કાચિંડાની જેમ રંગ બદલતો કોરોના
રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં કોરોના જાણે કાચિંડાની જેમ રંગ બદલતો હોય તેમ ફરી ફૂફાડો મારી રહ્યો છે.પરંતુ તેની સામે હજુ પણ સરકારી ચોપડે સબ સલામત જેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. લોકોને લક્ષણ જણાતા ખાનગી હોસ્પિટલ અને કલીનિકોમાં સારવાર માટે જતા હોય છે પરંતુ ત્યાંથી પણ કોઈ સચોટ સારવાર લેવાથી અળગા રહી કોરોનાના લક્ષણો સામે આંખ આડા કાન કરી લે છે. જેનાથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થવાનો ભય પણ વધી રહ્યો છે.
રેપિડ ટેસ્ટ કરાવ્યા વગર ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકની સારવારથી દર્દીઓ સંતુષ્ટ: લક્ષણ દેખાવા છતાં આંખ આડા કાન
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી થયો છે. હાલ રાજકોટ શહેરમાં 84 એક્ટિવ કેસ સરકારી ચોપડે બોલી રહ્યા છે. પરંતુ જે લોકોએ પ્રાથમિક સારવારથી જ સંતુષ્ટ છે તે જીવતા કોરોના બોમ્બની જેમ ફરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ રોજના 550 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં રોજ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
શહેરમાં 87 કોરોનાના એક્ટિવ કેસ: આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળોએ ટેસ્ટિંગ વધારાયું
કોરોના કારણે હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર ફરી એક્શન મોડમાં આવી છે અને દહેશત ઊભી થાય તે પહેલાં જ કોરોનની સ્થિતિને કાબૂ કરવા આગમચેતી પગલાં લેવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ લક્ષણ હોવા છે જે લોકો ટેસ્ટિંગથી અળગા રહી છે તે બીજા લોકો માટે જોખમી સાબિત થવાનો ભય પણ લાગી રહ્યો છે. વર્તમાન સમયમાં સરકારી આકડાઓના પ્રમાણમાં વધુ લોકોને લક્ષણો જોવા મળી રહ્યા છતા બહાર ફરતા લોકો વધુ જોખમી સાબિત થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ આવતા દર્દીઓને હોમ આઇસોલેટ કરવાની સાથે ગાઇડલાઇનનું પાલન કરવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટેસ્ટિંગની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ અને સિવિલના આકડાઓમાં પણ મોટા તફાવત
કોરોના કેસમાં વધારો થયાની સાથે સરકારી ખાતાઓ હવે ફરી એકવાર દોડતા થયા છે. પરંતુ કોરોનાણી સાચી સ્થિતિ અંગે તાગ મેળવવીએ તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ તંત્રના આંકડાઓમાં પણ તફાવત આવી રહ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં હાલ 84 એક્ટિવ કેસ છે અને તેમાં એક દર્દી ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાને સામે લડવા તૈયારીઓને ઓપ આપવામાં આવી રહ્યો છે. તો હાલ શંકાસ્પદ જણાતા દર્દીઓના ટેસ્ટ અને સારવાર માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ હાલ સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનામાં એક દર્દી સારવાર લઈ રહ્યું હોવાનુ જાણવા મળ્યુ છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવ્યા મુજબ ત્યાં પણ એક દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યું છે. આ રીતે આકડાઓનો તફાવત જ કોરોનાને લગતી માહિતી છુપતી હોવાના પુરાવા આપી રહ્યા છે.
સરકારી તંત્રના જાદુઈ આંકડા દિવસે – દિવસે વધી રહ્યા છે
રાજકોટ શહેર અને ગુજરાતમાં હાલ ફરી એક વખત કોરોના વાયરસે લોકોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી તંત્રના ચોપડે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમી ધારે વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ શું તેના કારણે કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ રાખી શકાશે કે કેમ તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે.
રાજકોટની વાત કરીએ તો હાલ 84 કોરોના એક્ટિવ કેસ છે. જેમાં છેલ્લા ત્રણ દિવસના આકડાઓમા નજર કરીએ તો 12,15 અને 16 એમ ક્રમશ રહી છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ તેની સામે પોઝિટિવ રેશિયો ઘટાડવા માટે એક સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની જાણ કરવામાં આવતી નથી તેવું લાગી રહ્યું છે. આજે આવતા પોઝિટિવ કેસની સંખ્યા થોડી ઓછી કરી તેને સરકારી ચોપડે દર્શાવી આવતીકાલે સાથે જોડીને તેવા આંકડાઓ રજૂ કરવામાં આવતા શું કોરોનાનો વ્યાપ ઘટી જશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
ખાનગી લેબ અને હોસ્પિટલ કોરોના અંગે તંત્રને જાણ કરતું જ નથી ?
હાલ છેલ્લા કેટલાક દિવસોથી શહેર અને રાજ્યભરમાં કોરોના કેસ વધતા જોવા મળી રહ્યા છે. પરંતુ ખાનગી હોસ્પિટલ અને નાની કલીનીકોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની જાણ તંત્રને કરવામાં આવતી નથી.
જે આજ નહિ પણ આવતા દિવસોમાં કોરોના બ્લાસ્ટની ભિતી સર્જાઈ તો નવાઈ નહી રહે. ખાનગી હોસ્પિટલ, ક્લિનિક અને ખાનગી લેબમાં થયેલા સેમ્પલના રિપોર્ટ બહાર આવે તો હાલ કોરોના આંકડો કઈક અલગ જ સ્થિતિ વર્ણવે તેવું લાગી રહ્યું છે. કોરોના લક્ષણ સાથે ખાનગી હોસ્પિટલ અથવા તો કલીનિકમાં સારવાર લેવા જતા દર્દીઓને માત્ર સામાન્ય ફ્લૂના લક્ષણ હોવાનુ કહી સારવાર આપવામાં આવે છે. તો તેની સાથે કોરોના સ્પ્રેડ થવાનો ખતરો વધતો દેખાઈ રહ્યો છે.
રાજ્ય સરકારની કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર
રાજ્યભરમાં કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો થતા રાજ્ય સરકાર દ્વારા એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં અનેક વસ્તુઓ પર સાર સંભાળ રાખવા માટે સૂચવવામાં આવ્યું છે. ગઇડલાઈનમાં જણાવ્યા મુજબ તબીબોની મંજૂરી વગર કોઈ પણ પ્રકારની દવાઓ ન લેવી તેવું જણાવ્યું છે. બીજી તરફ અગાઉની ગઇડલાઈનમાં 95 ઓક્સિજન લેવલ પર વેન્ટિલેટર પર રાખવામાં આવતા હતા જે હવે 93 લેવલ પર દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે. આઈ.સી.એમ.આર. દ્વારા જાહેર કરવામાં આવતી ગઇડલાઈન અનુસાર પોતાની જાતે લોકોએ દવાઓનો ઉપયોગ ન કરવો અને તબીબોની સલાહ બાદ સારવાર કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.