સેમ્પલીંગ ટેસ્ટમાં વધારા સાથે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો: એક દિવસમાં ૯૦ કોરોનાગ્રસ્તને રજા અપાઈ
રાજકોટમાં કોરોના કહેરનો કેડો મુકી નથી રહ્યો ત્યારે ગઈકાલે રાતથી આજ બપોર સુધીમાં વધુ ૯ કોરોના પોઝીટીવ દર્દીઓએ સારવારમાં દમ તોડયો હતો જયારે ગઈકાલ સાંજે ૫:૦૦ વાગ્યાથી લઈ આજ બપોર ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કોર્પોરેશન દ્વારા વધુ ૩૧ કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થતા રાજકોટમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૫૦૦ નજીક પહોંચી રહી છે. સેમ્પલીંગ ટેસ્ટમાં તંત્ર દ્વારા વધારો કરી સુપર સ્પ્રેડરની શોધમાં નિકળેલા મહાનગરપાલિકાનાં સ્ટાફ દ્વારા પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. ગઈકાલે કુલ ૯૦ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવારમાંથી રજા આપવામાં આવી હતી.
રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોતાનો સકંજો કસતો જાય છે તે રીતે પોઝીટીવ કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. સેમ્પલીંગ ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરતા આજરોજ ફરી કોર્પોરેશન દ્વારા ગઈકાલે સાંજે ૫:૦૦ વાગ્યાથી લઈ આજરોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૩૧ કોરોના પોઝીટીવ દર્દીઓની જાહેરાત કરવામાં આવી છે. જયારે બીજી તરફ કોરોનાનો ભરડો વધુ ખતરનાક થતો દેખાય રહ્યો છે. ગઈકાલ રાતથી લઈ આજ બપોર સુધીમાં કોરોનામાં કુલ ૯ દર્દીઓનો ભોગ લેવાયો છે. ગઈકાલે તંત્ર દ્વારા વધુ ૪૦૭ સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૪.૯૮ પોઝીટીવીટી રેટ સાથે ૬૧ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જેમાંથી આજરોજ વધુ ૩૧ કોરોનાગ્રસ્ત દર્દીઓ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ ૧૨૦૦૦ જેટલા કોરોના સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૧૫૦૦ સુધી પહોંચી રહી છે. ગઈકાલે કોરોના કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ ૯૦ દર્દીઓને રજા આપવામાં આવી હતી જે અત્યાર સુધી કુલ ૭૧૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી જીંદગીની જંગ જીતી છે. આગામી સમયમાં તંત્ર દ્વારા સુપર સ્પ્રેડરની શોધમાં સેમ્પલીંગ ટેસ્ટ વધારવાનું નકકી કરતા જયુબેલી અને રૈયાધાર-લલુડી વોંકળી જેવી લોકોને ભીડભાડવાળા એરીયામાંથી વધુ ૨૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા જેનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાતા આવનારા દિવસોમાં પોઝીટીવ કેસની સંખ્યા ખુબ જ ઝડપથી વધી શકે તેવું લાગી રહ્યું છે.
વધુ ૯ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો
રાજકોટમાં એક તરફ સેમ્પલીંગ ટેસ્ટમાં વધારા સાથે પોઝીટીવ દર્દીઓની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે અને કોરોના વાયરસને મ્હાત આપતા દર્દીઓ પણ વધી રહ્યા છે ત્યારે શહેરની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓમાંથી વધુ ૯ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો હતો જેમાં રાજકોટનાં લક્ષ્મીવાડી વિસ્તારનાં નરેન્દ્રભાઈ ધીરજલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ.૭૦), જંકશન પ્લોટનાં રહિમભાઈ ફતેહદીનખાન પઠાણ (ઉ.વ.૬૨), ગીતાનગરનાં રમેશભાઈ માધવજીભાઈ પરમાર (ઉ.વ.૭૪), સંતકબીર રોડ પરના હસુમતીબેન રમણીકભાઈ રાઠોડ (ઉ.વ.૯૦) અને ગઢીયાનગરનાં ધીરૂભાઈ જગાભાઈ રામાણી (ઉ.વ.૬૮) જયારે લોધીકા તાલુકાનાં ઢોલરા ગામનાં નરસિંહભાઈ ગોરધનભાઈ ટીલાળા (ઉ.વ.૭૦), જેતપુરનાં મહેમુદાબેન અશરફભાઈ (ઉ.વ.૬૨), વિરપુરનાં જયાબેન રસિકભાઈ પરમાર (ઉ.વ.૬૦) અને વાંકાનેરનાં રહીમભાઈ ઈબ્રાહીમભાઈ પરસાણા (ઉ.વ.૫૧)નું કોરોના પોઝીટીવની સારવાર દરમિયાન મોત નિપજયા છે.