વધુ ૪૦ પોઝીટીવ કેસ: ૨૨ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
રાજકોટમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વરસી રહ્યો છે ત્યારે કાલ સાંજથી અત્યાર સુધી વધુ ૪૦ કોરોના સંક્રમિત કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસનો આંક ૩૦૦૦ને પાર પહોંચ્યો છે. જયારે એક દિવસમાં વધુ સિવિલ હોસ્પિટલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં ૬ દર્દીઓએ દમ તોડયો છે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિનાં પરીવારજનો પણ કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની મહામારી એટલી વકરી છે કે શહેરની હાલત સુરત જેવી થતી જોવા મળી રહી છે. ગઈકાલે કોરોનાના ૭૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા જયારે ૩૫૦૩ લીધેલા સેમ્પલમાંથી વધુ ૪૦ લોકો કોરોના સંક્રમિત નોંધાતા શહેરનો કુલ પોઝીટીવ આંક ૩૦૧૮ પર પહોંચ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ભારે ફુંફાડો મારી રહ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૨૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજકોટમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસથી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
એક તરફ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધતી જાય છે તો બીજી તરફ મૃત્યુદરમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાના હાહાકાર વચ્ચે તંત્ર દ્વારા મૃત્યુ પામનાર વ્યકિતઓની માહિતીઓ છુપાવવાના હિન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરની સિવિલ અને અન્ય ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૨૨ દર્દીઓને કોરોના ભરખી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં વધુ ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં ૬ દર્દીઓના સારવારમાં મોત નિપજતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનો પરિવાર પણ કોરોના સંક્રમિત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો રાફડો ફાટી નિકળ્યો છે. સૌપ્રથમ કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી કોરોનાની ઝપટે ચડતા ૨૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા જેમાંથી ૩૩ કર્મચારીઓ કોરોના પોઝીટીવ નોંધાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ સર્જાયો હતો. જયારે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નીતિન પેથાણીના ધર્મપત્ની અને તેના પુત્રને કવોરન્ટાઈન કરીને સેમ્પલ લેવામાં આવ્યા બાદ બંને કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. કુલપતિ બાદ તેમના પરીવારજનો પણ કોરોનામાં સપડાતા ચિંતાનો વ્યાપ વઘ્યો છે અને હાલ કુલપતિ તેમના ધર્મપત્ની અને પુત્રને હોમ આઈસોલેટ થઈ સારવાર લઈ રહ્યા છે.
ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પણ કોરોના ?
રાજકોટ પૂર્વ બેઠકનાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને પણ કોરોના થયો હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ અબતક દ્વારા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીનો સંપર્ક સાધતા તેમનો ફોન સતત સ્વીફ ઓફ આવ્યો હતો.
હાલ અરવિંદભાઈ રૈયાણી ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણોથી પીડાતા હોવાથી સારવાર લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા જ સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમમાં અરવિંદભાઈ રૈયાણી હાજર રહ્યા હતા સાથે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા જેઓને ગઈકાલે કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો જેથી રાજકોટ પૂર્વ બેઠકનાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી પણ કોરોનાની ઝપટે ચડયા હોવાની શંકા સેવાઈ રહી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના મોરચામાં અનેક નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર કોઈપણ નેતા કે ધારાસભ્યોને કોરોના પોઝીટીવ આવ્યો હતો હાજર કાર્યકર્તાઓ અને અનેક લોકો કોરોનાની ઝપટે ચડી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.