અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 25, સુરતમાં 7, ભાવનગરમાં 6, વડોદરામાં 5 અને જામનગર મહાપાલિકા વિસ્તારમાં 3 કેસ: રાજયમાં કોરોનાના એકિટવ કેસનો આંક 372 એ પહોચ્યો
અબતક,રાજકોટ
રાજયમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે આઠ મહાપાલિકા વિસ્તારોમાં છેલ્લા દોઢ વર્ષથી રાત્રિ કરફયુ અમલમા છે. છતા કોર્પોરેશન વિસ્તારોમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં ગઈકાલે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ 61 કેસો નોંધાયા હતા જેપૈકી 46 કેસતો માત્ર પાંચ મહાપાલિકા વિસ્તારોમાંથી મળી આવ્યાછે. નવા ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે રાજયમાં ફરી કોરોનાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. દરમિયાન 39 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજયમાં કુલ એકિટવ કેસનો આંક 372 એ પહોચ્યો છે.
ગઈકાલે દિવસ દરમિયાન ગુજરાતમાં કોરોનાના કુલ 61 કેસો નોંધાયા હતા જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 25 કેસો મળી આવ્યા હતા. સુરત કોર્પોરેશન વિસ્તારમાં 7 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ સહિત રાજયની આઠ પૈકી પાંચ મહાપાલિકા વિસ્તારોમાં 46 કેસો મળી આવ્યા છે. રાજકોટ જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારોમાં ગઈકાલે કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં ચાર કેસ, ખેડામાં બે કેસ, નવસારીમાં બે કેસ, અમદાવાદ જિલ્લામાં એક કેસ, આણંદ જિલ્લામાં ચેક કેસ, ગાંધીનગર જિલ્લામાં એક કેસ, જૂનાગઢ જિલ્લામાં 1 કેસ, કચ્છમાં એક કેસ રાજકોટ જિલ્લામાં એક કેસ, અને વડોદરા જિલ્લામાં એક કેસ સહિત રાજયમાં મંગળવારે કોરોનાના નવા 61 કેસો મળી આવ્યા છે. જેની સામે 39 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજયમાં હાલ કોરોનાના 372 એકિટવ કેસ છે જે પૈકી 9 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે.
અને 363 દર્દીઓની હાલત સ્થિર છે. રાજયમાં કોરોનાથી 10095 દર્દીઓના મોત નિપજયા છે.
કુલ 8,17,339 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી રોટ 98.74 ટકા છે. ગઈકાલે 3,82,740 વેકિસનના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં વેકિસનના 8,35,26,458 ડોઝ આપી દેવામાં આવ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજય સરકારની ચિંતા વધી ગઈ છે. આજથી ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા આદેશ આપવામાં આવ્યો છે.