સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમિત કેસ વધવાથી આરોગ્ય વિભાગમાં દોડધામ : પરિવારજનો અને પાડોશીમાં કોરોનાના ચેપ વધ્યા

જામનગર, દેવભૂમિ – દ્વારકા અને બગસરામાં વધુ કોરોના સંક્રમણના કેસ

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો વિસ્ફોટ સર્જાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કોવિડ ૧૯ વાયરસના વધુ ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હાલ અગાઉ આવેલા પોઝિટિવ કેસના ક્લોઝ કોન્ટેક્ટમાં કોરોના ચેપ વધતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સૌરાષ્ટ્રમાં વતન પરત આવતા સંક્રમિત કેસ વધ્યા છે. હાલ અગાઉ કોરોનાગ્રસ્ત આવેલા લોકોમાંથી પરિવારજનો અને પાડોશી સહિતના લોકોને ચેપ લાગુ પડતા ચિંતાનો વ્યાપ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં અન્ય જામનગર, દેવભૂમિ દ્વારકા અને બગસરામાં પણ કોરોનાના વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટમાં જૂન માસ અને આંતરિક પરિવહનની છૂટછાટ બાદ કોરોના સંક્રમણના કેસ અતિ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આજ રોજ કોઠારીયા રોડ ઓર હુડકો પાસે વેલનાથ સોસાયટીમાં મહિલા, ગર્વમેન્ટ કવાર્ટર માં રહેતા પુરુષ, શ્રદ્ધા પાર્કમાં ૩૬ વર્ષીય યુવાન અને મયુર પાર્કમાં વધુ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે પણ અમદાવાદથી ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે આવેલા બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. શાપરના પારડી ગામે પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

જયારે ગઈકાલે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાનાં ૮ કેસ નોંધાયા હતા જેમાં ખાનગી હોસ્પિટલનાં પોઝીટીવ તબીબનાં સંપર્કમાં આવેલા આસોપાલવ પાર્ક ચંદ્રેનગરમાં રહેતા દેવાંગભાઈ શિવુભા પરમાર નામના ૨૫ વર્ષના યુવાનનો કોરોના પોઝીટીવ આવ્યો હતો જયારે દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ઉદયનગરમાં રહેતા ૩૪ વર્ષનાં તેજપાલ તોમારને પણ કોરોના હોવાનું જાણવા મળ્યું હતું જયારે ડો.માંકડિયા જે અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા તેના સંપર્કમાં આવેલા રોયલ પાર્ક કાલાવડ રોડ પર રહેતા ઝીલબેન દિનેશભાઈ માંકડિયા (ઉ.વ.૨૬)ને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો જયારે અગાઉ પોઝીટીવ આવેલા યામિનીબેનનાં પાડોશી ભાનુબેન ધી‚ભાઈ સોલંકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. અગાઉ તાલાલા ગામમાં પોઝીટીવ આવેલા કેસનાં કલોઝ કોન્ટેકમાંથી નવલનગરમાં રહેતા રાજદિપસિંહ પરાક્રમસિંહ ચુડાસમા નામના ૨૪ વર્ષનાં યુવાનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. કૃષ્ણનગરમાં વૃદ્ધને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમનાં પૌત્ર હાર્દિક અરવિંદભાઈ પુરોહિતને પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અગાઉ કોરોનાગ્રસ્ત જાહેર થયેલા ઝરીનાબેનનાં કોન્ટેકમાં આવેલા રામનાથ કવાર્ટરમાં રહેતા પાર્થ તપનભાઈ સાતડાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને ગત તા.૮મી જુનનાં રોજ પોઝીટીવ આવેલા પુરુષનાં બહેન અને આર.કે.નગરમાં રહેતા મહિલા ઉષાબેન મધુકરભાઈ મણવરને પણ કોરોનાગ્રસ્ત જાહેર કર્યા હતા. રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક સાથે ૧૫ કોરોનાનાં રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અત્યાર સુધી રાજકોટ શહેરમાં કુલ ૧૧૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને પાંચનાં મોત નિપજયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ વધુ એક કેસ કોરોના પોઝીટીવ નોંધાયો છે. જિલ્લામાં અગાઉ ૧૫ કોરોનાગ્રસ્ત કેસ જાહેર થયા હતા ત્યારબાદ લાંબા સમયથી જિલ્લામાં કોઈપણ દર્દી કોરોના પોઝીટીવ નોંધાયો ન હતો પરંતુ ગઈકાલે લોહાણા મહાજનવાડી પાસે રહેતા ૬૯ વર્ષીય વૃદ્ધ અમદાવાદ રહેતી પુત્રીને તેડીને ખંભાળીયા આવ્યા બાદ તેમનામાં કોરોનાનાં લક્ષણ જણાતા વૃદ્ધને આઈસોલેટ કરી સેમ્પલ મેળવવામાં આવ્યા હતા જેનો આજરોજ રીપોર્ટ કોરોનાગ્રસ્ત જાહેર થતા જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૬ ઉપર પહોંચી છે. અમરેલીનાં બગસરા તાલુકામાં રહેતા મહિલાનાં ઘરે અમદાવાદથી પોતાનો ભાઈ રોકાવા આવ્યા બાદ ૫૧ વર્ષીય મહિલા રેખાબેન નવીનભાઈ માંડલિયાની તબિયત બગડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમનાં સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેઓને આજરોજ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આઈસોલેટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.