના વાદળો વધુ ગાઢ બન્યા છે. ૨૪ કલાકમાં દેશમાં ૧૨૬૦ કેસ આવ્યા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેસ સતત વધી રહ્યાં હોવાના કારણે રેડ ઝોન વિસ્તારોમાં લોકડાઉન વધુ સખત બનાવવામાં આવ્યું છે.
આંકડા મુજબ મધ્યપ્રદેશમાં કોરોનાના એક જ દિવસમાં ૩૬૧ કેસ નોંધાયા હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ૨૮૬ કેસ નોંધાતા દેશમાં કુલ આંકડો ૧૩૫૦૦ને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસ ૩૦૦૦થી વધ્યા છે અને આગામી ૪ દિવસમાં વધુ ૧૦૦૦ કેસ નોંધાય તેવું માનવામાં આવી રહ્યું છે. મુંબઈ સહિતના શહેરમાં કોરોનાના સંક્રમણની રફતાર વધી રહી છે. ગુજરાતના અમદાવાદ, સુરત,બરોડા અને રાજકોટમાં કોરોનાના કેસ થંભવાનું નામ લેતા નથી.
વિગતો મુજબ મધ્યપ્રદેશમાં એકાએક કોરોના વાયરસના કેસમાં ઉછાળો જોવા મળતા ટોચના રાજ્યોમાં મધ્યપ્રદેશનું સ્થાન આવી ગયું છે જે ખુબજ ગંભીર બાબત છે. દિલ્હીમાં પણ કોરોનાના કેસની સંખ્યા એકાએક વધી જવા પામી છે. અલબત દેશભરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેશીયો ૧૦ ટકા જેટલો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યાં છે. કેરળમાં સૌથી વધુ રિકવરી થઈ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ રિકવરી થઈ હોય તેવા દર્દીઓની સંખ્યા ૨૪૫થી વધુ છે. ત્યારબાદ તેલંગણામાં ૧૮૬ દર્દીઓ રિકવર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તામિલનાડુમાં ૧૮૦, મહારાષ્ટ્રમાં ૧૬૦, રાજસ્થાનમાં ૧૬૪ અને દિલ્હીમાં ૫૧ દર્દીઓ કોરોનાનો ચેપ લાગ્યા બાદ રિકવર થયા હોવાનું જાણવા મળે છે.
નોંધનીય છે કે, વિશ્ર્વભરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પેન, ઈટાલી અને ચીન જેવા વિકસીત દેશ કોરોના સામે ઘુંટણીએ પડી ગયા હોવાનું સામે આવ્યું છે. ઈટાલીમાં અને સ્પેનમાં હજ્જારો લોકોના મોત કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ થયા છે. ચીનમાં શ થયેલા આ વાયરસે હજ્જારો લોકોના મોત નિપજાવ્યાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં વસ્તીના પ્રમાણમાં સૌથી મોટા દેશ ગણાતા ભારતમાં કોરોના વાયરસ મોટી તબાહી સર્જે તેવી દહેશત હતી. પરિણામે દેશમાં પ્રારંભીત તબક્કે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ હતી. ત્યારબાદ લોકડાઉનની અવધી વધારી ૩ મે સુધી કરવામાં આવી હતી. અલબત લોકડાઉન દરમિયાન પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે જે ખુબજ ચિંતાનો વિષય છે. વર્તમાન સમયે દેશમાં વિવિધ જિલ્લાઓને ત્રણ ભાગમાં જેમ કે લાલ, લીલા અને પીળા ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. જેના પરથી લોકડાઉનમાં છુટછાટ અપાશે. અલબત આ છુટછાટ વધુ ગંભીર સ્થિતિ ઉભી ન કરે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
મુંબઈમાં ધારાવી જેવા વિસ્તારમાં કોરોનાના નવા ૧૧ કેસ સામે આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ધારાવી ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ કુલ ૭૧ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેની સાથો સાથ હવે મોતનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. મહારાષ્ટ્રની જેમ મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કેસનો સતત વધારો જોવા મળી રહ્યો છે.
વર્તમાન સમયે કોરોના વાયરસના કેસની સંખ્યા ૧૪ હજાર નજીક પહોંચી જતા આરોગ્ય મંત્રાલય પણ ચિંતામાં મુકાઇ ગયું છે. દેશમાં લોકડાઉન હોવા છતાં કેટલાક બેખૌફ લોકોના કારણે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે તે વિસ્તારને રેડઝોન અથવા હોટસ્પોટ જાહેર કરી ગતિવિધિઓને નિયંત્રીત કરવાનું કામ સરકાર દ્વારા થઇ રહ્યું છે. આવા સંજોગોમાં કેસની સંખ્યા ઘટવી જોઇએ પરંતુ સતત વધારો થઇ રહ્યો છે. પ્રારંભિક તબક્કે મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્યપ્રદેશમાં પણ કેસની સંખ્યા વધવાથી સ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે.
- ભારત ૫૫ દેશોને દવા આપશે
કોરોના વાયરસમાં સારવાર માટે વર્તમાન સમયે મેલેરીયા વિરોધી દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી અમેરિકાએ થોડા સમય પહેલા ભારત પાસેથી હાઈડ્રોક્સીકલોરોકવાઈન દવા માંગી હતી. ભારત હવે વિશ્ર્વના ૫૫ દેશોને આ દવા આપવા જઈ રહ્યું છે. જેમાં મોરેસીયસ, અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશ, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને મ્યાનમારનો સમાવેશ થઈ
રહ્યો છે. આ ઉપરાંત ભારત જામ્બીયા, માડાગાસ્ટર, યુગાન્ડા, માલી કોંગો, ઈજીપ્ત, અરમેનીયા, કઝાકસ્તાન, જમઈકા, સીરીયા, યુક્રેન, ઝીમ્બાબ્વે, જોર્ડન, ફ્રાન્સ, કેન્યા, નેધરલેન્ડ, નાઈઝીરીયા, ઓમાન અને પે તેમજ ફિલીપાઈન્સ, રશીયા, સાઉથ આફ્રિકા, તાન્જેનીયા, ઉજબેકિસ્તાન, ઉરુગ્વે, કોલંબીયા અને યુનાઈટેડ ક્ંિગ્ડમનો સમાવેશ થાય છે. વિશ્ર્વના ૫૫ દેશોના નાગરિકોને કોરોના વાયરસથી બચાવવા માટે ભારત મદદ કરવા જઈ રહ્યું છે. આગામી સમયમાં ભારત વિવિધ સ્તરે વિશ્ર્વ ગુરુની ભૂમિકા ભજવે તેવી શકયતાઓ છે.
- કોરોનાએ અમેરિકામાં તારાજી સર્જી!
વિશ્ર્વ આર્થિક કટોકટીના સમયગાળા દરમિયાન અમેરિકામાં કોરોનાથી થયેલા મૃત્યુઆંક ૩૦,૯૯૦ એ પહોચ્યો છે. અમેરિકા અત્યારે કોરોનાથી વિશ્ર્વમાં સૌથી વધુ માનવ ખુંવારીનો ભોગ બનનાર દેશ તરીકે કોરોનાથી પિડાય રહ્યું છે. અમેરિકા પછી તેનાથી પાંચમાં ભાગની વસ્તી ધરાવતા ઇટાલીમા ૨૧,૬૪૫ મૃત્યુ, ત્યારપછી સ્પેનમાં ૧૯,૧૩૦ મૃત્યુ, અને ફ્રાન્સમા ૧૭,૧૬૭ મૃત્યુ નોધાયા હતા. અમેરિકામાં સૌથી વધુ માનવ ખુંવારીનો આંકડો સામે આવ્યો છે.
- કોરોનાની રસી શોધવામાં અમેરિકાએ ભારતનો હાથ થામ્યો
કોરોના વાયરસની રસી શોધવા વિશ્ર્વભરના સંશોધકો પ્રયત્નો કરી રહ્યાં છે. ભારતમાં સંશોધકોની ક્ષમતા વૈશ્ર્વિકક્ષાએ ઘણી વધુ છે. જેથી અમેરિકાએ ભારત સાથે મળીને કોરોના વાયરસની રસી શોધવા હાથ લંબાવ્યો છે. પીપીઈ અને એસીકયુ જેવા મટીરીયલના માધ્યમથી ભારત અને અમેરિકાના સંશોધકો રસી શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સંશોધનમાં ઉપયોગમાં લેવાતા સંશાધનોમાં કોઈપણ તંગી ન સર્જાય તે માટે બન્ને દેશોએ પ્રયત્નો કર્યા છે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીયો દ્વારા પણ ભારત અને અમેરિકાના સંશોધકોના પ્રયત્નો અંગે વિશ્ર્વને જાણ કરવામાં આવી છે.
- તબલિગી જમાતના મૌલાના મની લોન્ડરીંગ કેસમાં ઇડીના સકંજામાં
તબલીગી જમાતના મૌલાના સાદ કાન્ધલવી સામે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ દ્વારા હવાલા કૌભાંડમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એન્ફોર્સમેન્ટ કેસ ઈમ્ફોર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર) પણ નોંધવામાં આવ્યો છે. ગત તા.૩૧ માર્ચના રોજ પણ દિલ્હી પોલીસ દ્વારા ૭ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તબલીગી જમાતના આર્થિક વ્યવહારો અંગે પણ ઈડી દ્વારા તપાસ થઈ હતી અને મૌલાના તેમજ તેમની સાથે સંલગ્ન સંસ્થા દ્વારા થયેલા વ્યવહારો બદલ કેસ નોંધાયો છે. ટૂંક સમયમાં મૌલાના સામે સમન્સ કાઢવામાં આવશે. વર્તમાન સમયે મૌલાના સેલ્ફ
કવોરન્ટાઈન હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા દિલ્હીના નિઝામુદ્દીન મરકસ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સના પ્રોટોકોલની અમલવારી થઈ ન હતી. પરિણામે અનેક લોકો કોરોના વાયરસનો શિકાર બન્યા હતા અને આખો દેશ ખતરામાં મુકાઈ ગયો છે. હવે ઈડી દ્વારા જમાતના મૌલાના સામે કેસ દાખલ થતાં ચર્ચાએ જોર પકડ્યું છે.
- સ્થળાંતરીતો બેહાલ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉનની અવધી લંબાવવામાં આવી છે. લોકડાઉનના કારણે શ્રમિકોને ગંભીર નુકશાન થયું છે.
તાજેતરમાં જ સુરત સહિતના શહેરોમાંથી શ્રમિકો પોતાના વતન જવા તત્પર થયા હતા. વર્તમાન સમયે સુરતના ઔદ્યોગીક વિસ્તારોમાં શ્રમિકોની હાલત દયનીય છે. ઉત્તરપ્રદેશ અને બિહાર ખાતેથી સુરતમાં રોજીરોટી માટે આવેલા શ્રમિકોને યોગ્ય ખોરાક ન મળતો હોવાનો આક્ષેપ થયો હતો. સુરતના ઔદ્યોગીક વિસ્તારના ૧૦૦ જેટલા શ્રમિકોએ પ્રદર્શન કર્યું હતું. વર્તમાન સમયે વૈશ્ર્વિક સ્તરે કોરોના વાયરસના ફેલાવાના કારણે ઔદ્યોગીક ક્ષેત્ર ભાંગી જાય તેવી દહેશત છે ત્યારે ગુજરાત સહિતના રાજ્યમાં રોજીરોટી કમાવવા માટે આવેલા શ્રમિકો ઉપર મોટુ ભારણ જોવા મળી રહ્યું છે. શ્રમિકો સામે રોજીરોટીનો મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે.
- વૈશ્ર્વિક સરખામણીએ ભારતમાં પોઝિટિવ કેસની સરેરાશ ઓછી
ભારતમાં દર ૨૪ સેમ્પલમાંથી માત્ર ૧ સેમ્પલ જ પોઝિટીવ આવતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ આંકડો જાપાનમાં વધુ છે. જાપાનમાં દર ૧૧.૭ ટેસ્ટમાંથી ૧ ટેસ્ટ પોઝિટીવ આવે છે. ઈટાલીમાં દર ૬.૭ લોકોમાંથી ૧ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટીવ આવે છે. અમેરિકામાં દર ૫.૩ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિનો અને યુકેમાં દર ૩.૪ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિ પોઝિટીવ આવી રહ્યો છે. આ સરખામણીએ વર્તમાન સમયે ભારતમાં દર ૨૪ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિ પોઝિટીવ આવી રહ્યો છે. પરિણામે એમ કહી શકાય કે ભારતમાં વૈશ્ર્વિક સરખામણીએ કોરોનાના કેસની સરેરાશ ઓછી છે.
- ચીને કોરોનાને લઈ વિશ્ર્વને જવાબ આપવો પડશે : યુકે
ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વને જોખમમાં મુક્યું છે. જીવતા સાપ, દેડકા, ઉંદર, ચામાચીડીયા સહિતનું ખાઈ જનાર ચીનાઓના કારણે લાખો લોકોના મોત થયા છે. પરિણામે આ મહામારીના ઉદ્ભવનું નિમીત બનવા અને ફેલાવવા બદલ વિશ્ર્વ સમક્ષ ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. યુકે દ્વારા પણ તાજેતરમાં ચીનને સકંજામાં લેવા માટે રણનીતિ ઘડી કઢાઈ હોવાનું જાણવા મળે છે. મહામારી નાબુદ થયા બાદ ચીન સામે આકરા પગલા લેવાશે તેવું તાજેતરમાં વૈશ્ર્વિક પ્રતિનિધિઓ દ્વારા અપાયેલા નિવેદન પરથી જાણવા મળી રહ્યું છે. ચીનમાં કોરોના વાયરસનો ઉદ્ભવ કેમ થયો ? તેનો ફેલાવો કેવી રીતે થયો ? અને વહેલાસર રોકવામાં કેમ ન આવ્યો તે સહિતના પ્રશ્ર્નનો સંતોષકારક ચીન આપી શક્યું નથી.
- પરદેશમાં વસતા ૩ હજારથી વધુ ભારતીયો કોરોનાના ભરડામાં
ચીનમાંથી શ થયેલી કોરોનાની ભૂતાવળ વિશ્ર્વમાં આંટો લઇ ચુકી છે. ત્યારે પરદેશમાં રહેતા ૩ હજાર ભારતીય નાગરીકોને અત્યાર સુધી કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી ચુકયો છે અને સત્તાવાર અત્યાર સુધીમાં રપ ભારતીય નાગરીકો આ વાયરસને કારે પરદેશમા જ રામચરણથઇ ચુકયા છે સૌથી વધુ સંક્રમણના બનાવોમાં ૫૩ દેશોમાં કુવૈત અને સિંગાપુરમાં વધુ પ્રમાણમાં છે. સંક્રમિત દર્દીઓમાં સૌથી વધુ ૭૮૫યુક્રેનમાં ત્યારપછી સિંગાપુરમાં ૧૮૬, કતારમાં ૪ર૦, ઇરાનમાં ૩૦૮, ઓમાનમાં ૨૯૭, સંયુકત આરબ અમિરાતમાં ૨૩૮ સાઉદી અરેબીયામાં ૧૮૬, બેહરિનમાં ૧૩૫ અને આ લિસ્ટમાં ઇટાલીના ૯૧, મલેશિયાના ૩૭, પોટુબલના ૩૬, ઘાનાના ર૯, અમેરિકાના ર૪, સ્વીન્ઝરલેન્ડમાં ૧પ અને ફ્રાન્સમાં ૧૩ ભારતીયોને અત્યાર સુધીમાં કોરોના સંક્રમણની અસર નોંધાઇ છે.
- કોરોના સામેની લડાઇમાં વડાપ્રધાન સાથે ખંભેખંભા મિલાવવા રાહુલ તૈયાર
કોરોનાના સામેની લડાઈમાં સરકારને સૂચન આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વ પૂર્ણ નિવેદન પણ આપ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું હતુકે, આ સમય છે કે, આખો દેશ એક થઈને કોરોના વાયરસ સામેની લડાઈ લડે. આ સ્થિતિમાં હું વડાપ્રધાન મોદી સાથે લડાઈ કરવા માંગતો નથી પરંતુ મોદી સાથે ખંભેખંભા મિલાવીને મદદ કરવા તૈયાર છે ગઈકાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતુ કે, સૌથી પહેલા કોરોના સામેની લડાઈમાં તમે જ સરકારને ચેતવણી આપી હતી. તેના જવાબમાં તેમણે કહ્યું હતુકે, મને કોઈ વસ્તુની ક્રેડિટ નથી જોઈતી. હું ઈચ્છુ છું કે લોકો સુરક્ષીત રહે. રાહુલ ગાંધી હંમેશા પીએમ મોદીની સામે સવાલે ઉભા કરતા હોય છે. ત્યારે હાલમા કોરોનાની સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ આડકતરી રીતે સરકાર સામે હાલમાં રાજકીય યુધ્ધમાં ઉતરવા નથી માંગતા તેવો ઈશારો કર્યો હતો. રાહુલે અગાઉ કોરોના ટેસ્ટીંગ માટેના ખર્ચા અને આ મહામારી સામે જંગના મુદે મોદી સરકાર પર આકરા પ્રહારો કયા હતા. અને જણાવ્યું હતુ કે લોકડાઉન કોરોનાને રોકવા પુરતુ નથી રાહુલે આંતરમાળખાકીય સુવિધા અને અર્થતંત્રની મંદી અંગે પણ ચિંતા વ્યકત કરી હતી.